26th January selfie contest

ભાવનગરમાં હાઉસિંગ બોર્ડમાં રહેતા 420 પરિવારોનો સરકારે આસરો છીનવી લીધો

PC: dainikbhaskar.com

હાઉસિંગ બોર્ડે આપેલા મકાનો સમારકામના બહાને પાછા લઈ લીધા છે. જેના કારણે ફરી એકવાર ભાવનગરના ભરતનગરનાં લોકો પોતાની જૂની જિંદગી જીવવા મજબૂર બન્યા છે. 20 વર્ષ પહેલા ભાવનગરના આદર્શ નગરમાં હાઉસિંગ બોર્ડ દ્વારા મકાનો બનાવવામાં આવ્યા હતા. મકાનો બન્યાના થોડા સમય બાદ આવેલા ભૂકંપમાં મકાનો જર્જરિત થઈ ગયા હતા. જો કે ત્યાર બાદ 2014મા હાઉસિંગ બોર્ડના મોટા ભાગમાં મકાનો ધરાશાયી થતા સરકાર દ્વારા મકાનોમાં રહેતા તમામ લોકોને મકાન ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. મકાન ખાલી કરાવતા સમયે સરકારે કહ્યું હતું કે, મકાનમાં રહેલા લાભાર્થીઓને ભાડાના મકાનમાં રહેવા માટે દર મહિને 2 હજાર રૂપિયા ભાડા પેટે ચૂકવવામાં આવશે.

હાઉસિંગ બોર્ડમાં રહેતા લોકોએ સરકારની વાતો માનીને ભાડે રહેવા માટે ગયા હતા પરંતુ સરકાર દ્વારા લાભાર્થીઓને ભાડાની ચૂકવણી કરવામાં આવી નહિ. 2014થી લઈ 2018 સુધી સરકાર દ્વારા ભાડાની ચૂકવણી ન કરતા લાભાર્થીઓ જર્જરિત મકાનોમાં પાછા રહેવા માટે આવી ગયા છે.

આ બાબતે લાભાર્થીઓ દ્વારા કહેવામાં આવ્યું કે અમે 4 વર્ષ ભાડું ભરીને થાકી ગયા છીએ જેના કારણે આ જર્જરિત મકાનોમાં રહેવા માટે પરત ફર્યા છીએ. જ્યારે ચૂંટણી આવી હતી ત્યારે વિભાવરી બહેને અમને દસ-દસ લાખના ખર્ચે મકાનનું સમારકામ કરાવવાની વાતો કરી હતી. પરંતુ અમારા મકાનોની સમારકામ કરવામાં આવ્યું નથી. ચોમાસામાં અમને લોકોને બીજું ઘર આપવાની અને ભાડે રહેતા લોકોને ભાડું આપવાનું કહીને પેપર પર સહી કરાવી મકાનો ખાલી કરાવ્યા હતા. મકાનો ખાલી કર્યા પછીના 4 વર્ષમાં એકવાર પણ સરકાર દ્વારા ભાડાની ચૂકવણી કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે હાઉસિંગ બોર્ડ દ્વારા 420 મકાનો બનાવવામાં આવ્યા હતા. જ્યારે મકાન ધરાશાયી થયા ત્યારે લોકોને મકાન ખાલી કરવામાં આવ્યા હતા. પરંતુ સરકાર દ્વારા લાભાર્થીઓને કોઈ પણ સહાય ન આપતા 50 પરિવાર તૂટેલા મકાનોમાં રહેવા પરત આવ્યા છે. જે લોકો રહેવા માટે પરત આવ્યા છે તેની હાલત એકદમ દયનીય છે. કારણકે આ મકાનમાં લાઇટ અને પાણીની સુવિધા પણ નથી. જો કે થોડા સમય પહેલા સરકારે રિ-ડેવલપમેન્ટ યોજના બહાર પાડી હતી અને એ યોજનામાં આ હાઉસિંગ બોર્ડના મકાનોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. છતા હજુ પણ રિ-ડેવલપમેન્ટ કરવામાં આવ્યું નથી.

આ બાબતે કેન્દ્રીય રાજ્ય મંત્રી અને ભાવનગરના પૂર્વના ધારાસભ્ય વિભાવરી દવેએ જણાવ્યું કે મને પણ એ બાબતનું દુઃખ છે કે, મારા વિસ્તારના 420 મકાનોના લોકો ઘર વિહોણા થયા છે. જે પરિસ્થિતિમાં જ્યાં રહે છે ત્યાં પણ દુઃખમાં રહે છે. આ બાબતે સરકારમાં અનેકો વખત રજૂઆત કરવામાં આવી છે. જે બાબતે રિ-ડેવલપમેન્ટ પોલિસી બનાવવામાં આવી હતી. આ પોલિસીમાં સૌ પ્રથમ ભાવનગરના હાઉસિંગ બોર્ડના આ મકાનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રિ-ડેવલપમેન્ટ પોલિસી બનાવ્યા પછી ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. સતત ત્રણ વખત ટેન્ડર બહાર પાડ્યા પછી પણ ટેન્ડર ભરાયા ન હોવાનના કારણે આ મુશ્કેલી ઊભી થઈ છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp