26th January selfie contest

2012માં કોંગ્રેસના ઢંઢેરામાંથી ભાજપે ક્યો મુદ્દો ચોર્યો હતો? જાણો

08 Dec, 2017
07:31 AM
PC: sandesh.com

ગુજરાતમાં કોંગ્રેસે 2012માં જે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો તે ચાલ્યો નહીં પરંતુ મોદી સરકારે તે સમયે કોંગ્રેસની ઘરના ઘરની યોજના ઝૂંટવી લીધી હતી અને તે ગુજરાતમાં સફળ થઇ છે અને હવે ભારતમાં સફળ બની રહી છે. મોદીનું મિશન છે કે 2022 સુધીમાં પ્રત્યેકને ઘરનું ઘર હોય, એટલે કે આ ચૂંટણી લક્ષી મુદ્દો છે પરંતુ તે અસરકારક છે.

Loading...

2012માં કોંગ્રેસે ઢંઢેરામાં ઘરનું ઘર આપવાની યોજના બનાવીને ફોર્મ પ્રસિદ્ધ કર્યા હતા. લાખો લોકોએ ફોર્મ ભર્યા પરંતુ કોંગ્રેસની સરકાર આવી નહીં. બીજી તરફ ભાજપે પણ તેના ઢંઢેરામાં ઘરનું ઘર આપવાનું વચન આપી કોંગ્રેસના ઢંઢેરાની નકલ કરી હતી પરંતુ તે હીટ સાબિત થઇ છે.

કહેવાય છે કે મોદીના રાજમાં લોકોને મોંઘી રોટી મળે છે. મોંઘા કપડાં મળે છે પરંતુ મોંઘા મકાનો સસ્તા મળે છે. મોદીનું 2022નું આ ડ્રીમ સફળ થશે તો તેમને સત્તા પરથી કોઇની તાકાત નથી કે ઉથલાવી શકે. એટલું જ નહીં 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ તેમને સત્તા પર આવતાં કોઇ રોકી શકશે નહીં.

મોદીના આ મિશનમાં મત કેન્દ્રસ્થાને છે. ગુજરાતમાં 2012માં કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં જ્યારે સસ્તા ઘરની યોજના મૂકી હતી ત્યારે મોદી ગભરાઇ ગયા હતા. વોટબેન્ક ભાજપ પાસેથી સરકતી નજર આવી રહી હતી પરંતુ ભાજપે તેનો ચૂંટણી ઢંઢેરો છેલ્લી ઘડીએ સુધારીને કોંગ્રેસનું ઘરનું ઘર સ્લોગન ઝૂંટવી લીધું હતું જે આજે સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે.

કેન્દ્ર સરકારે છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે 1 લાખ કરોડના મૂડી રોકાણ દ્વારા 'અટલ મિશન ઓફ રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન' (AMRUT) અને '100 સ્માર્ટ સીટી મિશન' હેઠળ મહત્વના સુધારા હાથ ધરવાનો કાર્યક્રમ શરૂ કર્યો તથા પ્રોત્સાહન આધારિત અભિગમ અપનાવીને નાણાંકીય પ્રોત્સાહનોને શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના વિકાસ સાથે સીધું જોડાણ કર્યું. AMRUT દ્વારા પીપીપી મોડલ હેઠળ 500 શહેરોમાં પુનઃ શક્તિ સંચાર કરીને બે કરોડ શહેરી પરિવારોને લાભ આપવાનો છે.

અગાઉ યુપીએ સરકારના અર્બન રિન્યુઅલ મિશન (JNNURM) હેઠળ 42,800 કરોડ નિર્ધારિત કરાયા હતા તે સામે 36,000 કરોડ છૂટા કરાયા હતા, જ્યારે એનડીએ સરકારે અમૃત અને સ્માર્ટ સીટી મિશન હેઠળ 98,000 કરોડ ખર્ચવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.

સરકાર તેની નીતિઓમાં જે રીતે શહેરોમાં પરિવર્તન પ્રોત્સાહિત કરવા ઉપર ભાર મૂકે છે તેનું ડિવિડન્ડ મળવાનું શરૂ થઈ ગયું છે. વર્ષ 2015-16 દરમિયાન 11,705 પ્રોજેક્ટસમાંથી 47 ટકા પ્રોજેક્ટસ મંજૂર કરવામાં આવ્યા હતા અને તે અમલીકરણ હેઠળ છે તેમજ વર્ષ 2019-20ના ગાળા દરમિયાન પૂરા થવાની ધારણા રખાય છે. આ સામે વર્ષ 2005- 2014ના ગાળા દરમિયાન 3,118 પ્રોજેક્ટસમાંથી 39 ટકા મંજૂર કરવામાં આવ્યા હતા.

સ્થિતિ એવી બહેતર થઈ છે કે હાલમાં વિદેશી રોકાણકારો સ્માર્ટ સીટીઝમાં રોકાણ કરવા તરફ નજર માંડી રહ્યા છે. અમેરિકા અને ફ્રાન્સ બંનેની ડેવલપમેન્ટ એજન્સીઓએ ત્રણ-ત્રણ સ્માર્ટ સીટીઝ દત્તક લેવાના કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે. જાપાને પણ સ્માર્ટ સીટીના નિર્માણમાં રસ દર્શાવ્યો છે, જ્યારે ચીનની કંપનીઓ પણ મેગા ઈન્ડસ્ટ્રિયલ ટાઉનશીપ વિકસાવવા રસ દાખવી રહી છે.

શહેરી ક્ષેત્રે સુધારાના એજન્ડાના ભાગ રૂપે સરકારનું '2022 સુધીમાં સૌના માટે આવાસ' નું મિશન નોંધપાત્ર સ્થાન ધરાવે છે. આ મિશનમાં નવા ઓછી કિંમતના 3 કરોડ પોસાય તેવા આવાસો (1 કરોડ ગ્રામ આવાસો સહિત) બાંધવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. ગુજરાતમાં તો આ સ્કીમ છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહી છે અને સરકારે અઢી લાખ આવાસોનું નિર્માણ કરી દીધું છે. હવે આ બેઝ પરથી ભારતભરમાં મોદીની ઘરના ઘરની સ્કીમ લોકપ્રિય બની રહી છે.

 

 

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.

Loading...