MPએ કહ્યું-નોટ પર છાપો લક્ષ્મીનો ફોટો, રૂપિયો સુધરશે, કોંગ્રેસ બોલી-FM શું કરશે?

PC: indianexpress.com

ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ડૉલરની સરખામણીમાં રૂપિયાની કથળતી સ્થિતિ અંગે અજીબોગરીબ નિવેદન આપ્યું હતું. તેમણે ભારતીય ચલણની સ્થિતિ સુધારવા માટે ભારતીય ચલણી નોટોમાં ધનની દેવી લક્ષ્મીનો ફોટો છાપવાની સલાહ આપી હતી. મધ્યપ્રદેશના ખંડવામાં ‘સ્વામી વિવેકાનંદ વ્યાખ્યાનમાળા’ વિષય પર ભાષણ આપ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે, તેઓ નોટમાં ધનની દેવી લક્ષ્મી છાપવાના પક્ષમાં છે. ઇન્ડોનેશિયાની કરન્સી પર ભગવાન ગણેશની છબી છપાવાના સવાલ પર સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે, આ સવાલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ જવાબ આપી શકે છે. જોકે જ્યાં સુધી મારી વાત આવે છે, હું લક્ષ્મી દેવીનો ફોટો છાપવાના પક્ષમાં છું. ભગવાન ગણેશ સંકટ દૂર કરે છે. મારૂં એ કહેવું છે કે, ધનની દેવી લક્ષ્મીનો ફોટો ચલણી નોટોમાં છાપવાથી ભારતીય કરન્સીની સ્થિતિમાં સુધાર થઇ શકે છે. આ બાબતે કોઇએ ખોટું માનવાની જરૂર નથી.

આ નિવેદનની ટીકા કરતા કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, અમને એવું હતું કે, દેશના અર્થશાસ્ત્રી ઇકોનોમીને સુધારવા સારું સમાધાન આપશે, પરંતુ તેઓ નોટ બદલવાની વાત કરે છે. માતા લક્ષ્મી આ પ્રકારનું કામ કરીને અર્થવ્યવસ્થાને ઠીક તો કરી દેશે, પરંતુ પછી નાણામંત્રી શું કામ કરશે?

આ દરમિયાન ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ નાગરિકતા સંશોધન કાયદા પર પણ પોતાની વાત આગળ રાખી હતી. તેમણે કહ્યું હતું કે, નાગરિકતા સંશોધન કાયદામાં આપત્તિજનક કંઇ જ નથી. કોંગ્રેસે અને મહાત્મા ગાંધીએ પોતે નાગરિકતા સંશોધન કાયદા માટે અપીલ કરી હતી. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે, વર્ષ 2003માં સાંસદમાં કોંગ્રેસના નેતા અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પાકિસ્તાનના લઘુમતીઓને નાગરિકતા આપવાની વાત કહી હતી. અમે તો તેને લઇને આવ્યા છીએ. હવે કોંગ્રેસ તેનો સ્વીકાર નથી કરી રહી અને કહી રહી છે કે અમે પાકિસ્તાનના મુસલમાનો સાથે અન્યાય કર્યો. મારો સવાલ એ છે કે, તેમાં શું અન્યાય થયો છે? પાકિસ્તાનના મુસલમાનો અહીં આવવા નથી માંગતા. અને અમે તેમને અહીં આવવા મજબૂર પણ નહીં કરી શકીએ.

ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી હંમેશા પોતાના નિવેદનોને લઇને મીડિયામાં ચર્ચાનો વિષય બની રહે છે. આ પહેલા પણ તેમણે તેમના સંબોધનમાં કહ્યું હતું કે, બ્રાહ્મણો અને દલિતોની જેમ મુસલમાનો અને હિંદુઓનું DNA પણ એક છે. સુબ્રમણ્યમ સ્વામીનો એવો દાવો છે કે, યુનિફોર્મ સિવિલ કોડ જલદી જ લાવવામાં આવશે. સુપ્રીમ કોર્ટ છેલ્લા 70 વર્ષોમાં ઘણી વખત ‘યુનિફોર્મ સિવિલ કોડ’ લાવવાનું નિર્દેશ આપી ચૂકી છે. આ સિવાય સંવિધાનમાં કલમ 44માં પણ યુનિફોર્મ સિવિલ કોડ બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ભારતમાં ઝડપથી વધતી જતી વસ્તી પર ચિંતા વ્યક્ત કરતા ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે, જો આ જ રીતે \વસ્તી વધતી રહેશે તો 2025 સુધી ભારત સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ બની જશે અને ચીનને પાછળ છોડી દેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp