દાદા ભગવાનના ભક્ત એવા ભૂપેન્દ્ર પટેલ નવા CM, પહેલીવાર જ ધારાસભ્ય ચૂંટાયા હતા

PC: khabarchhe.com

લાંબી કશ્મકશ પછી અંતે અમદાવાદના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના ચીફ મિનિસ્ટર જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, વિજય રૂપાણીના શનિવારે રાજીનામાં પછી જેમના પણ નામો ચાલતા હતા તેમનો છેદ ઉડી ગયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંતે તેમની સ્ટાઇલ મુજબ એવી વ્યક્તિનું નામ જાહેર કરાવ્યું હતું જેમના અંગે કોઇ વિચારી પણ શકે નહીં. જોકે, અંતે પાટીદાર જ મુખ્યમંત્રી તરીકે જાહેર થયા છે. એટલે પાટીદારોની માગ અંતે પૂરી થઇ છે તેવું કહી શકાય. તેઓ પહેલીવાર જ ધારાસભ્ય બન્યા અને તેમને મુખ્યમંત્રીનું પદ મળ્યું છે. 

 વર્ષ 2017માં પહેલીવાર ઘાટલોડિયાથી ચૂંટાયેલા ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના નવા ચીફ મિનિસ્ટર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ઘણી કશકમશ પછી તેમની પંસદગી કરાઇ છે. વર્ષ 2017માં તેઓ ધારાસભ્ય તરીકે સૌથી વધુ મતોની લીડ- 1 લાખ 17 હજાર મતોથી જીત્યા હતા. તેઓ આનંદીબેન પટેલ જે બેઠક પરથી ચૂંટણી લડતા હતા તે સીટ પરથી લડીને જીત્યા હતા.

એટલે તેમની પસંદગીમાં આનંદીબેન પટેલનું કનેક્શન જોર કરી ગયું હોય તેમ કહેવાઇ રહ્યું છે. તેઓ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરીંગ સુધી ભણ્યા છે. શહેરી વિકાસમાં તેમનો સારો અનુભવ છે. તેઓ મેમનગર નગરપાલિકા હતી ત્યારથી જ રાજકારણમાં સક્યિ હતા. ત્યારબાદ તે અમદાવાદ પાલિકામાં આવતા તેઓ કોર્પોરેટર ચૂંટાયા હતા. તેઓ બે વાર અમદાવાદ સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે. ઓડાના ચેરમેન પણ રહી ચૂક્યા છે.

તેમનો જન્મ અમદાવાદમાં 15 જુલાઇ 1962માં થયો હતો. 60 વર્ષના ભૂપેન્દ્રભાઇ શાંત અને સરળ સ્વભાવના કહેવાય છે. તેમની એક ઓળખ ઉડીને આખે વળગે તેવી એ છે કે તેઓ ખૂબ જ આધ્યાત્મિક વલણ ધરાવે છે. તેઓ દાદા ભગવાન તરીકે જાણીતા ગુજરાતના સંતના ભક્ત છે. વર્ષોથી તેઓ વોલેન્ટિયર તરીકે દાદા ભગવાનના કાર્યક્રમોમાં કામ કરતા આવ્યા છે. તેમની પત્નીનું નામ હેતલબેન છે. વ્યવસાયે તેઓ બિલ્ડર છે. તેઓ જુદી જુદી પાટીદાર સંસ્થાઓ જેવી કે સરદારધામ અને ઉમિયાધામમાં પણ સક્રિય છે.

દાદા ભગવાન પંથમાં કામ કરવા ઉપરાંત તેમની સેવાભાવનાની ખબર એ રીતે પડે છે કે જ્યારે કોરોનાકાળમાં એવી ટીકા થઇ રહી હતી કે નેતાઓ કોરોનાના કાળમાં લોકોની વચ્ચે નથી જતા ત્યારે તેમણે સારી કામગીરી કરી હતી. રોજે રોજ 300 જેટલા ટિફિન તૈયાર કરાવી લોકોને પહોંચાડ્યા હતા. ધારાસભ્ય તરીકે તેમણે 50 પરિવારોને મદદ કરવાનું બીડું ઉપાડ્યું હતું. તેમણે સીએમ તરીકે જાહેર થયા પછી અમિતભાઇ શાહનો ખાસ આભાર માન્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp