26th January selfie contest

ફ્રોડવાલા રોમાન્સઃ સાચા પ્રેમની શોધમાં લોકોએ ગુમાવ્યા 450 કરોડ રૂપિયા

PC: youtube.com

હાલ વેલેન્ટાઈન વીક ચાલી રહ્યુ છે અને રોઝ ડેથી લઈને પ્રોમિસ ડે, ચોકલેટ ડે, ટેડી ડે, હગ ડે સુધી પહોંચી ચુક્યા છીએ. હવે છેલ્લા બે દિવસ છે, જેમાં 13 ફેબ્રુઆરીએ કિસ ડે અને છેલ્લે 14 તારીખે વેલેન્ટાઈન ડે મનાવવામાં આવે છે. ફેબ્રુઆરીના આ દિવસો વિશે એવુ કહેવામાં આવે છે કે, ત્યારે હવાઓમાં રોમાન્સ હોય છે. સાચો પ્રેમ અને રોમાન્સની શોધમાં લોકો શું નથી કરતા. આ જ પ્રયત્નોમાંથી એક છે ડેટિંગ એપ્સ દ્વારા સાચા સાથીની શોધ. પરંતુ આ શોધ ઘણીવાર તમને મુસીબતમાં મુકી શકે છે. બ્રિટનમાં 450 કરોડ રૂપિયાના રોમાન્સ ફ્રોડનો ખુલાસો થયો છે.

બ્રિટીશ પોલીસ રિપોર્ટિંગ સેન્ટર એક્શન ફ્રોડે સાચો પ્રેમ શોધી રહેલા લોકોને સાવધાન કર્યા છે. પોલીસે તેને માટે આંકડાઓ પણ રજૂ કર્યા છે, જે ઓનલાઈન પ્રેમ શોધી રહેલા લોકોને સાવચેત કરવા માટે પૂરતા છે. પોલીસ આંકડાઓ અનુસાર, બ્રિટનમાં દર વર્ષે 5 કરોડ પાઉન્ડ એટલે કે ભારતીય કરન્સી અનુસાર આશરે 450 કરોડ રૂપિયાનો રોમાન્સ ફ્રોડ થાય છે. અહીં રોમાન્સ ફ્રોડનો સીધો મતલબ ડેટિંગ એપ અથવા સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ્સ પર નકલી પ્રોફાઈલ બનાવીને કોઈની સાથે સંબંધ બનાવવો અને પછી તક મળતા જ છેતરપિંડી કરીને રફુચક્કર થઈ જવા સાથે છે.

મહિલાઓ જલદી ઈમોશનલ થઈ જતી હોય છે અને ફ્રોડ કરનારા આ વાત જાણતા હોય છે. આ જ કારણ છે કે રોમાન્સ ફ્રોડના 63 ટકા મામલા મહિલાઓ સાથે સંકળાયેલા હોય છે અને તેની સરેરાશ ઉંમર 50 વર્ષ હોય છે. તેઓ તક જોઈને પૈસા લઈને રફુચક્કર થઈ જાય છે એટલું જ નહીં પરંતુ ઘણીવાર અંતરંગ પળોનું વિડોય રેકોર્ડિંગ કરીને બ્લેકમેલ કરીને પણ પૈસા પડાવવામાં આવતા હોય છે. આંકડાઓની વાત કરીએ તો 2018માં રોમાન્સ ફ્રોડ સાથે સંકળાયેલી 4555 ફરિયાદો નોંધાઈ હતી. સાડા ચાર હજારથી વધુ આ મામલાઓમાં પીડિતોએ કુલ 450 કરોડ રૂપિયાનું નુકસાન ઉઠાવવુ પડ્યું હતુ. આવા રોમાન્સ ફ્રોડમાં આર્થિક નુકસાનની સાથોસાથ ઘણીવાર શારિરીક નુકસાન પણ વેઠવુ પડતુ હોય છે.

ઓનલાઈન રોમાન્સ ફ્રોડથી આ રીતે બચો

  • જો તમે કોઈ ઓનલાઈન રિલેશનશિપમાં હો તો જરા પણ ઉતાવળ ના કરો. જે વ્યક્તિ સાથે તમે રિલેશનશિપમાં છો, તેની પ્રોફાઈલને જાણવાને બદલે તેના વ્યક્તિત્વને સમજવાનો પ્રયત્ન કરો અને સતત તેના વિશે માહિતી મેળવવાના પ્રયત્નો કરો.
  • પ્રોફાઈલમાં જે નામ અને ફોટો આપવામાં આવ્યો છે, તેના વિશે સર્ચ એન્જિન પર જઈને સર્ચ કરો. એ તમારી સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે.
  • જેની સાથે તમે ઓનલાઈન રિલેશનશિપમાં જઈ રહ્યા હો, તેના વિશે તમારા મિત્રો અને પરિવારજનોને વાત કરો અને આવી વાત એવા વ્યક્તિને જ કરવી જોઈએ જેઓ તે વાતને પોતાના પૂરતી જ સીમિત રાખી શકતા હોય.
  • ઓનલાઈન મળેલા લોકોને પૈસા મોકલવાની ભૂલ ક્યારેય ન કરવી. પોતાની બેંકિંગ ડિટેલ, આધાર અથવા ડેબિટ તેમજ ક્રેડિટ કાર્ડ નંબર તો બિલકુલ શેર ન કરવા જોઈએ.
  • શક્ય હોય તેટલું ઓનલાઈન મળેલા વ્યક્તિને જાહેર જગ્યાઓ જેવી કે મોલ કે રેસ્ટોરન્ટમાં જ મળવાનો આગ્રહ રાખો અને શક્ય હોય તો પોતાની નજીકની કોઈ વ્યક્તિને સાથે લઈ જાઓ અને તેને તમારી આસપાસ રહેવા કહો જેથી કોઈ જોખમ લાગતા જ તે તરત પોલીસને જાણ કરી શકે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp