છોકરીઓ 15 વર્ષની ઉંમરથી બાળકો પેદા કરી શકે છે- કોંગ્રેસી નેતાનું વિવાદીત નિવેદન

PC: bhaskar.com

પોતાના વિવાદીત નિવેદનોને કારણે હમેંશા ચર્ચામાં રહેતા પૂર્વ મંત્રી સજજન સિંહ વર્મા ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્રારા છોકરીઓની લગ્નની વય મર્યાદા 18થી વધારીને 21 વર્ષ કરવાની વાત પર સજજન સિંહે કહ્યું હતું કે જયારે છોકરીઓ 15 વર્ષની વયે બાળકો પેદા કરવાની ક્ષમતા ધરાવતી થઇ જાય છે ત્યારે લગ્નની વય મર્યાદા 21 કરવાની જરૂરત શું છે? જયારે પહેલાંથી જ છોકરીઓના લગ્નની વય મર્યાદા 18 વર્ષ નક્કી કરવામાં આવી છે તો પછી એમાં બદલાવ શું કામ કરવો જોઇએ? વર્માનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ખાસ્સું વાયરલ થઇ રહ્યું છે.

કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી સજજન સિંહ  વર્માએ બુધવારે રાજધાની ભોપાલમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ડોકટરોના કહેવા અનુસાર છોકરીઓ 15 વર્ષની ઉંમરથી બાળકો પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે લગ્નની વય મર્યાદા બદલવાની કોઇ જરૂરિયાત નથી.

આ પહેલાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે એક કાર્યક્રમમાં છોકરીઓના લગ્નની ઉંમર બાબતે ચર્ચાની જરૂરિયાતની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર છોકરીઓના લગ્નની વય મર્યાદા 18થી વધારીને 21 વર્ષ કરવા માંગે છે. ચૌહાણે કહ્યું હતું કે મને લાગે છે કે આ મુદ્દે સમાજમાં સંવાદ થવો જોઇએ કે દિકરીઓની લગ્નની ઉંમર 18 હોવી જોઇએ કે 21. મારી ઇચ્છા છે કે આ મુદ્દે લાંબી બહસ થાય, પ્રદેશના લોકો વિચારે, આખો દેશ વિચારે તો પછી કોઇ નિર્ણય લઇ શકાય.

હાલમાં ભારતમાં કાયદો લગ્ન માટે પુરષની વય મર્યાદા 21 અને  મહિલાઓ માટે 18 વર્ષની ઉંમર સુચવે છે, પરંતુ ગયા વર્ષે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મહિલાઓ માટે લગ્નની લઘુત્તમ ઉંમર નક્કી કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે.

મહિલાઓની લગ્નની વય કઇ હોવી જોઇએ તે બાબતે  લાંબા વર્ષોથી દેશભરમાં લોકોની ચર્ચા ચાલી રહી છે. કેટલાંક લોકોનું માનવું છે કે આજે જયારે મહિલાઓ બધા ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને આત્મનિર્ભર બની રહી છે ત્યારે લગ્ન કરી દેવાની ઉતાવળ ન કરવી જોઇએ. જો કે કેટલાંક પરિવારો એવું માને છે કે દિકરીના લગ્ન જેટલાં મોડા થાય એટલું ટેન્શન વધે. 18 વર્ષની વય લગ્ન થઇ જાય તો મા બાપનો ભાર ઉતરી જાય.

 




નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp