ગઢડા ગોપીનાથ મંદિરના આચાર્ય અને દેવ પક્ષના પાર્ષદો બાખડ્યા, 4ની અટકાયત

PC: youtube.com

મંદિરમાં ભક્તો શાંતિ માટે જાય છે પરંતુ ગઢડાનું ગોપીનાથજી મંદિર અવાર નવાર વિવાદમાં આવે છે. સંતો તમામ મોહમાયાથી પરે હોય છે તેમને માત્ર ભગવાનની ભક્તિ જીવનનો ઉદ્દેશ હોય છે પરંતુ ગઢડાના ગોપીનાથજી મંદિરમાં સંતોના બે પક્ષ મંદિરની સત્તાને લઈને અવાર નવાર વિવાદમાં આવે છે. ગોપીનાથજી મંદિરમાં આચાર્ય પક્ષ અને દેવ પક્ષના સંતો વચ્ચે અવાર નવાર વિવાદ સર્જાય છે. ત્યારે ફરી એક વખત ગોપીનાથજી મંદિરમાં આ બંને પક્ષના સંતો વચ્ચે વિવાદ સર્જાયો હતો. મંદિરના ભોજનાલયની અંદર આચાર્ય પક્ષને દેવ પક્ષ વચ્ચે તકરાર થઈ હતી અને આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને આ બાબતે ચાર પાર્ષદોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

રિપોર્ટ અનુસાર બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં વડતાલ તાબાના સ્વામિનારાયણ જુના મંદિરને ગોપીનાથજી દેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. અને ગઢડા ગોપીનાથજી મંદિરની રસોઈ લાઠીદળ ગામમાં આવેલા ગુરુકુળમાં સ્વામીની તિથિ નિમિત્તે હતી અને તે સમયે ગોપીનાથજી મંદિરના ભોજનાલયમાં જમણવાર હતો ત્યારે આચાર્ય પક્ષ અને દેવપક્ષના પાર્ષદો વચ્ચે કોઇ વાતને લઇને બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી દરમિયાન બંને પક્ષના પાર્ષદો ઉગ્ર થઈ ગયા હતા. આ મામલે પોલીસને માહિતી આપવામાં આવી હતી અને તેથી પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને પોલીસે સમગ્ર મામલે ચાર પાર્ષદોની અટકાયત કરી હતી.

ઉલ્લેખનીય છે કે ગઢડા સ્વામિનારાયણ મંદિર વારંવાર કોઈને કોઈ વિવાદમાં સામે આવે છે. આ મંદિરમાં સત્તાને લઈને આચાર્ય પક્ષ અને દેવ પક્ષના સંતો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. મંદિરનો વિવાદ ક્યારેક કોર્ટમાં તો ક્યારેક પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચે છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ એક મહિલાએ ગઢડા પોલીસ સ્ટેશનમાં ગોપીનાથ મંદિરના આચાર્ય પક્ષના પાર્ષદ સંજય ભગત સામે બ્લેકમેઈલની ફરિયાદ નોંધાવી હતી. સંજય ભગત અને મિલન બ્રાહ્મણ નામના વ્યક્તિએ તેની બીભત્સ તસ્વીર બનાવીને વાયરલ કરવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ આ ફરિયાદમાં કરવામાં આવ્યો હતો. આ બાબતે પણ ગઢડાનું સ્વામિનારાયણ મંદિર વિવાદમાં આવ્યું હતું. ત્યારે હવે ફરીથી એક વખત આ મંદિર પાર્ષદો વચ્ચેના ઝઘડાને લઈને વિવાદમાં આવ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp