26th January selfie contest

રાજકોટને CM રૂપાણીની વધુ એક ભેટ

PC: wikipedia.org

રાજકોટ, વડોદરા અને અમદાવાદ શહેરનો સુઆયોજીત વિકાસ ઝડપભેર થાય એ દિશાના અત્યંત મહત્વના પગલાં તરીકે રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે આજે રાજકોટની વાવડી, કોઠારીયા અને મવડીની ત્રણ પ્રારંભિક ટી.પી.સ્કીમ, વડોદરાની સનાથલ-નવાપુર તથા સેવાસીની ડ્રાફટ ટી.પી. સ્કીમ તથા અમદાવાદના વટવા અને કડીની ફાઇનલ ટી.પી.સ્કીમને મંજૂરી આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકોની સુખ-સુવિધા વધે અને જાહેર હેતુ માટે સત્તા મંડળોને પ્લોટ મળી રહે એ રીતે કામ કરવા તંત્રને તાકીદ કરી છે. પરિણામે છેલ્લા પાંચ મહિનામાં 50 જેટલી ડી.પી./ટી.પી.ને સ્કીમ મંજૂરી આપીને શહેરી વિસ્તારોમાં નાગરિકોને વધુ સારી સુવિધાઓ આપી શકાય એ માટેના કામોમાં વેગ આવ્યો છે.

શહેરી વિસ્તારોમાં ટાઉન પ્લાનીંગ સ્કીમ ઝડપથી પૂર્ણ કરી શકાય એ માટે રાજ્ય સરકારે આજે રાજકોટની 15-વાવડી, 12-કોઠારીયા અને 27-મવડી; એમ ત્રણ પ્રિલિમનરી ટી.પી. સ્કીમને મંજૂરી આપી છે. અંદાજે 310 હેકટર્સ જેટલા વિસ્તારની આ ત્રણ પ્રીલીમીનરી ટી.પી. સ્કીમથી સત્તામંડળને જાહેર હેતુ માટે કુલ 111 જેટલા પ્લોટ મળશે, જેનો કુલ વિસ્તાર આશરે 6,81,623 ચો.મી. જેટલો થાય છે.

રાજકોટના કોઠારીયામાં કુલ 33 પ્લોટનો 1,65,580 ચો.મી. જેટલો વિસ્તાર થાય છે. વાવડીમાં 27 પ્લોટનો 2,25,711 ચો.મી. વિસ્તાર અને મવડીમાં 51 પ્લોટનો 2,89,332 ચો.મી. વિસ્તાર થાય છે. આ પ્લોટમાં બાગ-બગીચા, ખુલ્લી જગ્યા, જન સુખાકારી માટે જાહેર સુવિધાના પ્લોટ તથા સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ માટેના પ્લોટનો સમાવેશ થાય છે.

વિશેષ કરીને રાજકોટ માટે આનંદના સમાચાર છે કે, છેલ્લા ચાર મહિનામાં રાજકોટ શહેરની 22-રૈયા, 16-રૈયા, અને 19 તથા 13-રાજકોટ સહિત કુલ ચાર પ્રીલીમનરી ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૂચનાથી રાજકોટ શહેરના વિકાસ માટેના આયોજન અને તેના અમલીકરણમાં ખૂબ જ ઝડપ આવી છે. નાગરિકલક્ષી હકારાત્મક અભિગમથી કામ કરવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીની તાકીદને પરિણામે છેલ્લા પાંચ મહિનામાં 50 જેટલી ડી.પી./ટી.પી. સ્કીમને મંજૂરી આપીને શહેરી વિસ્તારોમાં લોકોની મુશ્કેલીઓ નિવારવાની કામગીરીમાં સાચા અર્થમાં વેગ આવ્યો છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp