ભાનુશાળીની હત્યા કરાવનારા છબીલ પટેલને પોલીસ કસ્ટડીમાં પણ મોતનો ડર લાગી રહ્યો છે

PC: dainikbhaskar.com

પોતાના પૈસા અને સત્તાની તાકાત કાયમ રાખવા માટે કાયમ લડાઈ થતી રહી છે. આવી જ લડાઈ છબીલ પટેલ અને જયંતિ ભાનુશાળી વચ્ચે પણ થઈ જેનો અંજામ એવો આવ્યો કે છબીલ પટેલે જયંતિ ભાનુશાળીનો કાંટો કાયમ માટે કાઢી નાખ્યો હતો, પણ હવે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે પોલીસ કસ્ટડીમાં રહેલા છબીલ પટેલ પણને પણ ખુદને મોતનો ભય લાગી રહ્યો છે. છબીલ પટેલની પુછપરછ કરી રહેલા પોલીસ અધિકારી જ્યારે મનિષા ગોસ્વામી અને સુરજીત ભાઉના નામનો ઉલ્લેખ કરે છે તેની સાથે છબીલ મોંઢુ બંધ કરી લે છે અને ચહેરા ઉપર ડર દોડી આવે છે.

અબડાસાની બેઠક ઉપર શરૂ થયેલી લડાઈમાં એકબીજા ઉપર ખોટા કેસ કરાવવાની શરૂઆત જયંતિ ભાનુશાળી અને છબીલ પટેલે શરૂ કરી હતી, પરંતુ છબીલને ડર લાગ્યો કે જયંતિ તેને જીવવા દેશે નહીં. તે ડરમાં છબીલ પટેલે કાયમ માટે પ્રશ્નનો અંત લાવવા માટે જયંતિની હત્યા કરાવી દેવાનો નિર્ણય કર્યો હતો. જો કે વેપારી છબીલનું ગજુ નહોતુ કે તે પોતે જયંતિની હત્યા કરે અથવા કરાવી શકે તેના માટે તેને કોઈની મદદ જોઈતી હતી. એક વખત જયંતિ ભાનુશાળીની સ્ત્રી મિત્ર રહેલી મનિષા ગોસ્વામી જેને જયંતિ સાથે પૈસાનો વાંધો પડતો તે પણ બદલો લેવા માગતી હતી. આમ છબીલ અને મનિષાનો એક જ દુશ્મન હોવાને કારણે બંને મિત્રો થઈ ગયા હતા.

ભાનુશાળી સાથે છૂટા પડ્યા પછી મનિષાના જીવનમાં સુરજીત ભાઉનું આગમન થયુ હતું કે મહારાષ્ટ્રના પૂણેનો ગેંગસ્ટર હતો. પૂણે સયાજીનગર અને લક્ષ્મીનગરના ટપોરીઓની મદદ લઈ નાના મોટા ક્રાઈમ કરતો હતો અને ખંડણી સહિત હત્યાના ગુનાઓમાં તે ચરસીઓનો ઉપયોગ કરતો હતો. આમ ગરીબ માણસોને હાથો બનાવી તે તેમની પાસે ગુનો કરાવી પોતે સલામત અને પોલીસની નજરથી દૂર રહેતો હતો. મનિષાએ જ્યારે છબીલને પટેલને વાત કરી તે જયંતિનો કાંટો કાઢી નાખવામાં સુરજીત તેને મદદ કરી શકે છે. ત્યારે સુરજીત-મનિષા અને છબીલ પટેલ વચ્ચે મીટિંગ થઈ હતી. આ બધી બાબત હત્યાનું કામ લેનાર વિશાલ કાંબલેએ પોલીસને જણાવી હતી.

સુરજીત ભાઉએ જયંતિ ભાનુશાળીની હત્યા માટે ભાડુતી મારાઓ લાવી આપવાનું કામ લીધુ હતું અને છબીલ પટેલે તે માટે રકમ ચૂકવવાની તૈયારી બતાડતા સુરજીતે હત્યારાઓની વ્યવસ્થા પણ કરાવી આપી હતી. જયંતિની હત્યા પછી ભાગી છૂટેલા છબીલ પટેલે ઉપર સુરજીત ભાઉ અને મનિષા સતત દબાણ કરતા હતા કે છબીલ પોતાના પૈસા અને વગનો ઉપયોગ કરી આખા મામલામાં મનિષા અને સુરજીત ભાઉને આ કેસથી દૂર રાખે, જેના કારણે છબીલ પટેલે આખો મામલો પોતાની ઉપર લઈ લેવાની તૈયારી બતાડી હતી, છબીલની ઈચ્છા હતી કે પોતાનો પુત્ર સિદ્ધાર્થ, મનિષા અને ભાઉ આ કેસમાંથી નીકળી જાય.

પરંતુ ગોઠવણનો પ્રયત્ન કરવા છતાં તેવું નહીં થતાં પહેલા સિદ્ધાર્થે પોલીસ સામે શરણાગતી સ્વીકારી હતી અને બાદમાં છબીલ પટેલ પણ પોલીસ સામે હાજર થઈ ગયો છે. પરંતુ પોલીસ કસ્ટડીમાં રહેલા છબીલ પટેલને સુરજીત ભાઉનો ડર લાગી રહ્યો છે. છબીલ પટેલ માને છે કે સુરજીતની ધરપકડ થઈ તો ગમે ત્યારે સુરજીત છબીલની પણ હત્યા કરાવી નાખશે એટલે જ્યારે સુરજીતના નામનો ઉલ્લેખ આવતા છબીલ પટેલ બોલી ઉઠે છે કે આ કેસમાં મનિષા અને સુરજીતને લઈ લેવા દેવા નથી. આમ છબીલના ચહેરા ઉપર પોલીસ સુરજીતનો ખૌફ જોઈ શકે છે. જો કે પોલીસ પાસે પુરતા પુરાવા છે તેમાં સુરજીત દ્વારા છબીલ પટેલને હત્યારાઓ સાથે મીટિંગ કરાવી આપવામાં આવી હતી.

પોલીસની તપાસમાં બહાર આવ્યુ કે સુરજીતે મહારાષ્ટ્રની મોટી ગેંગો અને મહારાષ્ટ્રના અનેક મોટા નેતાઓ સાથે પોતાને સંબંધ હોવાની એક છબી લોકોમાં ઉભી કરી છે જેના કારણે સામાન્ય લોકો સુરજીત સામે ફરિયાદ કરવાની અથવા તેના અંગે બોલવાની હિંમત કરતા નથી, આ જ પ્રકારના હાઉનો શિકાર છબીલ પટેલ પણ થઈ ગયો છે. હવે સ્થિતિ એવી છે કે જયંતિની હત્યા કરાવનાર છબીલ ખુદને હવે સુરજીત ભાઉ તેને મરાવી નાખશે તેવો ડર લાગી રહ્યો છે કદાચ આ ડરને કર્મનો સિદ્ધાંત કહેવામાં આવતો હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp