બાવળીયા પછી વાઘેલા, હજી બીજા 10 અમિત શાહના રડારમાં

PC: facebook.com/AmitShah.Official

ગુજરાત કોંગ્રેસને ખાલી કરવાનો પ્લાન ભાજપે બનાવ્યો છે. ગુજરાતને કોંગ્રેસ મુક્ત તો કરાવી શક્યું નહીં પણ હવે કોંગ્રેસના નેતાઓને ભાજપમાં પ્રવેશ અપાવીને કોંગ્રેસને ખાલી કરવામાં આવી રહી છે. સૂત્રો કહે છે કે લોકસભાની 26 બેઠકો પૈકી ઓછામાં ઓછી 8 બેઠકો પર કોંગ્રેસના નેતાઓને ટિકિટ મળશે.

ગુજરાતમાં કોંગ્રેસનો જનાધાર વઘ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં ભલે સત્તા આવી નથી પરંતુ વિપક્ષનું સ્થાન મજબૂત થયું છે. તેથી ભાજપને વિધાનસભા અને લોકસભા બચાવવા માટે કોંગ્રેસના મજબૂત ઉમેદવારોની જરૂર છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની બેઠકોમાં આ વખતે ભાજપમાં આયાતી ઉમેદવારો ચૂંટણી લડી શકે છે.

ગુજરાત કોંગ્રેસને હવે વડાપ્રધાન મોદીનો ડર લાગતો નથી પરંતુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો ડર લાગી રહ્યો છે, કારણ કે જ્યારે જ્યારે તેઓ ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે ત્યારે કોંગ્રેસમાં ભૂકંપ સર્જાય છે.

અમિત શાહ ગયા મહિને ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેઓએ રાજકોટના કોળી કોંગ્રેસી આગેવાન કુંવરજી બાવળીયાનું ઓપરેશન કર્યું હતું. કુંવરજી બાવળીયાએ કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાયેલા હોવાથી તેમને પહેલાં રાજીનામું આપી દેવાની સૂચના આપી પછી ભાજપે રૂપાણી સરકારમાં કેબિનેટનો દરજ્જો આપી સામેલ કર્યા હતા. હવે મહેન્દ્રસિંહ વાઘેલાનું ઓપરેશન થયું છે.

મહેન્દ્રસિંહ વાઘેલાએ ગઈ રાજ્યસભાની ચૂંટણી પહેલાં તેમના પિતા શંકરસિંહ વાઘેલાના કહેવાથી કોંગ્રેસનો ત્યાગ કર્યો હતો પરંતુ ભાજપે તેમને કંઈ આપ્યું ન હતું. એવું માનવામાં આવતું હતું કે મહેન્દ્રસિંહ વાઘેલાની રાજકીય કારકિર્દી તેમના પિતા શંકરસિંહ વાઘેલાએ પૂર્ણ કરી છે. જો કે સમય જતાં ભાજપમાં ગોઠવાઈ ગયું અને અમિત શાહે એવું પ્રોમિસ કર્યું છે કે મહેન્દ્રસિંહ વાઘેલાને લોકસભાની ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવશે.

રથયાત્રના દિવસે મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાઈ ગયા છે. હવે રાજકીય જંગ જામશે તેવું લાગે છે, કારણ કે સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર દિપસિંહ રાઠોડની ટિકિટ કાપવામાં આવશે. પાર્ટીના સૂત્રો કહે છે કે ભાજપ જે બેઠક જીતી શકે તેમ નથી ત્યાં તમામ જગ્યાએ કોંગ્રેસના જીતી શકે તેવા મજબૂત ઉમેદવારોને ભાજપમાં પ્રવેશ અપાવીને ટિકિટ અપાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp