રક્ષાબંધન ઉજવવા જતા પરિવારને ધોરાજી નજીક નડ્યો અકસ્માત, 2ના મોત, 4 ઇજાગ્રસ્ત

PC: dainikbhaskar.com

અમદાવાદથી પોરબંદરના રાણાવાવ રક્ષાબંધની ઉજવણી કરવા જતા એક પરિવારને રસ્તામાં અકસ્માત નડયો હતો. અકસ્માતમાં કારમાં સવાર 4 સભ્યોને ગંભીર ઈજાઓ થઈ હતી અને 2 વ્યક્તિઓના ઘટના સ્થળ પર કરૂણ મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક 108ને ફોન કર્યો હતો અને ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા.

રિપોર્ટ અનુસાર અમદાવાદમાં પરિવારની સાથે રહેતા પ્રવિણ લગધીર રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવા માટે તેમના વતન રાણાવાવના મોકર ગામમાં આવવા માટે અમદાવાદથી ઇકો કારમાં 6 સભ્યોની સાથે નીકળ્યા હતા. પ્રવીણ લગધીર કાર લઇને વહેલી સવારે 7:30 વાગ્યે ધોરાજીના ભૂતવડના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે કારની સામે એક ઢોર આવી ગયું હતું. તેથી ઢોરને બચાવવા જતા કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે ઇકો કાર રસ્તા પરથી ઉછળી રોડની સાઈડમાં આવેલા એક કારખાનાની દીવાલ સાથે અથડાઈ હતી.

અકસ્માતની ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળ પર એકઠા થઇ ગયા હતા અને લોકોએ કારમાં સવાર તમામ લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર 6 લોકોમાંથી 4 લોકોને ગંભીર ઈજા થઈ હતી અને કારમાં સવાર પ્રવીણ લગધીર અને તેમના પત્ની ગીતા લગધીરનું ગંભીર ઈજા થવાના કારણે ઘટના સ્થળ પર જ મોત થયું હતું. ઘટનાની જાણ સ્થાનિક લોકોએ 108ને કરતા 108 ગણતરીના સમયમાં ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા 4 સભ્યોને સારવાર અર્થે ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં 2 વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ થયો હતો.

અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓમાં કિરીટ જોશી, પ્રિયા લગધીર, મગન જોશી અને મંજૂ જોશીનો સમાવેશ થાય છે. અકસ્માતની ઘટનાની જાણ થતા ધોરાજી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે ઘટનાની તપાસ બાદ પતિ-પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ અકસ્માતની ઘટનાની જાણ ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા થતા તેઓ તાત્કાલિક ઇજાગ્રસ્તોની ખબર અંતર પૂછવા માટે સરકારી હૉસ્પિટલ પર પહોંચ્યા હતા. આ ઉપરાંત લલિત વસોયાએ મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp