શું ભાજપના નેતાઓ AAPમા જોડાશે, જાણો ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું

PC: Youtube.com

વિધાનસભાની ચૂંટણીને લઇને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ સક્રીય બની છે અને આમ આદમી પાર્ટી દ્વારા મોટા શહેરોથી લઈને ગામડાના લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ ચૂંટણીને લઈને પક્ષ પલટાની સિઝન પણ શરૂ થઈ ગઈ છે. મહત્વની વાત છે કે, ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટી પોતાના જ પક્ષના જૂના નેતાઓ અને કોંગ્રેસના કેટલાક મોટા નેતાઓને પોતાની પાર્ટીમાં જોડાઇ તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા ભાજપના અસંતુષ્ટ નેતાઓએ આમ આદમી પાર્ટીમાં લાવવાની વ્યૂહરચના ગોઠવવામાં આવી રહી છે.

ગોપાલ ઈટાલીયાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો મુખ્યમંત્રીનો ચહેરો ગુજરાતની જનતા છે. જનતાના તમામ મુદ્દા જ અમારા માટે મુખ્યમંત્રીનો ચહેરો છે. ભાજપ જ્યારે મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરશે ત્યારે અમે પણ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરીશું. ગોપાલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સંગઠનને વધુ મજબૂત કરવા માટે અમે લોકો સુધી પહોંચી રહ્યા છે. અલગ અલગ કાર્યક્રમો, ધરણા, મશાલયાત્રા, આવેદનપત્ર, રેલી, વિરોધ પ્રદર્શન અને મીટીંગો જેવા કાર્યક્રમો થકી અમે લોકો સુધી પહોંચવાના પ્રયાસો કરી રહ્યા છીએ.

ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણીમાં ગુજરાતમાં મુખ્ય વિષય બેરોજગારીનો છે. આ ઉપરાંત ખેતીનો પણ એક મુદ્દો છે. તો ખેડૂતોને સિંચાઈ માટે પાણી અને વિજળી મળે અને ગુજરાતમાં શિક્ષણનું ખાનગીકરણ ભાજપે કર્યું છે અને તેને લઇ શિક્ષણનો જે વેપાર થયો છે તે પણ મુદ્દો છે. આ ઉપરાંત આરોગ્યનો પ્રશ્ન પણ કોરોનાની મહામારીમાં ઉભો થયો હતો. રોજબરોજના જીવનને સ્પર્શતા મહત્વના મુદ્દાઓ છે તેના પર આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં કામ કરીને બતાવ્યું છે અને પંજાબમાં પણ હવે આ કામ થઇ રહ્યું છે. ત્યારે આ જ મુદ્દા પર ગુજરાતમાં આમ આદમી પાર્ટી ચૂંટણીના શ્રી ગણેશ કરશે. 

હાર્દિક પટેલનો સંપર્ક કરવા બાબતે ગોપાલે પ્રતિક્રિયા આપી હતી કે, અમે હાર્દિક પટેલનો પણ સંપર્ક કર્યો છે અને નરેશ પટેલનો પણ સંપર્ક કર્યો છે. આ ઉપરાંત અમે તમામ સંઘ અને લડાયક કામગીરી કરનાર વ્યક્તિનો સંપર્ક કર્યો છે. અમે બધાને નિમંત્રણ આપ્યું છે પરંતુ હવે નિર્ણય તેમના પર છે. પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રીઓ અને આમ આદમી પાર્ટીમાં જોડવાના પ્રયાસ બાબતે જણાવ્યું હતું કે, ભાજપના કેટલાક સારા લોકો અમારા સંપર્કમાં છે. ભાજપના તાલુકા અને જિલ્લા લેવલે ચૂંટાયેલા સભ્યો પણ અમારા સંપર્કમાં છે. આ ઉપરાંત કોંગ્રેસના પણ કેટલાક મિત્રો અમારા સંપર્કમાં છે. જે લોકો સારું કામ કરે છે અને સમાજનું કામ કરે છે એવા લોકો અમારા સંપર્કમાં છે.

 ભાજપના સભ્યોને આમ આદમી પાર્ટીમાં જોડાય તે બાબતે તેમણે જણાવ્યું હતું કે, મને ખબર જ છે કે ભાજપમાં એક એવો પણ વર્ગ છે કે જે ભાજપની તાનાશાહી, ગુંડાગીરી, તેમજ ભ્રષ્ટ માનસિકતાથી તકલીફમાં છે. ભાજપમાં પણ એવી કેટલીક સજ્જન વ્યક્તિઓ છે જે હવે નિર્ણય લેવાની ક્ષમતા પર આવી પહોંચ્યા છે. તેઓ આગામી દિવસોમાં બાબતે સારા સમાચાર પણ આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp