પરેશ ધાનાણીને રાજકીય તમાચો મારનારા ફરી કોંગ્રેસમાં કેમ આવી રહ્યા છે?

PC: khabarchhe.com

અમરેલી નગરપાલીકાના કોંગ્રેસમાંથી હાંકી કઢાયેલા પ્રમુખ જયંતિઈ રાણવા અને કોંગ્રેસના આગેવાનો ગાંધીનગર ખાતે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીના નિવાસ સ્‍થાને મળવા ગયા હતા. હવે તેમને કોંગ્રેસમાં ફરી લેવા માટે હિલચાલ શરૂ થઈ છે. 14 જૂન 2018માં અમરેલી નગરપાલિકાના પ્રમુખ તરીકે જયંતિ રાણવા, ઉપપ્રમુખ તરીકે શકિલ સૈયદે બળવો કરીને અમરેલીના નેતા પરેશ ધાનાણીના ગાલ પર રાજકીય તમાચો માર્યો હતો. પરેશ ધાનણીએ અમરેલી નગરપાલિકા પ્રમુખ તરીકે બાલુબેન પરમાર અને ઉપપ્રમુખ પદે પોતાના ભાઈ સંદીપ ધાનાણીનું નામ નક્કી કરાયું હતું. તેથી અમરેલી નગરપાલિકામાં કોંગ્રેસમાં બળવો થયો હતો.

અમરેલી નગરપાલિકામાં લોકોએ કોંગ્રેસને સ્‍પષ્‍ટ બહુમતી આપી તેમને સત્તા આપી હતી. પણ ભાજપે અઢી વર્ષ પછી પ્રલોભન આપીને જનાદેશ વિરૃદ્ધ જઈને કોંગ્રેસના સભ્યોને પ્રોત્સાહન પૂરું પાડી પક્ષાંતર કરાવ્યું હતું. જેમાં કોંગ્રેસના જયંતિ રાણવા સહિતના 15 સભ્યો પક્ષનો મેન્ડેડ નહીં માનીને કાયદા વિરુદ્ધ ભાજપના સમર્થનથી સત્તા મેળવી હતી. પણ 20 સભ્યો કોંગ્રેસના આદેશને વળગી રહ્યા હતા. જેમણે બળવો કર્યો હતો તેમના સભ્ય પદ રદ કરવા માટે કોંગ્રેસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. જે કાર્યવાહી રદ કરીને ફરીથી કોંગ્રેસમાં લાવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. જેનો કોંગ્રેસના સંનિષ્ઠ સભ્યો વિરોધ કરી રહ્યાં છે.

સાવરકુંડલામાં આવું જ થયું

કોંગ્રેસના 4 બળવાખોર સભ્યો ભાજપમાં ભળતા કોંગ્રેસના બળવાખોર વિપુલ ઉનાવા પ્રમુખ અને ઉપપ્રમુખ  ભાવેશ હિંગુએ સત્તા મેળવી હતી. ભાજપના 16 સભ્યો અને કોંગ્રેસના બળવાખોર 4 સભ્યો ભેગા થતાં કુલ 36 સભ્યો ધરાવતી સાવરકુંડલા નગરપાલિકામાં ભાજપ સત્તાએ આવી હતી. તાજેતરમાં સાવરકુંડલા નગરપાલિકાના કોંગ્રેસના બળવાખોર પ્રમુખને જસદણ ખાતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં પુનઃ કોંગ્રેસમાં લેવામાં આવ્યા હતા. તેથી એવી અટકળો થઈ રહી છે કે, અમરેલી નગરપાલિકામાં પણ આવું થઈ શકે છે. જોકે તેમ કરવાથી પક્ષમાં ગેરશિસ્ત વધી જશે એવું કર્મનિષ્ઠ નેતાઓ માની રહ્યાં છે.

બગસરામાં પણ એવું જ થયું

આ ઉપરાંત અમરેલી જિલ્લાની બગસરા નગરપાલિકામાં પણ કોંગ્રેસે સત્તા ગુમાવી હતી. ભાજપે સત્તા ઝુંટવી લઈને પ્રમુખ પદે ચંપા બઢિયા અને ઉપપ્રમુખ પદે નિલેશ ડોડીયાની વરણી કરી હતી.  ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના વિધાનસભા પક્ષના નેતા એટલે કે વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી જ્યાં સત્તા છે તે પણ બચાવી નથી શક્યા.

મારામારી

7 સપ્ટેમ્બર 2018માં અમરેલી નગરપાલિકામાં બળવાખોર કોંગ્રેસના સભ્યોએ કબજો લઈ લીધો હોવાથી વફાદાર કોંગ્રેસ અને બળવાખોર કોંગ્રેસના સભ્યો વચ્ચે બોર્ડની બેઠકમાં મારામારી થઈ હતી. નગરપાલિકાના પ્રમુખ જયંતી રાણવા અને મુખ્ય અધિકારી એલ.જી.હુંણ પર કોંગ્રેસના સભ્યોએ ખુરશીઓ વડે હુમલો કર્યો હતો. પાલિકાના પ્રમુખ પર વિપક્ષના નેતા પરેશ ધાનાણીના કુટુંબી ભાઈ સંદીપ ધાનાણી સહિતના કોંગ્રેસના સભ્યોએ હોબાળો કર્યા બાદ હુમલો કર્યો હતો.

જયંતી રાણવાને જ્ઞાતી વિરુદ્ધ ગાળો આપી ખુરશી વડે માર માર્યો હતો. વિપક્ષના નેતા પરેશ ધાનાણીના અમરેલી પાલિકામાં છૂટી ખુરશીઓ ફેંકીને મારા મારી કરતાં કોંગ્રેસી આબરૂના ધજાગરા થયા હતા.

પરેશ ધાનાણીના નાના ભાઈ શરદ ધાનાણી પોલીસ મથકે પાલિકા પ્રમુખને સમજાવવા પહોંચ્યા હતા. કોંગ્રેસનો આંતરકલહ પોલીસ સ્ટેશનમાં પણ સામે જોવા મળ્યો હતો. કોંગ્રેસને ઘણા વર્ષો બાદ નગરપાલિકામાં સત્તા મળી હતી. આંતરિક જુથબંધી અને ઝઘડાના કારણે નગરપાલિકા સતત વિવાદમાં રહે છે. પૂર્વ પ્રમુખ ડી. કે. પટેલને મૂંઢ માર માર્યો હતો. જનાદેશ મેળવવામાં ભાજપ નિષ્ફળ હોવાથી કોંગ્રેસની બહુમતીથી ચૂંટાયેલી પાલિકામાં બળવો કરાવ્યો હોવાનો આરોપ હતો.

વર્ષોથી સત્તામાં રહેલા ભાજપ કોઈ કામ કરતો ન હોવાથી પ્રજાએ કંટાળીને ઉમેદવાર જોયા વગર કોંગ્રેસને મત આપ્યા હતા.

2017મા પણ બળવો થયો હતો

પાલિકાના 35 કોંગ્રેસના સદસ્યોમાંથી 23 સદસ્યોએ પાલિકા પ્રમુખ સામે બળવો કરીને રાજીનામાની ચીમકી ઉચ્ચારીને ધારાસભ્ય પરેશ ધાનાણીના નિવાસસ્થાને એકઠા થયા હતા. અમરેલી નગરપાલિકામાં કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી હતી. કુલ 44 સભ્યોમાંથી 35 સભ્યો કોંગ્રેસના હતા. પાલિકાના પ્રમુખ પદે અલ્કાબેન ગોંડલીયાની વરણી કરી હતી. પણ તેમની સામે 23 સભ્યોએ અલ્કાનો વિરોધ કર્યો હતો. તેમની કામગારી સામે વિરોધ હતો. પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવા લેખિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખને લખીને આજે ધારાસભ્ય પરેશ ધાનાણીના નિવાસસ્થાને એકઠા થયા હતા અને રાજીનામાં આપી દેવાની ચીમકી પણ મહિલા કોંગ્રેસના પ્રમુખ અને પાલિકા સદસ્ય જયશ્રીબેને ડાબસરાએ આપી હતી. ધારાસભ્ય પરેશ ધાનાણીએ ભાજપની સરકારના ઈશારે કોંગ્રેસ પાલિકાની વિટબણા ઊભી કરતી હોવાનું જણાવ્યું હતું. સદસ્યોનેની માગણી વ્યાજબી હોવાનો એકરાર પણ ધારાસભ્ય ધાનાણીએ કર્યો હતો. વિધાનસભાની ચૂંટણી સમયે જ અમરેલી પાલિકાના 23 સભ્યોએ બળવો કર્યો હતો અને તેને ધાનાણીએ સમર્થન આપ્યું હતું.

કોંગ્રેસના ઉપવાસમાં એકતા

અમરેલી નગરપાલિકાના કોંગ્રેસના સભ્યો 4 સપ્ટેમ્બરથી ડૉ. જીવરાજ મહેતા ચોક ખાતે નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી, ખરાબ માર્ગો, ભાજપનો ભ્રષ્ટાચાર સહિતના પ્રશ્‍નને લઈ પ્રતિક ઉપવાસ કર્યા હતા. 6 સપ્ટેમ્બર, 2018મા અમરેલી પ્રાંત અધિકારી દ્વારા પાલિકાના સદસ્‍યો પાસેથી વિગતો મેળવી અને યોગ્‍ય કરવાની લેખીત ખાત્રી આપતાં કોંગ્રેસના સદસ્‍યોએ સાંજથી આંદોલન પૂર્ણ થયાનું જાહેર કર્યું હતું.

પૂર્વ પ્રમુખને મારી નાંખવા ધમકી

7 સપ્ટેમ્બર, 2018મા અમરેલીના સાવરકુંડલા નગરપાલિકા પૂર્વ પ્રમુખને રોડના કામ બાબતે એક શખ્‍સે ગાળો દઈ મૂંઢમાર મારી જાનથી મારી નાખવાની બનેલ ઘટનાથી ભારે ચકચાર જાગ્યો છે. પ્રાપ્‍ત વિગત મુજબ સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડી. કે. જીયાણી (પટેલ)નું સાવર સામા પાદર પાસે બાયપાસ રોડનું કામ ચાલુ હોય જે રોડના કામ બાબતે કરશન મંગા સોડીયા નામના શખ્‍સે બોલાચાલી કરી બિભત્‍સ ગાળો દઈ મૂંઢમાર મારીને મારી નાખવાની આપેલી ધમકી આપી હતી.

(દિલીપ પટેલ)

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp