PM મોદી-CM રૂપાણીએ કરેલા વિકાસ કાર્યો ગણવા બેસીએ તો અઠવાડીયું ઓછું પડેઃ રૂપાલા

PC: facebook.com

કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પરસોત્તમ રૂપાલાએ મોડાસાના લિંભોઇ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાને એક જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર એ વિકાસને વરેલી સરકાર છે. કેન્દ્રમાં ગુજરાતના નરેન્દ્ર મોદીની સરકાર અને રાજ્યમાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર દ્વારા અઢળક જનહિતના અને વિકાસ કાર્યો હાથ ધરાયા છે કે, તેને યોજના સહ વિવરણ કરવા બેસીએ તો અઠવાડીયું પણ ઓછું પડે. દેશની જનતાએ ગુજરાતનો વિકાસ જોઇ અને ગુજરાતને રોલ મોડલ તરીકે મૂકનાર તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશની જનતાએ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્રમાં બે-બે વખત ફર્સ્ટ ક્લાસ સરકાર બનાવી આપી છે.

પરસોત્તમ રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં 70 વર્ષ સુધી કોંગ્રેસ અને યુ.પી.એ.ની સરકારે રાજ કર્યું છે. દેશને ભ્રષ્ટાચારની આગમાં નાંખનાર આ જ કોંગ્રેસ અને યુ.પી.એ.ની સરકાર છે. કોંગ્રેસના જ એક પૂર્વ વડાપ્રધાનએ દિલ્હીમાં એક નિવેદન સ્વરૂપે સ્વિકારેલું છે કે, હું અહીંથી એક રૂપિયો મોકલું છું, તો જનતા સુધી 10 પૈસા જ પહોંચે છે વચ્ચેના 90 પૈસા લાંચ અને ભ્રષ્ટાચારમાં જતાં રહે છે, પરંતુ જ્યારથી કેન્દ્રમાં ગુજરાતના નરેન્દ્ર મોદીએ શાસનની ધુરા સંભાળી છે, ત્યારથી કોઇપણ રાજ્યમાં કોઈ પણ નાગરીકને દિલ્હીથી એક રૂપિયો મોકલવામાં આવે છે, તો જનતા સુધી એક રૂપિયો પૂરો પહોંચે છે. ભ્રષ્ટાચારનું ક્યાંય નામોનિશાન રહ્યું નથી. વચેટીયાઓનો ધંધો બંધ થઇ ગયો છે અને એટલે જ કોંગ્રેસીઓને અને યુ.પી.એ.ના નેતાઓને વડાપ્રધાન દીઠા ગમતા નથી. તેમના દરેક જનહિતના કાર્યોમાં વિઘ્નો નાંખવાનું પાપ કરતા રહે છે.

પરસોત્તમ રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપા શાસીત કેન્દ્રની વર્તમાન સરકાર દ્વારા જેટલાં પણ કાયદાઓ બનાવવામાં આવ્યાં છે, તેમાં કોઇપણ રાજ્ય કે વ્યક્તિને ક્યાંય નૂકશાન પહોંચ્યું નથી. વડાપ્રધાન દ્વારા જે કોઇ પણ કાયદાઓ બનાવવામાં આવ્યા છે, તેમાં પ્રજાહિતને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તાજેતરમાંજ કેન્દ્રની સરકાર દ્વારા લાવવામાં આવેલ ખેડૂતોના કલ્યાણ માટેના ત્રણ કાયદાઓમાં કોઇ પણ ખેડૂતની એંક ઇંચ જમીન પણ કોઇ લઇ જવાના નથી. ખેડૂતોની જણસનો વ્યાજબી ભાવ ખેડૂતોને મળી રહે તે માટે કેન્દ્ર સરકારે ખેડૂતોને એ.પી.એમ.સી. સિવાય ખેડૂત ઇચ્છે ત્યાં પોતાની જણસ વેચી શકે તે માટે છૂટ આપવામાં આવેલી છે. કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલ ખડૂતોના કાયદામાં ક્યાંય એ.પી.એમ.સી. બંધ થઇ જવાની વાત કરવામાં આવેલ નથી.

પરસોત્તમ રૂપાલાએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓને પ્રજાનું હિત શેમાં છે તેની ચિંતા નથી. પરંતુ એક પરિવારના જમાઇને ખેડૂતોની જમીન કેવી રીતે મફતમાં મળી રહે તેની ચિંતા રહ્યાં કરે છે. કોંગ્રેસને પ્રજાની સુખાકારી કેવી રીતે વધારી શકાય તેની ચિંતા નથી, પરંતુ એક પરિવારની સુખાકારી દિન પ્રતિદિન કેવી રીતે વધારી શકાય તેમાં છે. જ્યારે વર્તમાન કેન્દ્રની અને રાજ્યની સંવેદનશીલ સરકાર ગ્રામ પંચાયતના ખાતામાં ડીબીટી મારફતે પૈસા જમાં કરાવી ગામનો મહત્તમ વિકાસ કેવી રીતે કરી શકાય તેની ચિંતા સતત કરતી રહી છે. પરસોત્તમ રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે, કોઇના લગ્ન પ્રસંગે આપણે ગયા હોઇએ તો છોકરાને જોઇને ચાંદલો કરતાં નથી પણ આમંત્રણ કેવી રીતે આપવામાં આવેલ છે, તે જોઇને ચાંદલો કરીએ છીએ, બસ એવી જ રીતે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ઉમેદવારને જોઇને નહીં પણ પક્ષ અને પક્ષની કામગીરીને જોઇને ભાજપા તરફી વધુમાં વધુ સાગમટે મતદાન કરવા અપીલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp