26th January selfie contest

શું લગ્ન એ માત્ર સેક્સ માટેનું લાયસન્સ છે?

PC: desiblitz.com

રેપ! શબ્દ સાંભળી ને આપણી અંદર એક ધૃણાની ભાવના જન્મે. રેપ કરવાવાળા પ્રત્યે નફરત અને ભોગ બનનાર પ્રત્યે દયા, સહાનુભૂતિ થાય. કંઈક કેટલાય વિચારો આવે કેન્ડલ માર્ચ કાઢવી જોઈએ, અપરાધીને છડે ચોક ફાંસી આપવી જોઈએ, ગુપ્તાંગનો વિચ્છેદ કરી નાખવો જોઈએ વગેરે વગેરે...

અને લગ્ન! ધામધૂમ, ઉજવણી, નાચવું-ગાવું, નવા કપડાની ખરીદી, ઘરેણાંની ખરીદી વગેરે વગેરે... જેના લગ્ન હોય એની ઉત્તેજના, લવ મેરેજવાળાને મનગમતા સાથીનો સહવાસ આખી જિંદગી મેળવવાની ઉત્સુકતા, જ્યારે અરેન્જ મેરેજવાળાને નવી સફર નવા જીવનસાથીનો સહવાસ, થોડી ગભરાહટ, થોડી ખુશી, માતાપિતાથી દૂર થવાનું દુખ વગેરે...

પણ લગ્નનો સાચો મતલબ?

એક લાઈસન્સ સેક્સ માટે!

પુખ્ત વયના સ્ત્રી-પુરુષના હોર્મોન્સ તો અમુક ચોક્કસ ઉંમરે પહોંચતા તો તેનુ કામ શરૂ કરી જ દે છે. જરૂર છે આ રસાયણિક પ્રકિયાને સ્વીકારવાની તેના વિશે વાત કરવાની જેથી કિશોર વયના છોકરાઓમાં સ્ત્રીના શરીર માટેની કોઈ ગેરસમજ કે વિકૃતાઈ વિકાસ ન પામે અને સ્ત્રીઓનું સન્માન કરતા શીખે. આતો વાત થઈ રેપની વિચાર શ્રેણીની.

પણ લગ્ન...? શું લગ્ન પછી સ્ત્રી રેપ જેવી શારીરિક પીડામાંથી નથી ગુજરતી? શું લગ્ન પછી દરેક સ્ત્રી સાથે તેની સંમત્તિથી જ શારીરિક સંબંધ બાંધવામાં આવે છે? એવા પણ કેટલાય કિસ્સાઓ છે પણ એ એટલે બહાર નથી આવતા કારણ કે આ કિસ્સાઓમાં રેપિસ્ટનું નામ પતિ હોય છે. એટલે આપણે તેને અપરાધી ના કહી શકીએ? શું એ એનો હક છે?

શારીરિક સંબંધ બાંધતી વખતે પત્નીને ઈજા પહોચાડી સંતોષ પામવો અણછાજતી હરકતો કરી પત્નીને માનસિક રીતે ત્રાસ આપવો એ શું રેપ નથી? દરેક પુરુષની જેમ જ દરેક સ્ત્રીની પણ શારીરિક ઈચ્છાઓ હોય છે કદાચ પુરુષ કરતા પણ વધારે પણ એની ઈચ્છાને માન આપવું તો દૂર પણ ક્યારેય એ જાણવાનો પણ પ્રયત્ન કરવામાં આવે છે ખરો કે પત્નીની ઈચ્છા શું છે?

આ સમાજ પુરુષ પ્રધાન છે પણ તેના અમુક પ્રકારના ર્વતનથી એવું ન લાગે કે તેના બે પગ વચ્ચે રહેલા એક અંગના જોર પર સ્ત્રીને તાબે કરવાની કોશિશ કરી રહ્યો હોય. જાણે એને ડર હોય! એને ખબર છે કે પુરુષ કરતાં સ્ત્રી ઈચ્છે તો ઘણી આગળ વધી શકે તેમ છે કેમકે તેનામા સહનશીલતા અને મલ્ટીટાસ્કીંગ જેવી ગજબ ક્વોલીટી ઈનબિલ્ટ જ હોય છે. એટલે એક બીમાર માનિસકતાવાળો પુરુષ વર્ગ આપણી વચ્ચે મોટા પ્રમાણમાં છે. જે લગ્નના પવિત્ર રિવાજની આડામાં રોજ કેટલીએ સ્ત્રીઓનો રેપ કરે છે.

તો આના માટે આપણે એટલું ન કરી શકીએ કે લગ્નની તૈયારી સાથે આપણે દિકરા-દિકરીઓ સાથે શારીરિક સંબંધ વિશે ચર્ચા કરીએ અને સમજાવીએ કે પ્રેમથી બાંધવામાં આવેલા સંબંધમાં જે મજા છે એ જોર અજમાવામાં કે પૌરુષત્વ સાબિત કરવામાં નથી. જો માનિસકતા સુધરશે તો સમાજ સુધરશે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp