રાજકોટમાં 5 નવા બ્રીજ બનશે, CMએ કહ્યું પૈસાના અભાવે એકપણ વિકાસના કામ નહીં અટકે

PC: khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ ખાતે રૂ. 299.44 કરોડના વિકાસકામોના શ્રીગણેશ કરાવ્યા હતા, અને શહેરીજનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહેરીજનોને અભયવચન આપતાં કહયું હતું કે, પૈસાના અભાવે રાજ્યના એક પણ વિકાસ કામ અટકશે નહિં. રાજકોટ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય સરકારની દૂરંદેશિતા પ્રગટ કરતાં જણાવ્યું હતું કે, સરકાર આગામી 30 વર્ષોના આગોતરા આયોજન સાથે કામ કરી રહી છે, જેથી રાજ્યના નાગરિકોને સુવિધાસભર જીવન આપી શકાય, અને રાજ્યનો સુખાકારી સૂચકાંક(હેપ્પીનેસ ઇન્ડેકસ) ઉચ્ચતમ શિખરો સર કરી શકે.

દુનિયાના નકશામાં રાજકોટ અગ્રેસર બને તે માટે ‘સ્માર્ટ સિટી પ્રોજેકટ’ અન્વયે રૂ. 2 હજાર કરોડના કામોની સત્વરે અમલવારીની મુખ્યમંત્રીએ ખાતરી ઉચ્ચારી હતી. અને જાહેરાત કરી હતી કે નજીકના ભવિષ્યમાં શહેરમાં નવા પાંચ બ્રીજ બનાવવામાં આવશે, જેની વહીવટી પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે. ઉપસ્થિત જનતાએ આ જાહેરાતને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.

રાજકોટ ખાતે વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત સમયે મુખ્યમંત્રીએ રાજકોટ સાથેના તેમના સંસ્મરણો તાજા કર્યા હતા. અને આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું હતું કે 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના સમયે બનેલા રેસકોર્સ ઉપરાંત, રાજ્યસરકાર 2019માં નવું રેસકોર્સ બનાવી રહી છે, તે રાજકોટવાસીઓની સુખાકારી માટે રાજ્યસરકારે સેવેલી ખેવનાનું પ્રતિબિંબ છે.

સુવિધાસભર જીવનશૈલી માટે જનતા જયારે શહેરોની પસંદગી કરી રહી છે ત્યારે રાજકોટ સહિત રાજ્યભરના શહેરોમાં ઘરે-ઘર નળ હોય તેવું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે, એવો આશાવાદ પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ તકે વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અટલ સરોવરના નિર્મણની ટેકનિકલ બાબતો પર પ્રકાશ પાડતાં કહયું હતું કે, ટર્શરી ટ્રીટમેન્ટથી આવનારા દિવસોમાં પાણી ન હોય તો પણ અટલ સરોવરમાં પાણી ભરેલું જ રહેશે, જેનાથી આસપાસના વિસ્તારોને પાણીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે.

દિવસમાં 18 વખત ટ્રેઇન પસાર થતી હોય તેવા આમ્રપાલી ફાટકની ટ્રાફિકની સમસ્યાનો અંડરબ્રીજ બનવાથી ત્વરિત નિકાલ આવશે, એવી લાગણી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રજૂ કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના કાર્યકાળમાં રાજકોટ શહેરને સાંપડેલી એઇમ્સ, જી.આઇ.ડી.સી., એરપોર્ટ, બસસ્ટેન્ડ, રેસકોર્સ, કોર્ટ વગેરેના નવા બિલ્ડીંગની સુવિધાઓનો ઉલ્લેખ કરી રાજકોટની જનતાને આ સુવિધાઓનો ઉપયોગ કરી વિકાસની રાહ પર અગ્રેસર થવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર કાર્યક્રમના આયોજન બદલ રાજકોટ મહાનગરપાલિકાને અભિનંદન આપ્યા હતા.

સભાસ્થળે આવતાં પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અટલ સરોવરની મુલાકાત લીધી હતી. નવા રેસકોર્સ ખાતે રૂ. 136 કરોડના ખર્ચે નિર્માણ થનાર વિવિધ વિકાસકામો જેવા કે ગાર્ડન, ટોય ટ્રેઇન, ફુડ કોર્ટ, ગ્રામ હાટ, એમ્ફી થીયેટર, વગેરેનું નિરીક્ષણ કર્યું હતું. તથા અટલ સરોવર ખાતે ખાતમુહૂર્ત કર્યું હતું. સિવિલ હોસ્પિટલ ચોક ખાતે રૂા. 84.71 કરોડના ખર્ચે સાકાર થનાર થ્રી આર્મ ઓવરબ્રીજનું ખાત મુહૂર્ત તથા આમ્રપાલી સર્કલ પાસે રૈયા રોડ ખાતે રૂા. 25.54 કરોડના અંદાજિત ખર્ચે તૈયાર થનાર રેલ્વે અન્ડર બ્રીજનું પણ મુખ્યમંત્રીએ ખાત મુહૂર્ત કર્યું હતું.

મુખ્યમંત્રી રૂપાણીએ સ્ટેજ પરથી રૂા. 53.20 કરોડના ખર્ચે રૂડા દ્વારા બનનાર 496 આવાસોના ખાતમુહૂર્ત ડિજિટલ તકતી અનાવરણ દ્વારા કરાવ્યો હતો. આ તમામ વિકાસકામોની વિગતો રજૂ કરતી ડોક્યુમેન્ટ્રી પણ કાર્યક્રમમાં પ્રસારિત કરવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકા અને રૂડા દ્રારા બાલભવન ખાતે યોજાયેલા રૂા. 299.44 કરોડના વિકાસકામોના ખાતમુહૂર્ત કાર્યક્રમનો મુખ્યમંત્રી રૂપાણીએ દિપ પ્રાગટય કરી શુભારંભ કરાવ્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp