મહાયુતિની આજની બેઠક કેન્સલ, CM શિંદે પોતાના ગામ જવા નીકળી ગયા
મહારાષ્ટ્રમાં આજે યોજાનારી મહાયુતિની બેઠકને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. આજે મળનારી બેઠક હાલ પુરતી મુલતવી રાખવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, CM એકનાથ શિંદે આજે સતારા જિલ્લામાં તેમના ગામ જઈ રહ્યા છે અને તેઓ આવતીકાલે પાછા ફરે તેવી શક્યતા છે.
આ પહેલા, મહાયુતિના ત્રણ મોટા નેતાઓ, CM એકનાથ શિંદે, BJP નેતા દેવેન્દ્ર ફડણવીસ અને NCPના વડા અજિત પવારે દિલ્હીમાં અમિત શાહ સાથે લગભગ 3 કલાકની મેરેથોન બેઠક કરી હતી. બેઠક બાદ ત્રણેય નેતાઓ મોડી રાત્રે જ મુંબઈ પરત ફર્યા હતા અને આજે મુંબઈમાં મહાયુતિના ત્રણેય નેતાઓ વચ્ચે વિભાગોની ચર્ચા માટે મોટી બેઠક યોજાવાની હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, CM એકનાથ શિંદે અચાનક સતારા જિલ્લાના તેમના ગામ જવા રવાના થઈ ગયા છે, તેથી આજની બેઠક સ્થગિત કરવામાં આવી છે. શનિવારે સતારાથી પરત ફર્યા પછી આ બેઠક ફરીથી યોજાશે અને બાકી રહેલા તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
આ અગાઉ ગઈકાલે મોડી સાંજે ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને દેવેન્દ્ર ફડણવીસ, CM એકનાથ શિંદે અને અજિત પવાર સાથે અલગથી વાત કરી હતી. BJP અધ્યક્ષ JP નડ્ડા, NCPના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ પટેલ, NCP સાંસદ સુનીલ તટકરે પણ શાહના ઘરે પહોંચ્યા હતા. લગભગ ત્રણ કલાક સુધી બેઠક ચાલી હતી પરંતુ CMના નામ પર નિર્ણય થઈ શક્યો ન હતો.
આ બેઠક પછી ત્રણેય CM એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર મોડી રાત્રે જ મુંબઈ પરત ફર્યા હતા. આ બેઠક અંગે કાર્યવાહક CM એકનાથ શિંદેએ કહ્યું છે કે, આ બેઠક સારી અને સકારાત્મક હતી. આ પહેલી મુલાકાત હતી. જેમાં શાહ અને JP નડ્ડાની સાથે મિટિંગ કરી હતી. CM શિંદેના જણાવ્યા અનુસાર, મહાયુતિના નેતાઓ મુંબઈમાં બીજી બેઠક કરશે, જેમાં CMના નામ પર નિર્ણય લેવામાં આવશે.
આ અગાઉ, CM શિંદેએ ફરી વખત કહ્યું કે, CM પદ માટે કોઈ અવરોધો નથી અને 'લાડલા ભાઈ'એ એક શીર્ષક છે, જેનો અર્થ તેમના માટે અન્ય કંઈપણ કરતાં વધુ મહત્વ ધરાવે છે. મેં ગઈ કાલે પત્રકાર પરિષદમાં મારી ભૂમિકા સ્પષ્ટ કરી દીધી હતી કે, મહાયુતિના CMને લઈને કોઈ અવરોધ નથી. CM શિંદેએ બેઠકમાં કહ્યું, 'આ 'લાડલા ભાઈ' દિલ્હી આવી ગયા છે અને 'લાડલા ભાઈ' મારા માટે કોઈપણ પદ કરતા મોટા છે.'
અહીં તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરે જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં મહાયુતિને 233 સીટો મળી હતી. આટલો બમ્પર મેન્ડેટ મળ્યો હોવા છતાં સત્તારૂઢ BJPની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધને હજુ સુધી CM પદ માટે તેની પસંદગી નક્કી કરી નથી.
280 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં BJP 132 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો, જ્યારે તેના સાથી પક્ષો, CM એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની આગેવાનીવાળી NCPએ અનુક્રમે 57 અને 41 બેઠકો જીતી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp