અમરેલીમાં પ્રિ-મોન્સૂનમાં જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 13 ગામોમાં એલર્ટ અપાયું

PC: youtube.com

ગુજરાતમાં ચોમાસાને લઈને હવે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટીને લઈને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી પણ થઈ છે ત્યારે અમરેલીમાં ભારે વરસાદના કારણે નદીઓ ઓવરફ્લો થઈ હોવાના દૃશ્યો સામે આવ્યા હતા.

અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે સાવરકુંડલાના શેલ દેદુમલ ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી. ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા હોવાના કારણે નીચાણવાળા વિસ્તારમાં આવેલા 13 જેટલા ગામડાને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. આંબરડીમાં ઘોડાપૂર આવવાના કારણે કેટલાક વાહનો તણાયા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. તો બીજી તરફ ભાવનગર અને સોમનાથ નેશનલ હાઈ-વે પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદના કારણે રાજુલા નજીક આવેલો ધાતરવાડી ડેમ ઓવરફલો થયો હતો. તેથી ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા હતા.

રાજુલામાં હિડોરણા નજીક બેઠો પુલ પણ પાણીમાં ગરકાવ થયો હતો. જેના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. અમરેલી જિલ્લામાં મેઘ મહેરબાન થતાં લીલીયા ગામની નાવલી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. નદીકાંઠે આવેલી દુકાનોમાં પાણી ઘૂસ્યા એવી સ્થિતિને લઈને વેપારીઓમાં ભય ઉભો થયો હતો. આ ઉપરાંત સાવરકુંડલામાં મુખ્ય બજાર અને ગામમાં પણ ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી હતી. પાણીના ભારે તણાવમાં એક છકડો અને ચાર જેટલી બાઈક તણાઈ ગઈ હતી. સાવરકુંડલાની મુખ્ય બજારમાં આવેલી બેંકમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા.

બીજી તરફ રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના લઈને હવામાન વિભાગ દ્વારા 13 જૂન સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગ દ્વારા 12 અને 13 જૂનના રોજ મધ્ય ગુજરાતના આણંદ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરતમાં પણ ગત મોડી રાત્રે ભારે વરસાદ શરૂ થયો હતો. અમરેલી જિલ્લામાં પાંચ તાલુકામાં ભારે વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ખાંભાના મોટા સમઢીયાળા, ભાડ, નાનુડી, રાયડી, ડેડાણ, અનીડા, ભાવરડી સહિતના ગામડામાં 2થી 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. લીલીયામાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત રાજકોટના જસદણ અને લોધિકામાં પણ અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp