જસદણ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પ્રચારની કમાન મુખ્યમંત્રીના પત્નીએ સંભાળી

PC: satyaday.com

ગુજરાત વિધાનસભાની જસદણ બેઠકની પેટા ચૂંટણીની ભાજપ અને કોંગ્રેસ દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો છે. ભાજપના ઉમેદવાર કેબીનેટ મંત્રી કુંવરજી બાવળિયાનો ભવ્ય વિજય થાય તે માટે ભાજપના ટોચના નેતાઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. આ બેઠક ભાજપ અને કોંગ્રેસની પ્રતિષ્ઠાના જંગ સમાન હોવાથી હવે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન પણ ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતાર્યા છે.

કુંવરજી બાવળિયાએ કોંગ્રેસ અને ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામુ આપતા જસદણ બેઠક ખાલી પડી હતી. આ બેઠક માટે ચૂંટણી પંચે તા. 20મી ડિસેમ્બરે મતદાનની જાહેરાત કરી છે. આ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર તરીકે કુંવરજી બાવળિયા અને કોંગ્રેસમાંથી કોળી આગેવાન અવસર નાકિયાએ ઉમેદાવીરી નોંધાવી છે. આ બેઠક ઉપર બન્ને રાજકીય પક્ષોના ઉમેદવાર અને તેમના સમર્થકો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

ભાજપે આ બેઠકની 14 જેટલા નેતાઓને જવાબદારી સોંપી છે. હાલ ભાજપના કાર્યકરો ઘરે-ઘરે પ્રચાર કરી રહ્યાં છે. પ્રતિષ્ઠાના જંગ સમાન જસદણ બેઠકની ચૂંટણીમાં વિજય મેળવવા માટે જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીએ પ્રચારની કમાન સંભાળી છે. તેમજ તેઓ મહિલા મતદારાનો સીધો સંપર્ક કરી રહ્યાં છે.

જસદણ નગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર જલ્પાબેન ભાજપનો કેસરિયો ધારણ કરીને ધરે-ધરે ભાજપનો પ્રચાર કરતા હોવાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેથી હરકતમાં આવેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરાએ તેમને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે. બીજી તરફ કોંગ્રેસે પોતાની બેઠક જાળવી રાખવા માટે નેતાઓની ફોજ મેદાનમાં ઉતારી છે. આ બેઠક વર્ષોથી કોંગ્રેસની હોવાથી પ્રચારમાં કોઈ કચાસ ન રહી જાય તેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

જસદમ વિધાનસભા બેઠક ઉપર 97 હજાર કોળી મતદારો અને 53 હજાર જેટલા પાટીદાર સહિત  2.30 લાખ જેટલા મતદારો છે. આ મતદારો તા. 20મી ડિસેમ્બરના રોજ ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp