હળવદ પાસે કાર કેનાલમાં ખાબકી, પતિ-પત્નીએ બચવા દોરડું પકડ્યું પણ ન બચી શક્યા

PC: DainikBhaskar.com

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. વાહન ચલાવતા સમયે વાહન ચાલકની નાનીએવી ભૂલ પણ પોતાની સાથે-સાથે અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂકી શકે છે. ત્યારે આવી જ એક ઘટના મોરબીમાં સામે આવી છે. આ ઘટનામાં એક દંપતીની કાર રસ્તાન નજીકથી પસાર થતી એક કેનાલમાં ખાબકી હતી. આ ઘટનામાં દંપતીનું મોત થયું હતું.

ગામના લોકોએ દંપતીને બચાવવાના પ્રયાસ કર્યા હતા અને દંપતીએ પણ કારમાંથી બહાર નીકળીને બચવાના ઘણા પ્રયાસ કર્યા હતા પણ તેમના પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.

ત્યારબાદ પોલીસે ફાયરના જવાનોની મદદ લઇને નાળામાં ખાબકેલી કારને બહાર કાઢીને પતિ-પત્નીના મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી. ત્યારબાદ પહેલા પત્નીનો મૃતદેહ મળ્યો અને તેના કલાકો બાદ પતિનો મુતદેહ મળ્યો હતો. ત્યારબાદ પોલીસે બે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. 

રિપોર્ટ અનુસાર હળવદ તાલુકામાં અજીતગઢ ગામ આવેલું છે. આ અજીતગઢ ગામમાં રાહુલ ડાંગર નામનો યુવક તેના પરિવારની સાથે રહેતો હતો. રાહુલના લગ્ન મીતલ આહીર નામની યુવતીની સાથે થયા હતા. રાહુલ તેની પત્ની મીતલની સાથે પોતાની કાર લઇને મેઘપર ગામમાં એક સગાઇના પ્રસંગમાં જઈ રહ્યો હતો. તે સમયે જૂના અને નવા ઘાટીલા નજીકથી પસાર સમયે રાહુલે કારના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. તેથી બેકાબુ બનેલી કાર મંદરકી ગામના નાળા નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં ખાબકી હતી.

કાર કેનાલમાં ખાબક્યા બાદ બંને દંપતીએ કારની બહાર નીકળવાના ઘણા પ્રયાસ કર્યા હતા. મીતલ અને રાહુલ કારની આગળનો કાચ તોડીને બોનેટ પર આવી ગયા હતા. તો કેટલાક લોકોએ દંપતીને બચાવવા માટે દોરડું પણ ઘા કર્યું હતું. એક વખત આ દંપતીએ દોરડું પડકી લીધું હતું. દોરડું પકડાઈ ગયું હોવા છતાં પણ આ દંપતી બહાર આવી શક્યું નહોતું અને બંને પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ત્યારબાદ સ્થાનિક લોકોએ સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા ફાયર ફાયટરો અને પોલીસકર્મી ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.

દંપતીની શોધખોળ દરમિયાન પહેલા કેનાલમાંથી મીતલનો મૃતદેહ મળી આવ્યો હતો અને ત્યારબાદ કલાકોની શોધખોળ બાદ રાહુલનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. આ ઘટનાને લઇને માળીયા પોલીસે મીતલ અને રાહુલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ શરૂ કરી છે. એવી પણ માહિતી મળી રહી છે કે, રાહુલ અને મીતલના લગ્ન 10 મહિના પહેલા જ થયા હતા. દંપતીના મોતને લઇને પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થઇ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp