ગુજરાતઃ કોર્પોરેટર હોય તો આવા, ઢોલ લઈને પહોંચી જાય છે ફરિયાદ કરવા

PC: khabarchhe.com

પ્રજાના મતથી ગાદીએ આવ્યા બાદ નેતાઓ લોકસેવાના બદલે લાભ લેવાની વૃતિથી પીડિત હોય છે. પણ પ્રજા માટે સતત અને સખત રીતે મદદરૂપ બનાનારા નેતાઓ ખૂબ ઓછા હોય છે. તો કેટલાક સાવ અપવાદરૂપ હોય છે. જામનગરમાં એક એવા પણ મહિલા કોર્પોરેટર છે જે લોકોના કામ માટે ગમે ત્યારે ગમે તે અધિકારીની ઝાટકણી કાઢી નાંખે છે.

લોકોના કામને લઈને કોઈ પદ કે અધિકારના કદની શરમ રાખતા નથી. આ મહિલા કોર્પોરેટરનું નામ છે રચનાબેન નંદાણીયા. એમની અનોખી રજૂઆતથી તંત્રના કાન ખૂલી ગયા છે. અધિકારીઓ દોડતા થઈ ગયા છે. જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેણાંક મકાનથી અલગ કરાયેલા રોડના કામ સામે સ્થાનિકો નારાજ થયા હતા. નગરસેવિકાની અધ્યક્ષતામાં આ વિસ્તારના લોકોએ તંત્ર સામે થાળી વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

લોકોના આ પ્રશ્નને લઈને કોર્પોરેટર રચનાબેને તંત્ર સામે આક્રમક રીતે રજૂઆત કરી હતી. વોર્ડ નં. 4માં દ્વારકેશ સોસયટીમાં રહેણાંક મકાનથી ઊંચા કરવામાં આવેલા રસ્તા મુદ્દે રજૂઆત કરી હતી. જોકે, સ્થાનિકોએ અનેક રજૂઆત કર્યા બાદ કોઈ પ્રકારના પગલાં ન લેવાતા કેસ કોર્પોરેટર સુધી પહોંચ્યો હતો. આ મુદ્દે કોર્પોરેટર રચનાબેન જામનગર મહાનગર પાલિકાના કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. કમિશનર કચેરીમાં તેમણે આક્રમક વલણ દાખવીને રજૂઆત કરી હતી. લાંબી રજૂઆતને પગલે તંત્રએ નમવું પડ્યું હતું. ત્યાર બાદ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી.

રસ્તાના કામ મુદ્દે જ નહીં પણ અગાઉ જામનગરના તળાવની પાળ વિસ્તારમાં રેકડી તથા પાથરણાવાળાઓની જગ્યાને લઈને થયેલા વિવાદમાં તેમણે તંત્રનો કાન આમળ્યો હતો. સમયાંતરે આવા નાના ધંધાર્થીઓને જગ્યા મુદ્દે પરેશાન કરવામાં આવતા હોય છે. જેની સામે કોર્પોરેટર રચનાબેને તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો. ભાજપ કોર્પોરેટર રચનાબેને રસ્તા વચ્ચે દેખાવો કરી, રણચંડીનું રૂપ લઈને કમિશનર કચેરીમાં લાકડી ઉપાડી હતી. જેના વીડિયો વાયરલ થતા સનસની મચી ગઈ હતી. તેમણે કહ્યું હતું કે, સાચું અને પ્રજાનું સારૂ કરવામાં હું પોલીસથી પણ ડરતી નથી. આક્રમક રજૂઆતને પગલે અધિકારીઓએ કામ શરૂ કરાવીને તાત્કાલિક ખાતરી આપવી પડી હતી. જામનગર મહાનગર પાલિકામાં અનેક વખત આવા અનોખા વિરોધ પ્રદર્શનથી પ્રજાલક્ષી સારા કામ થયેલા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp