વિધાનસભા ચૂંટણી પહેલા જિગ્નેશ મેવાણી શું કરશે? કેમ હાર્દિક-અલ્પેશનો સાથ માગે છે

PC: jagran.com

વિધાનસભાની 2022ની સામાન્ય ચૂંટણી પહેલાં ગુજરાતમાં ફરી એકવાર નવા આંદોલનના ભણકારા વાગી રહ્યાં છે. આ આંદોલનનું નેતૃત્વ ફરી પાછું દલિત નેતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને કોંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટ હાર્દિક પટેલ લઇ રહ્યાં હોવાના સંકેત મળી રહ્યાં છે.

જિગ્નેશ મેવાણીએ તો ત્યાં સુધી કહ્યું છે કે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા ઠાકોર સેનાના અગ્રણી અલ્પેશ ઠાકોર તેમની હાલની પાર્ટીમાં ખુશ નથી. જિગ્નેશ મેવાણી હાલ અપક્ષ ધારાસભ્ય છે અને તેઓ કહે છે કે તેઓ અને હાર્દિક પટેલ કોઇ મુદ્દે ગુજરાતમાં ફરીથી આંદોલન શરૂ કરવાના છે.

જિગ્નેશ કહે છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાનો મોટો મુદ્દો છે. એ ઉપરાંત કોરોના સંક્રમણના સમયમાં લાખો યુવાનો બેરોજગાર થયા છે. લોકો પાસે નોકરી નથી અને સરકાર નોકરી આપવા માટે પ્રયત્નશીલ નથી. ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નો છે. આ સાથે અનેક મુદ્દા ઉભા છે તેને આગળ કરીને ફરીથી આંદોલન કરવું પડે તેમ છે. 2017ની ચૂંટણીમાં જેવો માહોલ હતો તેવો માહોલ ફરીથી ઉભો કરવાનો સંકેત આપતાં જિગ્નેશ મેવાણી કહે છે કે અમે ફરીથી રાજ્યમાં આંદોલન કરીશું.

જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે બનાવેલા ત્રણ કૃષિ કાયદા રદ્દ કરવા જોઇએ. ગુજરાતના ખેડૂતો સુખી નથી. કૃષિ કાયદાના કારણે પંજાબમાં કોંગ્રેસને સ્થાનિક ચૂંટણીમાં 90 ટકા સફળતા મળી છે. ગુજરાતમાં પણ સ્થાનિક ચૂંટણીના પરિણામો ચોંકાવનારા આવી શકે તેમ છે. જો કે તેણે એ બાબત સ્વિકારી હતી કે ગુજરાતમાં વિપક્ષ સૌથી નબળો રહ્યો છે. રાજ્યમાં કોંગ્રેસે મજબૂત સ્થિતિ ઉભી કરવાની આવશ્યકતા છે.

ઉલ્લેખનીય છે કે પાટીદાર આંદોલન વખતે જ આ 3 નેતાઓ આગળ આવ્યા હતા. ત્યારપછી થયેલી ચૂંટણીમાં તેમની અસર હતી. જોકે, તેમની અસર તેમના વિસ્તાર પૂરતી જ સીમિત રહી હતી. હાર્દિકની અસર આખા રાજ્યમાં પડી હતી. હવે તે આંદોલન નથી. જો તેમણે જીતવું હોય તો કોઇ કારણ ઊભું કરવું પડે તેમ છે. એટલે તેઓ કોઇ પણ મુદ્દાને ઉપાડીને આંદોલન કરે તો નવાઇ નહીં. કારણ કે આ નેતાઓ આંદોલનની જ દેન છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp