રસપ્રદઃ ગુજરાતમાં કયા વિસ્તારોમાં ભાજપ-કોંગ્રેસમાં ભાઇ-ભાઇ જેવો વ્યવહાર હોય છે

PC: nenow.in

ગુજરાતના રાજકારણમાં એવું જોવામાં આવ્યું છે કે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં પાર્ટી વોર હોય છે પરંતુ જિલ્લા, તાલુકા કે ગ્રામ પંચાયતના ઇલેક્શનમાં પાર્ટી નહીં વ્યક્તિને મહત્વ મળે છે. આ વખતે પણ 2021ની ચૂંટણીમાં બન્ને પાર્ટીના ઉમેદવારો વચ્ચે ભાઇ-ભાઇ જેવું જોવા મળી રહ્યું છે.

ગઇ ચૂંટણી પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પદાધિકારીઓની વરણી કરવામાં ભાઇ-ભાઇનો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જેમણે પણ પ્રમુખપદ મેળવ્યા હતા તેઓએ ક્યાં તો કોંગ્રેસના સભ્યોને ટેકો લીધો છે અથવા તો ભાજપનો ટેકો મેળવ્યો છે. 2021માં પણ એવું થવાની સંભાવના એટલા માટે વધારે છે કે ચૂંટણી પહેલાં બન્ને ઉમેદવારો વચ્ચે ગાઢ સબંધ છે.

ગુજરાતના પાટનગર ગાંધીનગરથી શરૂ થયેલો આ ટ્રેન્ડ આખા ગુજરાતમાં પ્રસરી ચૂક્યો છે. ગાંધીનગરમાં જિલ્લા પંચાયતમાં બહુમતિ કોંગ્રેસની હોવા છતાં ભાજપના પ્રમુખ જોવા મળ્યા હતા. તાલુકા પંચાયતમાં ભાજપના બહુમતિ સભ્યો છતાં કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં તો છેલ્લી બે ટર્મથી કોંગ્રેસની બોડીમાં મેયર ભાજપના રહ્યાં છે.

ગાંધીનગર નાગરિક કોઓપરેટીવ બેન્કમાં પણ આવી હાલત છે. ભાજપ અને કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા સભ્યો જ્યારે બેન્કની બોડીમાં નિયુક્ત થાય છે ત્યારે ભાઇ-ભાઇની સ્થિતિ જોવા મળે છે. બેન્કના બોર્ડમાં ભાજપ અને કોંગ્રેસની બરોબરની ભાગીદારી જોવા મળે છે. હવે આવું રાજ્યના જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતોની નવી બોડીમાં જોવા મળી રહ્યું છે.

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મનમેળ હોય તે બાબત સ્થાનિક રાજકારણમાં નવાઇ પમાડે તેવી નથી. ઝઘડા માત્ર વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં થાય છે. સ્થાનિક કક્ષાએ તો રાજકીય નેતાઓ આવ ભાઇ હરખા, આપણે બેઉ સરખાં...ની નિતી પ્રમાણે રાજકારણ ચાલે છે.

આમ પણ ઘણીવાર રાજકીય વિશ્લેષકો કહે છે કે હવે ભાજપનું કોંગ્રેસીકરણ થઇ રહ્યું છે અને કોંગ્રેસ હિન્દુવાદ તરફ જઇ રહી છે. એટલે બન્ને એક રીતે એકબીજાની નજીક આવી રહ્યા છે. આ વાત વિચારધારાની છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp