26th January selfie contest

ધોલેરા સ્માર્ટ સિટીના એક વ્યક્તિ પાછળ રૂ.19 લાખનો ખર્ચ સરકાર કરશે

PC: khabarchhe.com

ધોલેરા માટે કેન્દ્ર સરકાર રૂ.95,000 કરોડ આપવાની છે. તેમાંના રૂ.3000 કરોડ તો મંજૂર કરી દીધા છે. હવે ધોલેરાના પ્લાન પ્રમાણે 20 લાખ લોકો રહેવાના છે. તેનો મતલબ કે કેન્દ્ર સરકાર જે 30 હજાર કરોડ આપવાની છે તે 20 લાખ લોકો પ્રમાણે માથા દીઠ રૂ.4,75,000 ખર્ચ કેન્દ્ર સરકાર કરશે. એટલું જ ખર્ચ ગુજરાત સરકાર કરે એવી ધારણા છે. બીજું એટલું જ ખર્ચ ધોલેરા કંપની દ્વારા અને તેટલું ખર્ચ ખાનગી લોકો દ્વારા માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા થવાનું છે. તેનો મતલબ કે એક વ્યક્તિ પાછળ રૂ. 19,00,000નું ખર્ચ માળખું તૈયાર કરવામાં ખર્ચ થવાનો છે.

એક વ્યક્તિ પાછળ રોડ, રસ્તા, પાણી, ગટર, ટ્રેન, એરપોર્ટ, જાહેર બિલ્ડિંગો જેવા બાંધકામ પાછળ ખર્ચ થવાનો છે. જોકે આ ખર્ચનો અંદાજ વધારે હોઈ શકે છે. તેનાથી પણ ચાર ગણો આખરે થઈ જશે. આમ આ ગુજરાતનું આધુનિક ઉપરાંત મોંઘું શહેર બની રહેશે. જેમાં ગરિબોને કોઈ સ્થાન નહીં હોય. 22 ગામના લોકો પણ પછી અંદર રહી નહીં શકે. ગુજરાતમાં 30 ટકા લોકો જ્યારે ઝુંપડા કે કાચા મકાનોમાં રહેતાં હોય ત્યારે આવું જંગી ખર્ચ થોડા લોકો માટે કરવામાં આવી રહ્યું છે. જ્યાં ગરીબી છે ત્યાં ભ્રષ્ટાચાર, અરાજકતા, અવ્યવસ્થા, બિનલોકશાહી હોય છે. તેથી સભ્ય સમાજ ઊભો કરવા માટે સ્માર્ટ ધોલેરાનું સર્જન નહીં પણ સ્માર્ટ નાગરિકો બનાવવા માટે ગરીબી દૂર કરવી તે જ સાચો માર્ગ છે.

આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ આ બાબતનો વાંધો ઉઠાવતાં કહ્યું હતું કે, જો ગુજરાતને ધોલેરા સ્માર્ટ સિટી વિકસાવવા રૂ.95,000 કરોડ આપવામાં આવતા હોય તો આંધ્રને કેમ નહીં? વડાપ્રધાન મોદીએ એક તબક્કે કહ્યું હતું કે, ધોલેરાને દિલ્હી કરતાં 4 ગણું મોટું અને ચીનનાં શાંઘાઈ કરતાં 7 ગણું આધુનિક સ્માર્ટ સિટી બનાવવામાં આવશે. જો તેમના હોમ સ્ટેટ ગુજરાત માટે બીજી રાજધાની બનાવવાની વાત હોય તો તેઓ આંધ્ર પ્રદેશની રાજધાની માટે કેમ રોડાં નાખે છે? દિલ્હી રાજ્ય સરકાર માટે કેમ વાંધા રજૂ કરે છે.

ધોલેરાને રૂ.3 હજાર કરોડના ખર્ચે વિશ્વનું સર્વશ્રેષ્ઠ સ્માર્ટ સિટી બનાવવામાં આવશે એવી જાહેરાત ગુજરાત સરકારે કરી છે. જેનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શિલાન્યાસ પણ કર્યો છે. આગામી સમયમાં ધોલેરા-અમદાવાદને ટ્વિન સિટી તરીકે વિકસાવાશે અને જેના ભાગરૂપે ધોલેરા-અમદાવાદ વચ્ચે 8 લેન હાઇ વે પણ બનાવશે તેવી જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી છે. ધોલેરા એસ.આઇ.આર., સ્માર્ટ સિટીમાં કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પીપળી-ધોલેરા વચ્ચેની જળ પરિવહન પાઇપલાઇનના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરાયો હતો.

2019ના વર્ષમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં દેશ-વિદેશના રોકાણકારો-ઉદ્યોગકારો સમક્ષ ધોલેરા એસ.આઇ.આર. તેમજ ઇન્ટરનેશનલ સ્માર્ટ સિટીને ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે રજૂ કરવામાં આવશે. ધોલેરાની એકસમયની જાહોજલાલી અને શહેરીજીવનને ફરીથી ધબકતું કરાશે. ધોલેરાનો સમગ્ર વિકાસ 920 કિલોમીટરના વિસ્તારમાં કરાશે અને તે સિંગાપુર કરતા પણ વધુ મોટું હશે.

ધોલેરા શહેરમાં 120 કિ.મી. લાંબી કેનાલ તૈયાર કરાશે અને તેમાં વર્ષના 365 દિવસ પાણી હશે. વેનિસ સિટી પણ આવું જ છે. જેમ આ કેનાલનો પરિવહન માટે ઉપયોગ થશે. ધોલેરાને દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર સાથે જોડીને ધોલેરાને વિશ્વનું મોખરાનું શહેર બનાવવામાં આવશે. એવી જાહેરાત 2009થી કરવામાં આવી રહી છે.

ધોલેરા પ્રોજેક્ટની હાઇલાઇટ્સ...

  • રૂ.25 હજાર કરોડનો સોલાર પ્રોજેક્ટ, રૂ.130 કરોડના ખર્ચે ઘન કચરાનું વ્યવસ્થાપન, રૂ.400 કરોડના ખર્ચે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી શરૂ કરાશે.
  • આયોજનનો કુલ વિસ્તાર 920 ચોરસ કિ.મી., વિકાસશીલ વિસ્તાર 422 ચો.કિ.મી., રહેઠાણ અને વ્યાવસાયિક વિસ્તાર 124 ચો.કિ.મી., ઔદ્યોગિક વિસ્તાર 124 ચો. કિ.મી.
  • રૂ.1734 કરોડના ખર્ચે રોડ્સ-સર્વિસ, રૂ.90 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રૂ.86 કરોડના ખર્ચે પાવર ટ્રાન્સમિશન-સબમિશન.
  • એનએચએઆઇ દ્વારા રૂ.6 હજાર કરોડના ખર્ચે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે. રૂ.2 હજાર કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશે. ભીમનાથ-ધોલેરા રેલ પ્રોજેક્ટ માટે રૂ.300 કરોડ ખર્ચ થશે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp