ગુરુ ફરી શરૂ થઇ ગયા- સિદ્ધુએ પોતાની જ સરકાર સામે ભૂખ હડતાળ પર ઉતરવા ચિમકી આપી

PC: https://peoplenewschronicle.com

પંજાબમાં કોંગ્રેસનું કમઠાણ હજુ ચાલું જ છે, કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિધ્ધુએ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને ચેતવણી આપી છે કે જો ડ્રગ્સનો રિપોર્ટ જાહેર કરવામાં નહીં આવે તો પોતે પોતાની જ સરકાર સામે ભુખ હડતાળ પર ઉતરશે. પંજાબમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુરુ ફરી શરૂ થઇ જતા કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થવાનો છે.

 પંજાબમાં છેલ્લાં લાંબા સમયથી આંતરીક વિખવાદ ચાલી રહ્યો છે. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહને હટાવીને મુખ્યમંત્રી તરીકે ચરણજીત ચન્નીની પસંદગી થયા પછી મામલો શાંત પડશે એવું લાગતું હતું, પરંતુ વિવાદનું બીજું નામ એટલે સિધ્ધુ. હમણાં થોડા સમયથી  પંજાબમાં રાજકીય મામલો શાંત હતો, પરંતુ સિધ્ધુએ ફરી ઉપાડો લીધો છે.

 એકરેલી દરમ્યાન નવજોત સિંહ સિધ્ધુએ કહ્યું કે પંજાબમાં લાખો નવયુવાનો ડ્રગ્સને કારણે મોતને ભેટયા છે, હજુ લાખો યુવાનો ડ્રગ્સના રવાડે ચઢેલા છે. સિધ્ધુએ કહ્યું કે, પટીયાલામાં એક વૃધ્ધે મારી સાથે વાત કરતા કહ્યું હતું કે, તેઓ નશાના કારણે પૌત્રની હાલત પર રડી રહ્યા છે. સિધ્ધુએ પોતાની  સ્ટાઇલમાં કહ્યું હતું કે જો ડ્ર્ગ્સ સાથે જોડાયેલી રિપોર્ટ પંજાબ સરકાર જાહેર નહીં કરશે તો પોતે ભુખ હડતાળ પર ઉતરશે.

 સિધ્ધુએ કહ્યું કે નશાને કારણે યુવા પેઢી બરબાદીની ગર્તામાં ધકેલાઇ રહી છે અને લોકો રાજ્ય છોડીને બીજા રાજ્યમાં જઇ રહ્યા છે. એવામાં જો લોકો પંજાબ છોડીને ચાલ્યા જશે તો સરકારી ખજાનામાં રૂપિયા કયાંથી આવશે?  અને હોસ્પિટલ અને યુવતીઓ માટે કોલેજ કેવી રીતે ખુલશે?

  આ પહેલાં પણ ચન્ની અને સિધ્ધુ વચ્ચે અનેક મુદ્દાઓ પર ખટરાગ થઇ ચૂકી છે. તાજેતરમાં જ કરતારપુર કોરિડોર ખુલ્યા પછી જયારે મુખ્યમંત્રી ચન્ની પોતાના પ્રતિનિધિ મંડળ સાથે દર્શન માટે ગયા, તે વખતે સિધ્ધુને સામેલ કરવામાં નહોતા આવ્યા. આ બાબતે સિધ્ધુએ નારાજગી પણ જાહેર કરી હતી.

 ડ્ર્ગ્સના આંકડાની વાત કરીએ તો દુનિયાભરમાં નશાને કારણે દર વર્ષે 2 લાખ લોકોના મોત થઇ રહ્યા છે. ભારતમાં છેલ્લાં 3 વર્ષમાં ડ્રગ્સનું માર્કેટ 455 ટકા વધી ગયું છે. એક અહેવાલ મુજબ દેશમાં 2.1 ટકા લોકો નશીલા પદાર્થનું સેવન કરે છે, જેમાં સૌથી પહેલાં નંબરે મિઝોરમ, પંજાબ બીજા નંબરે અને દિલ્હી ત્રીજા નંબર પર છે. લગભગ 3 કરોડ લોકો ગાંજા કે ચરસનું સેવન કરે છે.

 

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp