26th January selfie contest

રાજભવનમાં સ્ટેજ સજી ચૂક્યું હતું પછી શપથવિધિ એકાએક કેમ રદ કરવી પડી? શું PM મોદી.

PC: youtube.com

ભારતીય જનતા પાર્ટીમાં શું બધુ બરાબર નથી ચાલી રહ્યું? કારણ કે અગાઉ 16 સપ્ટેમ્બરે નવા મંત્રીઓની શપથવિધિ નક્કી કરવામાં આવી હતી. પાછો એકાએક 14 સપ્ટેમ્બરે મોડીરાત્રે બધા ધારાસભ્યોને આદેશ અપાયો કે તેઓ 15 તારીખે સવારે ગાંધીનગર પહોંચે.

બધા પહોંચી પણ ગયા. તેમને કેમ બોલાવાય તેની કોઇ માહિતી અપાઇ ન હતી. પંરતુ સ્વાભાવિક છે કે શપથવિધિ માટે બોલાવાય હોય. ત્યારપછી એવી ખબર આવી કે રાજભવન ખાતે બપોર પછી શપથવિધિ યોજાશે. તેની તૈયારીઓ પણ શરૂ થઇ ગઇ. બોર્ડ લાગી ગયા. સ્ટેજ તૈયાર થઇ ગયું. પરંતુ પછી અચાનક 2.30 વાગ્યા પછી એવા સમાચાર આવ્યા કે હવે શપથવિધિ 16 સપ્ટેમ્બરે જ યોજાશે. એટલે હવે એક દિવસ વધુ રાહ જોવી પડશે.

આ ઘટનાક્રમ બહારથી જોતા એવું લાગે છે કે ભાજપમાં અંદર કોઇ ખેંચતાણ ચાલી રહી છે. એવી ખબર આવી કે મંત્રીમંડળમાં નો રીપીટેશન ફોર્મ્યુલાનો અમલ કરાશે. એટલે કે જૂના એક પણ મંત્રીને ફરી લેવાશે નહીં. સ્વાભાવિક રીતે આવા નિર્ણયથી અનુભવી નેતાઓમાં અસંતોષ વ્યાપે. તેમને સમજાવવા પડે. એવી વાત પણ આવી કે બધા સિનિયર નેતાઓને સમજાવી લેવાયા છે. તેમને જો રીપીટ ન કરાય તો કોઇ વાંધા નહીં આવે. તો પછી પ્રશ્ન એ છે કે જો કોઇ અંસતોષ નથી તો 15 તારીખે જ શપથવિધિ કરવામાં શું વાંધો હતો?

સૂત્રો કહે છે કે સિનિયર નેતાઓમાંથી ઘણા એવા નેતા છે જેઓ નારાજ છે. ખાસ કરીને નીતિન પટેલ તો આડકતરી રીતે પોતાનો રોષ પ્રકટ કરી પણ ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે તેમને કોઇ હટાવી શકશે નહીં. હવે જો નો રીપીટેશન આવે તો તેમને મંત્રીમંડળમાંથી દૂર થવું પડે તે નક્કી છે. તો શું તમામ ધારાસભ્યોને ગાંધીનગર એટલા માટે બોલાવી લેવાય છે કે નો રીપીટેશનને કારણે જે કોઇ અસંતોષ હોય તો તેને નિયંત્રિત કરી શકાય. કોઇ જૂથબંધી ન થઇ શકે. એક દિવસનો વધુ સમય મળે તો જે સિનિયર નેતાઓમાં જે અંસતોષ છે તેને દૂર કરી શકાય. તેમના ભવિષ્ય અંગે તેમને સાંત્વન આપી શકાય.

સૂત્રોએ જણાવ્યું કે રાજભવન ખાતે જ ગુરૂવારે બપોરે 1.30 વાગ્યે શપથવિધિ યોજાશે. આ શપથવિધિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહી શકે તેવી શક્યતા સૂત્રોએ વ્યકત કરી હતી. એટલે જો વડાપ્રધાન આવવાના હોય તો તેમના માટે શપથવિધિ એક દિવસ મોડી રાખવામાં આવી છે? 17 તારીખે તેમનો જન્મદિન છે. તેઓ પોતાના જન્મદિને તેમના માતાને મળવા ગાંધીનગર આવતા હોય છે. એટલે શક્ય છે કે તેઓ ગાંધીનગર આવવાના હોય. 

બુધવારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલના ઘરે સતત બેઠકો ચાલી રહી હતી. તેઓ જુદા જુદા ધારાસભ્યોને તેમના ઘરે બોલાવીને બંધબારણે તેમની સાથે બેઠકો કરી રહ્યા હતા. 

ગાંધીનગર ખાતે સી.આર. પાટિલના નિવાસ્થાનમાંથી પૂર્વ સિનિયર મિનિસ્ટર ગણપત વસાવા જ્યારે બહાર નીકળ્યા તો પત્રકારોએ જ્યારે પૂછ્યું કે શપથવિધિ કેમ રદ કરવામાં આવી તો તેમણે એવો જવાબ આપ્યો કે પાર્ટી જે નક્કી કરે તેનું બધા પાલન કરે છે. પાર્ટીએ હજુ કોઇ નિર્ણય લીધો નથી. પાર્ટી જે કંઇ પણ નિર્ણય લેશે તે માન્ય રહેશે. કોઇ નારાજ નથી. જોકે, તેમના ચહેરા પર થોડી ચિંતા જરૂર દેખાતી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp