સૌરાષ્ટ્રની આ નદીને 11 કિલોમીટર સુધીના નદી પટ વિસ્તારમાં ઊંડી ઉતારાશે

PC: khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગીર સોમનાથ જિલ્લાના બાદલપરામા લોકસેવક ધાનાભાઇ માંડાભાઇ બારડ અને બારડ પરિવાર દ્વારા નિર્મિત લોકસેવાના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે ગીર સોમનાથનું બાદલપરા આજે તેની સુવિધાઓ અને સગવડો અને સામૂહિક વિકાસના સહિયારા પ્રયાસ તથા સમરસતાને લીધે સમગ્ર ગુજરાતને નવી દિશા આપી રહ્યું છે.

અમારી સરકાર વિકાસની રાજનીતિમાં માને છે તેમ કહીને મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગમે તે પક્ષ હોય પણ જો સહિયારા પ્રયાસથી પ્રજાનું કલ્યાણ થતું હોય તેને અમે આવકારીએ છીએ. સૌનો સાથ અને સૌનો વિકાસ તેમજ સમરસ ગ્રામ પંચાયતોને પ્રોત્સાહિત કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાતમાં એક નવી દિશા ચીંધી હતી અને આપણે એ માર્ગે આગળ વધી રહ્યા છીએ.

ગીર સોમનાથનું બાદલપરા વર્ષોથી સંપૂર્ણ સ્વચ્છ અને આદર્શ ગામ છે. ગામમાં લોકોના સહિયારા પ્રયાસથી હરિયાળી છે.પાણીનું જતન થઈ રહ્યું છે. અને ગ્રામ પંચાયતમાં બહેનો બેઠી છે. મહિલાઓનું મેનેજમેન્ટ પાવરફુલ હોય છે તેમ જણાવીને મુખ્યમંત્રીએ બાદલપરામાં જોવા મળતી સુવિધાઓ અને સગવડો અંગે ગ્રામ પંચાયતની બહેનોની ટીમ અને બારડ પરિવારને અભિનંદન આપ્યા હતા. મુખ્યમંત્રીએ બાદલપરા જેવા ગુજરાતના આદર્શ અને મોડેલ ગામોને એક મંચ પર લાવી અન્ય ગામોના હોદ્દેદારો અને લોકો આવા આદર્શ ગામોની મુલાકાત લે અને દરેક ગામોમાં આવી સુવિધા ઊભી થાય તે માટે સહિયારા પ્રયાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

મહાત્મા ગાંધીની ગ્રામોત્થાનની વિચારધારા અને સરદાર વલ્લભભાઈ પટેલની ગામડા પ્રત્યેની આગવી વિચારધારાને સાકાર કરવી છે તેમ પણ જણાવ્યું હતું. શહેરોના લોકોને પણ ગામડામાં રહેવાની ઈચ્છા થાય અને લોકો ગામડા તરફ પણ વળે તેમજ શહેરીકરણ પર ભાર ઘટે તે માટે આપણે લોકભાગીદારીથી સહિયારા પ્રયાસ કરી રહ્યા છીયે અને તે દિશામાં આપણને ચોક્કસ સફળતા મળશે તેવો આશાવાદ પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ વડાપ્રધાનના ફીટ ઇન્ડિયા અભિયાન અને લોકો તંદુરસ્ત જીવનશૈલી અપનાવી બિમાર જ ન પડે તે માટે વેલનેસ અને હેલ્થ સેન્ટર આજની જરૂરિયાત હોવાનુ જણાવ્યું હતું. સૌરાષ્ટ્રના ખેડૂતોમાં અનેરી તાકાત છે તેમ જણાવી તેને પાણી મળે તો દુનિયાની ભૂખ ભાંગી નાખે તેમ કહીને મુખ્યમંત્રીએ હવે આગામી સમયમાં નર્મદાના પાણીથી 115 ડેમ છલકાવી દેવાશે અને આપણે ત્યાં પાણીનો દુકાળ ભૂતકાળ બનશે. ગીરની હિરણ નદીના 11 કિમી વિસ્તારમાંથી પાણીનો કાપ દૂર કરવાનો પ્રોજેક્ટ મંજૂર કરી દેવામાં આવ્યો છે તેમ જણાવી મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તેમાં સરકારને એક પણ પૈસાનો ખર્ચ થવાનો નથી અને કંપનીઓના સહકારથી આ કાર્ય આગામી ઉનાળામાં શરૂ થવાનું છે. આ પ્રોજેક્ટ સફળ થશે તો સમગ્ર ગુજરાતમાં આ રીતે નદીઓને ઉંડી ઉતારવાનું આપણું આયોજન છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

 મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રના આહિર સમાજના ત્રણ લોક સેવક ધાનાભાઇ માંડાભાઇ બારડ , હેમંતભાઈ માડમ અને પેથલજીભાઈ ચાવડાના લોકસેવાના યોગદાનને યાદ કરી તેમના વારસદારો આ લોકસેવાને આગળ ધપાવી રહ્યા છે તેનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે ધાનાભાઇએ સામી છાતીએ ગોળીઓ ઝીલીને પ્રજા માટે જીવન સમર્પિત કરી દીધું હતું. તેઓએ જશુભાઇ બારડને પણ યાદ કરીને હાલ ભગવાનભાઇ બારડ પણ આ સેવા કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટના સાયકલોન સેન્ટરનું ડિઝિટલ તકતીથી ખાત મુહુર્ત કર્યું હતું. આ ઉપરાંત શહિદ ધાનાભાઈ માંડાભાઈ બારડ મેમોરિયલ સેન્ટર, જશુભાઈ બારડ આદર્શગ્રામ બાદલપરા પ્રવેશદ્રાર, રાહુલ રામભાઈ બારડ, આદર્શ ગામ સમાજવાડી, સાર્વજનિક વાંચનાલય અને બાળ ક્રિડાંગણનું લોકાર્પણ કરી આ તમામ પ્રકલ્પોની સુવિધાનું મુલાકાત લઈ નિરિક્ષણ કર્યું હતું. હેલ્થ અને વેલનેશ સેન્ટરનું પણ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે પ્રવાસન અને મત્સ્યોધોગ મંત્રી જવાહર ચાવડાએ કહ્યું કે, બાદલપરા ગામ મહિલા સશક્તિકરણનું આદર્શ ઉદાહરણ છે.

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, વટવૃક્ષ જેવા આ ગામનો છાયો બધાને મળે તે આશા વ્યક્ત કરી શહેરનો નાગરિક અહિયા રહેવા માટે પ્રેરાય તેવું આ ગામ છે. ધારાસભ્ય પુંજાભાઈ વંશ, પુર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને ભાગવત્તાચાર્ય મહાદેવપ્રસાદ મહેતાએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં તાલાળાના ધારાસભ્ય અને બાદલપરાના વતની ભગવાનભાઈ બારડે મુખ્યમંત્રીનું સ્વાગત કરી મોમેન્ટો અર્પણ કર્યો હતો. તેઓએ બાદલપરામાં ઉપલબ્ધ સુવિધાની મુખ્યમંત્રીને જાણકારી આપી સરકારના સાયકલોન સેન્ટર માટે બે વિધા જમીનના ભુમિદાનનો પત્ર મુખ્યમંત્રીને અર્પણ કર્યો હતો. તેઓએ સૌ મહેમાનોને પણ આવકાર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp