26th January selfie contest

લોકસભાની ચૂંટણીમાં હાર્દિક સામે ભાજપમાંથી કોણ લેશે ટક્કર?

PC: facebook.com/HardikPatel.Official

લોકસભાની ચૂંટણીમાં અમરેલી બેઠક પરથી હાર્દિક પટેલ આવવાના હોવાથી અહીં રાજકીય પક્ષો ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર કોણ હશે, કોણ વિજેતા થઈ શકશે તેને લઈને આમ જનતા અને રાજકીય કાર્યકરોમાં ચર્ચાઓ થતી જોવા મળે છે. કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણી કે હાર્દિક પટેલ જેવા યુવા ઉમેદવાર આવી શકે તેમ હોય ભાજપ માટે કપરા ચઢાણ છે. અહીં હાર્દિકની સામે ટક્કર લઈ શકે તેવા ભાજપના ઉમેદવારની શોધ શરૂ થઈ છે.

કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણી કે હાર્દિક પટેલ ચૂંટણી જંગમાં ઉતરી શકે તેમ છે. ત્‍યારે ભાજપના ઉમેદવારની ચર્ચાઓ શરૂ થઈ છે. ભાજપના હાલના સાંસદ 10 વર્ષથી છે અને હવે લોકોપ્રિય નથી. તેથી નવા ઉમેદવાર શોધવાનું શરૂ કર્યું છે.

તેમાં દિલીપ સંઘાણીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું હતું. તેઓ દરેક વર્ગ સાથે વર્ષોથી જોડાયેલા છે. જિલ્‍લાના આમ આદમીને સરળતાથી મળી શકે છે. એટલે તેની પસંદગી થઈ શકે તેમ હતી પણ અહીં હાર્દિક આવી શકે તેમ હોવાથી તેમણે ચૂંટણી લડવાની ના પાડી છે. ત્યારે હવે નવા ચહેરા શોધવામાં આવી રહ્યા છે.

બાબરાના ચમારડીના વતની ગોપાલભાઈ વસ્‍તરપરા ભાજપની પસંદગી થઈ શકે તેમ છે. તેમજ સાવરકુંડલાના ભાજપ અગ્રણી ઘનશ્‍યામ ડોબરીયા દરેક સમાજમાં પ્રિય છે. સરળ સ્વભાવ, પરોપકારની ભાવના ધરાવતા હોવાથી તેઓ અંગે પણ હાઈકમાન્‍ડ ચર્ચા કરી શકે છે. સાવરકુંડલાના પીઠવડીના વતની દકુભાઈ બાલધા પણ દરેક સમાજ અને દરેક વર્ગને સાથે લઈને ચાલી શકે છે. તેઓ ગરીબો, ખેડૂતો, યુવાનો માટે કામ કરતા હોય તેઓને પણ ભાજપની ટિકિટ મળી શકે તેમ હોવાનું સૌ કોઈ માની રહ્યું છે. આમ હવે ભાજપને પોતાના ઉમેદવાર બદલીને નવા ઉમેદવાર શોધવાની ફરજ પડી છે.

હાલના ભાજપના સાંસદ કાછડીયા કેમ નહીં?

પુત્રએ ધમકી આપી છતા પગલા ન લેવાયા

BJPના અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાના પુત્ર પિયુષની ધમકી આપતી ઓડિયો ક્લિપ વાયરલ થઇ અને કોન્ટ્રાક્ટરના ટાંટિયા ભાંગી નાખવા વાતચીત કરીને ધમકી આપી હતી તે પ્રકરણમાં કંઈ જ થયું નથી.

અમરેલી જિલ્લાના પીપાવાવ નજીક ચારેક મહિના પહેલા નેશનલ હાઈવેના કામના એક કોન્ટ્રાકટરને ત્યાં ત્રણ શખ્સોએ હુમલો કરી તોડફોડ કર્યાના કેસમા પોલીસે મુખ્ય સુત્રધારને પકડી લીધો હતો. તેની પાસેથી ઓડિયો ક્લિપ કબજે કરી હતી. જેમાં કથિત રીતે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાના પુત્ર પિયુષ સાથેની વાતચીત હોવાનું કહેવાય છે. જો કે પોલીસે હજુ સુધી રેકર્ડ પર ક્યાંય સાંસદના પુત્રનું નામ લીધું નથી, પરંતુ જો ઓડિયો ક્લિપને સાચી માનવામા આવે તો સાંસદના પુત્ર પિયુષે કમલેશ નામના કોન્ટ્રાક્ટરના ટાંટીયા ભાંગી નાખવા અને તોડફોડ કરવા કામ આપ્યાનું સ્પષ્ટ થાય છે. સાંસદનો પુત્ર હોવાના કારણે કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરાશે નહીં ઉલ્ટાનું આ કેસ રફેદફે કરી દેવામાં આવે એવી શક્યતાઓ ચોક્કસ રહેલી છે. આટઆટલો વિરોધ થઈ રહ્યો હોવા છતા પ્રદેશ ભાજપની નેતાગીરી દ્વારા આ મામલે મગનું નામ મરી પાડવામાં આવ્યું નથી.

સાંસદે આભાર માન્યો અને બધી બેઠકો ગઈ

11 ડિસેમ્બર 2017ના દિવસે વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂરું થયું અને અમરેલીના સાંસદ કાછડીયાએ અમરેલી સંસદીય મત વિસ્‍તારની સાતેય વિધાનસભાની બેઠકો ઉપર મતદારોનો આભાર માન્યો હતો. તેમણે જાહેર કર્યું હતું કે, અમરેલી સંસદીય મત વિસ્‍તારની અમરેલી કુંકાવાવ, ધારી બગસરા ખાંભા, સાવરકુંડલા લીલીયા, લાઠી બાબરા, રાજુલા જાફરાબાદ, મહુવા અને ગારીયાધાર જેસર એમ સાતેય વિધાનસભા સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભવ્‍ય વિજય થશે પણ ભાજપ અમરેલીની તમામ બેઠક હારી ગયું હતું ત્યારે લોકો કહેતા હતા તે અમરેલી ભાજપ મુક્ત થઈ ગયું છે, હવે કાછડિયાને ભાજપ મુક્ત કરો.

રોષ જોઈ તુરંત વીમો આપવા કહ્યું

અમરેલી જિલ્‍લામાં ઓછા વરસાદને પાકો નિષ્‍ફળ ગયા છે. તેથી અમરેલી જિલ્‍લાને અસરગ્રસ્‍ત જાહેર કરવાની માગણી નારણ કાછડીયાએ મુખ્‍યમંત્રી વિજય રૂપાણી, કેન્‍દ્રીય કૃષિ મંત્રી પરશોત્તમ રૂપાલાને કરી હતી. તેમ છતા હજુ સુધી તમામ વિસ્તારોની જાહેરાત કરવામાં આવી નથી. તેથી લોકો એવું કહી રહ્યા છે કે, સાંસદનું જો કંઈ ઉપજતું ન હોય તો પછી ખેડૂતો શું વિસાતમાં. કપાસ અને મગફળીનો પાક 90% નિષ્‍ફળ ગયો હતો. 10 ટકા ખેડૂતોને પાક થયો તેના ભાવ નથી અને 50 ટકા ઉત્પાદન થયું છે. ઘાસ નથી. દુષ્કાળ જાહેર કરવા ખેડૂતો સાંસદ પર દબાણ વધારી રહ્યા હતા પણ તેઓ કૃષિ રાજ્ય પ્રધાન પરસોત્તમ રૂપાલા પર પણ કોઈ દબાણ લાવી શક્યા ન હતા.

ઓડિયો નડે છે

ખેડૂતના દેવા માફી અને અલ્પેશ કથીરિયાની મુક્તિ, અનામત મુદ્દે અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયા અને નરેશ વિરાણી (ખેડૂત સમાજ)ની વાતચીતનો ઓડિયો સમગ્ર અમરેલીમાં વાયરલ થયો હતો. જ્યારે સાંસદ ગામમાં આવવાના હોય ત્યારે લોકો તે ઓડિયો સાંભળે છે, જેમાં નારણ કાછડીયાએ જવાબ આપ્યો હતો કે, હાર્દિક પટેલ અને અનામત માટે તમે મહેનત કરો એમાં અમારે કંઈ કરવાનું નથી. ખેડૂતોના દેવા માફી, અનામતના મુદ્દે અને અલ્પેશ કથીરિયાની મુક્તિ માટે તમે શું કરવા માગો છો. આટલું બોલતા જ નારણભાઈ બોલી ઉઠ્યા હતા કે, તમે મહેનત કરો અમારે કંઈ નથી કરવાનું.

દેશ દ્રોહી પ્રવૃત્તિ, પછી મૌન બની ગયા

અમરેલીના પીપાવાવ બંદર અને કસ્ટમ અને જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા મીલીભગતથી આંતરરાષ્ટ્રીય દેશદ્રોહી પ્રવૃત્તિ થાય છે, પારાવાર ગેરરીતિ થાય છે, એવો આરોપ સાંસદે મૂક્યો હતો. ભાજપની કેન્દ્ર સરકારના DRI દ્વારા દરોડો પાડ્યા બાદ તેમાં બહુ મોટી લેવડદેવડ થઈ હોવાનો તેમણે આરોપ મૂક્યો હતો. પીપાવાવ બંદરમાં કરોડો નહીં અબજો રૂપિયાના માલસામાનની આંતરરાષ્ટ્રીય હેરાફેરી થાય છે. કસ્ટમ વિભાગમાં બીજા કોઈને એન્ટ્રી નથી. પ્રેસ મીડિયાને પણ નહીં. આને કારણે દેશની સુરક્ષા માટે મોટો ગંભીર ખતરો ઉભો થયો છે. થોડા સમય પહેલા ત્રણ ચાઈનીઝ માણસો પકડાયેલ હતા. દેશના ખતરાની ઘંટી વાગી હતી પણ આ માલખાઉ ઓફિસર દલાલો ભારત દેશને વેચી નાખશે. જો તેની ઉપર કાર્યવાહી નહીં કરવામાં આવે તો અને આ ચાઈનાની 4 વ્યક્તિ કોણ હતી અને તે કોના દ્વારા પીપાવાવ બંદર સુધી આવી હતી, તેનો જવાબ માંગ્યો હતો. પણ આજ સુધી સાંસદે તે જાહેર કર્યો નથી. પીપાવાવ બંદર ગૌચરની જમીનમાં દબાણ કરી ભાડાની મોટી રકમ પણ વસૂલ કરે છે, એવો આક્ષેપ પણ કર્યો હતો.

ઊભી પૂંછડીયે કાછડીયા ભાગ્યા

અમરેલીના ધારી તાલુકાના દેવળા ગામે ઉજ્જવલા યોજનાની ગેસકીટના વિતરણ કાર્યક્રમને સાંસદ કાછડીયાએ પોતાની વાહવાહ ભાષણમાં શરૂ કરતા ગરીબ મહિલાઓએ ઉગ્ર વિરોધ ચાલુ કર્યો હતો. મહિલાઓએ ખેતીના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાનું કહી હોબાળો મચાવતા સાંસદ તથા ભાજપના આગેવાનોએ કાર્યક્રમ અધવચ્ચે જ છોડી ઊભી પૂંછડીએ જતા રહેવું પડ્યું હતું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે આજે ગામના લોકો જુએ છે અને મોજમસ્તી કરે છે. પોલીસે શાંત પાડવાની કોશિશ કરી પણ લોકો શાંત થયા ન હતા. કાછડીયાએ એવું જુઠાણું ફેલાવ્યું હતું કે આવો કોઈ બનાવ બન્યો નથી પણ વીડિયો તો તેમના જૂઠનો પર્દાફાશ કરે છે.

રેલવે લાઈન લાવ્યા, કામ થયું નહીં

અમરેલી જિલ્લામાં બ્રોડગેજ રેલવે લાઈન માટે રૂ. 1980 કરોડ મંજૂર કરાવી લાવ્યા છે. જેનાથી પાંચ રેલવે લાઈન બ્રોડગેજમાં પરિવર્તિત થશે પણ તે કામ આજ સુધી શરૂ થયું નથી અને જો ચૂંટણી પહેલા શરૂ નહીં થાય તો સાંસદ બહાર નીકળી નહીં શકે એવો માહોલ છે. વચન આપો છો તો તે પૂરું કરો એવું લોકો સ્પષ્ટ પણે કહી રહ્યા છે. તેઓ ફ્રી રોગ નિદાન કેમ્પમાં નિયમિત હાજર રહે છે પણ અમરેલીને સારી હોસ્પિટલ મળે તે માટે કોઈ પ્રયાસ કરતા નથી. અમરેલી એક ગામડું બની ગયું છે. હીરા ઉદ્યોગની મંદી પરેશાન કરે છે. GSTની આંટીઘૂંટીના કારણે વેપારીઓ હેરાન થઈ રહ્યા છે.

સાંસદ નારણભાઈ કાછડીયાને ફોન કર્યો હતો. જેથી તેઓ પણ સિવિલ હોસ્પિટલે દોડી આવ્યા હતા જ્યાં નારણ કાછડિયા અને ડૉક્ટર વચ્ચે બોલાચાલી થઈ હતી. કાછડિયા સાથે આવેલા શખ્સોએ ડૉક્ટરને માર મારતા હોસ્પિટલનો સ્ટાફ હડતાળ પર ઊતરી ગયો હતો. ડૉક્ટરે કાછડિયા સહિત 15 જણા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. નીચલી અદાલતે નારણ કાછડીયાને ત્રણ વર્ષની સજા ફટકારી હતી.

સાવરકુંડલાના અમૃતવેલ ગામે જિલ્લા પંચાયતના ઉમેદવાર અને હાલના જિલ્લા પંચાયતના સદસ્ય કમલેશ કાનાણી, અમરેલી જિલ્લાના ભાજપના સાંસદ નારણ કાછડિયા ગૃપ મીટિંગ માટે ગયા હતા. પરંતુ અચાનક મોટી સંખ્યામાં પાટીદારો એકઠા થતા સાંસદ તો નીકળી ગયા હતા. પરંતુ કમલેશ કાનાણીને લગભગ એક કલાક સુધી લોકોએ ગોંધી રાખ્યો હતો.

બાવકું ઉંઘાડ કેમ નહીં

અમરેલી લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે બાવકુ ઉંઘાડનું નામ આવતા વિરોધ થયો હતો. પક્ષ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી ઉંઘાડનું નામ આગળ ધરી રહ્યા હતા પણ અમરેલીના સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો હતો. ઉંઘાડને છેલ્‍લા 21 વર્ષથી ભાજપના નેતા દિલીપ સંઘાણી સાથે તીવ્ર વાંધાઓ ચાલી રહ્યા છે. યોગ્ય ઉમેદવાર મળતા નથી. ઉંઘાડ પણ વિધાનસભાની ચૂંટણી હારી ગયા છે.

તેઓ ભારતીય જનતા પક્ષમાં બાબરાના ધારાસભ્ય હતા, ત્યારે સસ્પેન્ડ થયા હતા કારણ કે ભાજપ સરકારને હરાવવા માટે તેમણે જાહેરમાં આહવાન કર્યું હતું. ભાજપ સામે વિરોધી પ્રવૃત્તિ કરવામાં તેમની સાથે સસ્‍પેન્ડ કરવામાં આવેલા પાંચ ધારાસભ્યોમાં ગોરધન ઝડફિયા, બાલૂ તંતી, બેચર ભાદાણી અને ધીરૂ ગજેરા પણ હતા. જેઓ તે સમયના મુખ્ય પ્રધાન સામે ગુજરાતમાં ભારે વિરોધ કરતા હતા. ભાજપની સરકાને ઉખાડી ફેંકવાનું આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય પેટ્રોલિયમ રાજ્ય મંત્રી દિનશા પટેલ પણ હાજર હતા.

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉંઘાડ અમરેલીમાં પરેશ ધાનાણી સામે ભાજપના ઉમેદવાર હતા. ભાજપમાં વારંવાર પક્ષાંતર કરતા હોવાથી પક્ષ દ્વારા તેમને હારવા માટે જ ધાનાણી સામે ઊભા રાખવામાં આવ્યા હતા. જેમાં તેમની રાજકીય કારકિર્દી ખતમ થઈ ગઈ છે. તેથી તેઓ પોતે જ પોતાનું નામ આગળ ધરીને ચર્ચામાં રહેવા માગે છે, એવું ભાજપના કાર્યકરો કહી રહ્યા છે. ધાનાણીએ ભૂતકાળમાં રૂપાલા અને સંઘાણીને હરાવ્યા હતા. તેમાં ઉંઘાડને પણ કારમો પરાજય આપ્યો હતો. પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ જીતી ત્યારે પણ ઉંઘાડ કંઈ ઉકાળી શક્યા ન હતા. ખેડૂતો નારાજ છે ત્યારે તેમની સાથે તેઓ ક્યારેય ઊભા રહ્યા નથી.

બાવકુ ઉંઘાડ વિધાનસભાની બેઠક વારંવાર બદલતા રહ્યા છે. તેઓ વારંવાર પક્ષાંતર પણ કરતા રહ્યા છે. બાબરા અને લાઠીની બેઠક પરથી બાવકુ ઉંઘાડ ચૂંટાયા હતા. પછી અમરેલી શહેરમાં ત્રીજી વખત તેમણે બેઠક બદલી હતી. પક્ષ પણ ચાર વખત બદલેલા છે. કોંગ્રેસમાં તેઓ ગયા ત્યારે તેમની સાથે ભાજપના 14 ધારાસભ્યો પણ ગયા હતા. 27 જાન્યુઆરી 2014મા તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં ફરી એક વખત ગુલાંટ મારી હતી. કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને કોંગ્રેસને દગો દીધો હતો અને ભાજપમાં ફરી એક વખત જોડાયા હતા.

2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ નર્વસ નાઈન્ટીનો ભોગ બન્યો હતો અને 99 બેઠકો જ મેળવી હતી. સૌરાષ્ટ્રમાં પાટીદાર આંદોલન અને ખેડૂતના આક્રોશને ઓછો કરવામાં બાવકુ ઉંઘાડ નિષ્ફળ રહ્યા હતા. સૌરાષ્ટ્રની 48 બેઠકોમાંથી કોંગ્રેસને 28 અને ભાજપે 19 બેઠકો મળી હતી. 2012મા સૌરાષ્ટ્રમાં ભાજપને 30 અને કોંગ્રેસને 15 બેઠક મળી હતી. અમરેલી, મોરબી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભાજપનો લગભગ સફાયો થયો છે. સૌરાષ્ટ્રના લોકો રાજકીય રીતે જાગૃત છે અને પ્રજાની સાથે રહેનાર લોકોને જ સાથ આપે છે. પાટીદાર અનામત આંદોલનની સૌથી વધુ અસર અમરેલીમાં હતી છતા બાવકુ ઉંઘાડ પક્ષને બચાવી શક્યા ન હતા.

નલીન કોટડીયા પણ નહીં

ભાજપના ધારાસભ્ય નલીન કોટડીયાએ અહેમદ પટેલની સામે મતદાન કરવા માટે ભાજપના નેતાઓ પાસેથી રૂ. 16 કરોડ લીધા હતા. ત્યાર બાદ તેઓ બીટકોઈન કૌભાંડમાં જેલમાં છે. ધારી ભાજપના ધારાસભ્ય નલીન કોટડીયાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. જાહેર સભામાં નલીન કોટડીયાએ સિંહોને મારી નાંખવાની વાત કરવાના મામલે ભાજપના કેટલાક આગેવાનો દ્વારા પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાવરકુંડલાના ધારાસભ્ય વી.વી.વઘાસિયા અને અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા તેમજ સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ ડી.કે.પટેલ દ્વ્રારા નલીન કોટડીયાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાએ જણાવ્યું હતું કે, નલીન કોટડીયા માનસિક અસ્થિર છે. નલીન કોટડીયા ભાજપમાં હતો નહીં અને રહેશે પણ નહીં, નલીન કોટડીયા વિકૃત મગજના માણસ છે. કોઈ સારા ડૉક્ટર પાસે તેમની સારવાર કરાવવાની જરૂર છે. તે જાહેર સભામાં જે રીતે બફાટ કરી રહ્યા છે તેના વિરોધમાં આજે પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

પરસોત્તમ રૂપાલા આઉટ

આમ ટિકિટ ન આપવાની ભાજપ પાસે લાંબી યાદી છે. પરસોત્તમ રૂપાલાને અહીંથી ભાજપના જ નેતાઓ હરાવતા હોવાથી તેમને ટિકિટ આપવામાં નહીં આવે. વળી તેઓ દેશના કૃષિ રાજ્ય પ્રધાન હોવા છતા અમરેલીમાં કે ગુજરાતમાં ખેડૂતોને રાહત અપાવી શક્યા નથી. વળી 2200 કરોડના મગફળી કૌભાંડમાં પણ સજા કરાવવામાં તેઓ કૃષિ પ્રધાન તરીકે નિષ્ફળ રહ્યા છે. આમ તેઓ પણ લાયક ઉમેદવાર નથી.

ભાજપના પૂર્વ પ્રમુખ પરસોત્તમ રૂપાલા ચૂંટણીઓ જીતી શકતા ન હોવાના કારણે તેઓ લોકસભા કે વિધાનસભામાં ઊભા રહી શકતા નથી. તેથી તેમને રાજ્યસભામાં પસંદ કરીને હાલ કેન્દ્રીય કૃષિમંત્રી બનાવવામાં આવ્યા છે. ભાજપના તે સક્ષમ નેતા છે. તેથી તેમને ચૂંટણીઓથી દૂર રાખવામાં આવી રહ્યા હોવાનું માનવામાં આવે છે. રૂપાલા સામે જાહેરમાં આર્થિક ગોટાળાના આક્ષેપો થયા નથી જે રીતે દિલીપ સંઘાણી સામે થયા છે. આવું જ પરેશ ધાનાણીનું છે તેમની સામે હજુ કોઈ ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા નથી. ગુજરાતમાં અમરેલી, રાજકોટ, પોરબંદર, આણંદ જેવા જિલ્લાની મહત્ત્વની બેઠકો પર લોકોની સતત નજર રહે છે. 2002થી પરેશ ધાનાણી રાજકારણમાં આવ્યા ત્યારથી અમરેલી જિલ્લો ભાજપે ગુમાવી દીધો છે. તેથી તેમની સામે પરસોત્તમ રૂપાલાના ઉપયોગ પણ ભાજપ કરી શક્યો નથી. દિલીપ સંઘાણી પણ હારતા આવ્યા છે. આ તમામ નેતાઓને પરેશ ધાનાણીએ ચૂંટણી યુદ્ધમાં હરાવ્યા છે. છેલ્લે ભાજપે બાવકુ ઉંઘાડને લાઠી પરથી આયાત કરીને પરેશ ધાનાણી સામે ઊભા રાખ્યા તો તેઓ પણ ધૂળ ચાટતા થઈ ગયા છે. હવે અમરેલીમાં દિલીપ સંઘાણી કે બાવકુ ઉંઘાડને લોકસભાની ટિકિટ આપવામાં આવે તેવી અટકળ શરૂ થઈ છે. બાબરા અને લાઠી બાદ ઉંઘાડે સતત ત્રીજી વખત વિધાનસભાની બેઠક બદલી છતા હારી ગયા હતા. ઉંઘાડે પોતાના પક્ષ પણ ચાર વખત બદલેલા છે. કોંગ્રેસમાં તેઓ ગયા ત્યારે તેમની સાથે ભાજપના 14 ધારાસભ્યો પણ ગયા હતા. બધાને કોંગ્રેસમાંથી ટિકિટ આપી હતી, જેમાં એક બાવકુ ઉંઘાડ જીત્યા હતા અને 13 હાર્યા હતા. તેની સામે પરેશ ધાનાણીએ 2002મા ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ પરસોત્તમ રૂપાલાને અમરેલી બેઠક પરથી હરાવીને રાજકારણમાં આવ્યા હતા.

વિવાદો

2002થી અમરેલીમાં કોંગ્રેસ દ્વારા સબળ નેતૃત્વ પૂરું પાડતા ભાજપને મોટા નેતાઓએ પણ હાર ખમવી પડી હતી. અમરેલી જિલ્લાની તમામ વિધાનસભા બેઠક અને તમામ તાલુકા પંચાયતો કોંગ્રેસે કબજે કરીને ભાજપ સામે મોટો પડકાર ઊભો કરી બતાવ્યો છે. છેલ્લા 15 વર્ષથી અમરેલીમાં ભાજપનું ગાડું સીધું ચાલતું ન હતું. ભાજપ પોતાની લડાઈમાં બધુ ગુમાવી રહ્યો હતો. ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય કૃષિ પ્રધાન પરસોત્તમ રૂપાલા અને પૂર્વ કૃષિ પ્રધાન દિલીપ સંઘાણી વચ્ચે સમાધાન થયા બાદ હવે ભાજપના દિલીપ સંઘાણી અને પૂર્વ પ્રધાન બાવકું ઉંઘાડ વચ્ચે પણ 2 ઓગસ્ટ, 2018મા સમાધાન થયું છે અને દિલીપ સંઘાણી બાવકુ ઉંઘાડને ત્યાં રોટલો ખાવા માટે ગયા હતા. આમ અમરેલીમાં ભાજપના વિવાદો ઊભા થયા હતા તેમાં આ ત્રણ નેતાઓ વચ્ચે સમાધાન કરવા પડ્યા છે. કારણ કે અમરેલી જિલ્લો ભાજપના હાથમાંથી ગયો છે. બાવકુ ઉંઘાડ અને દિલીપ સંઘાણી 2017ની વિધાનસભાની ચૂંટણી હારી ગયા બાદ બંને નજીક આવી રહ્યા છે. બંને નેતાઓ એક ટેબલ પર બેસીને ભોજન પણ લીધું હતું. જેમાં પૂર્વ ધારાસભ્ય બાલુ તંતી અને કાંતી સતાશીયા પણ હાજર હતા.

અમરેલીમાં તમામ 11 તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા

19 જૂન, 2018મા અમરેલી જિલ્લામાં તમામ 11 તાલુકા પંચાયતોમાં કોંગ્રેસનો વિજય થયો હતો. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના વિસ્તારમાં ભાજપે ગ્રામ્ય વિસ્તારો સાવ ગુમાવી દીધા હોવાનું તેના પરથી જોઈ શકાય છે. ધાનાણી તથા અમરીશ ડેર સહિતના નેતાઓએ ભાજપ શાસિત રાજુલા અને જાફરાબાદ તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે લાવી આપી હતી. અમરેલી જિલ્લા પંચાયત પણ કોંગ્રેસ પાસે રહી હતી. અમરેલી, બગસરા અને સાવરકુંડલા નગરપાલિકામાં કોંગ્રેસના નગરસેવકોએ પક્ષપલટો કરતા કોંગ્રેસે સત્તા ગુમાવી હતી. અમરેલી તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસની બળવાખોરી હતી. પાટીદારોના ગઢ ગણાતા અમરેલી જિલ્લાની તમામ 11 તાલુકા પંચાયત પર કોંગ્રેસ આવી છે. જે અગાઉ 9 તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે હતી, જેમાં 2 તાલુકા પંચાયત પર ભાજપ હતો. જે કોંગ્રેસે આંચકી લીધી હતી. જાફરાબાદ અને રાજુલા તાલુકા પંચાયત BJP પાસે હતી, પરંતુ પરેશ ધાનાણી અને કોંગ્રેસના કાર્યકરોએ મહેનત કરીને આ બે બેઠકો પણ BJP પાસેથી આંચકી લીધી હતી. જ્યાં પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીનો ડંકો વાગતો રહ્યો હતો.

વિધાનસભાની એક પણ બેઠક ભાજપને ન મળી

વડીયા કુકાવાવ બેઠક પરથી ભાજપના ઉમેદવાર બાવકુ ઉંઘાડની હાર થઈ હતી. તેની સામે કોંગ્રેસના યુવા ધારાસભ્ય પરેશ ધાનાણીની જીત થઈ હતી. ધારી-બગસરા-ખાંભા બેઠક પરના ભાજપના ઉમેદવાર દિલીપ સંઘાણી કોંગ્રેસના ઉમેદવાર જે.વી.કાકડીયા સામે 15,000 મતોથી ખરાબ રીતે હાર્યા હતા.

રાજુલા-જાફરાબાદ બેઠકના ભાજપના ઉમેદવાર હિરા સોલંકી કે જે ત્રણ ચૂંટણીઓમાં જીતતા આવતા હતા, તેમને કોંગ્રેસના ઉમેદવાર અને યુવા આગેવાન અંબરીશ ડેર સામે હાર ખમવી પડી હતી. લાઠી-બાબરા-દામનગર બેઠકના ભાજપના ઉમેદવાર ગોપાલ વસ્તરપુરા પણ હારી ગયા હતા. કોંગ્રેસના પીઢ નેતા વિરજી ઠુમ્મર જીતી ગયા હતા. સાવરકુંડલા-લીલીયા બેઠક પર ભાજપના ઉમેદવાર કમલેશ કાનાણી હારી ગયા હતા. કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દૂધાત જીતી ગયા હતા. આમ સમગ્ર અમરેલી જિલ્લાની તમામ બેઠકો ભાજપ હારી ગઈ હતી. તેથી તેમણે આત્મમંથન કરીને લોકસભાની ચૂંટણી જીતવા માટે કામ શરૂ કરી દીધું છે.

ધાનાણીની ફજેતી

કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી 14 જૂન 2018મા સાવરકુંડલા નગરપાલિકામાં મળી હતી પણ કોંગ્રેસની આંતરિક જૂથબંધીના કારણે મધ્યસત્ર પ્રમુખની ચૂંટણી સમયે ભાજપે પક્ષાંતર કરાવીને, લોભ લાલચ આપીને કોંગ્રેસમાં બળવો કરાવ્યો હતો. જે લોકોએ આપેલા આદેશ વિરુદ્ધ હતો. કોંગ્રેસના 4 સભ્યોએ બળવો કર્યો હતો અને ભાજપમાં જતા રહ્યા હતા. તેથી ભાજપની સત્તા આવી હતી. આમ કોંગ્રેસના સબળ નેતા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની ફજેતી થઈ હતી. આ ઉપરાંત અમરેલી જિલ્લાની બગસરા નગરપાલિકામાં પણ કોંગ્રેસે સત્તા ગુમાવી છે, પક્ષાંતર કરાવીને ભાજપે સત્તા ઝૂંટવી લીધી હતી.

કનુભાઈ કેમ ગયા કોંગ્રેસમાં

ભાજપના પૂર્વ ધારાસભ્ય ડૉ.કનુભાઈ કલસરિયા ભાવનગરના મહુવા વિસ્તારમાંથી અપક્ષ હતા ત્યારથી ચૂંટાતા રહ્યા છે. 2002થી ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે લોકોના કારણે નિરમા કંપની સામે આંદોલન કર્યું પછી 2012મા ભાજપ છોડી દીધો હતો. ત્યાર પછી તેઓ સદભાવના મંચ દ્વારા ચૂંટણી જીતી શક્યા નથી. આમ આદમી પક્ષમાં તેઓ હતા પણ તે પક્ષનું ગુજરાતમાં કોઈ અસ્તિત્વ રહ્યું ન હોવાથી તેઓ કોંગ્રેસમાં જોડાયા છે. કનુભાઈ હવે લોકસભાની ચૂંટણી અમરેલી કે ભાવનગરથી લડે તેવી શક્યતા છે. તેથી ભાજપ સક્રિય થઈ ગયો છે. 2007મા ઝડફીયા, 2012મા કેશુભાઈ અને 2014મા અલ્પેશ ઠાકોરનો ટેકો લઈને કોંગ્રેસ દ્વારા જે ભૂલો થઈ હતી તેવી કોઈ ભૂલ ફરી એક વખત કરે તેની ભાજપ રાહ જોઈ રહી છે.

હવે ભાજપ પોતાની રાજકીય તાકાત ઊભી કરવા અમરેલીમાં પ્રયાસો કરે છે, કોંગ્રેસ તેની તાકાત જાળવી રાખવા પ્રયાસ કરી રહી છે. આ જે કંઈ આજે થઈ રહ્યું છે તે લોકસભાની ચૂંટણી જીતવા માટે થઈ રહ્યું છે.

તેથી હવે ભાજપે કોઈ નવા ચહેરાને જ સ્થાન આપવું પડે તેમ છે. તો જ હાર્દિક પટેલ કે પરેશ ધાનાણી સામે ટક્કર લઈ શકાય તેમ છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp