કર્ણાટકના રાજ્યપાલ અને ગુજરાતના મુખ્યમંત્રીના શહેરમાં 100 કરોડનું જમીન કૌભાંડ

PC: reckagri.com

કર્ણાટકના રાજ્યપાલ અને રાજકોટના રાજકારણી વજુભાઈ વાળા ઉપર એક વખત કોંગ્રેસે વિધાનસભામાં આરોપ મૂક્યો હતો કે તેઓ ગુજરાતના સૌથી મોટા બિલ્ડર છે અને વડોદરાનો પેલેસ ખરીદવા માટે વાતચાત કરી રહ્યાં છે. ત્યારે વજુભાઈ વાળાએ વિધાનસભામાં કોંગ્રેસના એક નેતાને સીધો પડકાર આપ્યો હતો કે ગુજરાતમાં એક પણ જગ્યાએ મારા નામે જમીન હોય તો તમે બતાવો અને સાબિત કરો. મારી પાસે ક્યાંય કોઈ જમીન નથી. કોંગ્રેસના એ નેતાએ રાજકોટમાં જમીનો અને બિલ્ડિંગોના સંદર્ભમાં પૂછ્યું હતું. તે આરોપો તો કોંગ્રેસ સાબિત કરી શકી ન હતી. પણ હવે ખરેખર તો રાજકોટમાં ભાજપના બીજા એક નેતાએ રૂ. 100 કરોડની જમીનનું મસમોટું કૌભાંડ આચર્યું હોવાની વિગતોનો પર્દાફાશ થયો છે.

પડધરી ગિરાસદારના વારસદારને રાજકોટના કોઠારિયા પાસે હાઈવે પરની 51 એકર જમીન સરકારે ભેટ આપી છે. જેમાં એક જમીન દલાલની મહત્ત્વની ભૂમિકા છે, જેમણે ભાજપના એક મહિલા નેતાની મદદ લઈને આ કૌભાંડ આચર્યું છે. જેમાં ગાંધીનગરની ભરપૂર મદદ મળી છે. DILR કચેરીએ રાજકોટ કલેક્ટરના આદેશ બાદ આ જમીન આપી દેવા અસાધારણ ઝડપ રાખી હતી. 2, ફેબ્રુઆરી 2018ના રોજ લોઠકામાં સરવે નંબર 167(9)ની 2,06,391 ચોરસ મીટર જમીન કલેક્ટર કચેરીએ માપી આપી હતી. જે 30 દિવસમાં ગાંધીનગરથી મંજૂરી સાથે ફાઈલ રાજકોટ પહોંચી હતી. સરકારે તેનો ભાવ રૂ. 24 નક્કી કરવો જોઈતો હતો પણ વસુલાત માત્ર રૂ. 1ના ટોકન ભાવથી કરી છે. આ સમગ્ર મામલે ગેરકાયદે આપેલી જમીન અંગે રામોદના મનસુખ રાઠોડ નામના માણસે આત્મવિલોપન કરવાની ચેતવણી આપવી પડી છે.

કલેક્ટર આ અંગે શું કરવા માગે છે તે તેમણે કંઈ કહ્યું નથી. આ જમીન પર થોડા દિવસથી ઔદ્યોગિક પ્લોટ અને શેડ બનાવવાનું કામ પણ ઝડપથી શરૂ કરી દઈને તેને વેચવાની જાહેરાત કરી દેવામાં આવી છે. જમીનનો હેતુ ફેર પણ થઈ રહ્યો છે. છેલ્લાં 60 વર્ષથી આ જમીન અંગે કાયદાકીય લડાઈ ચાલતી રહી હતી. પણ પછી તે જમીન અંગે સરકારમાં ફાઈલ રજુ કરતાં જ તેને ફટાફટ મંજૂરીઓ મળવા લાગી હતી. હવે તે જમીન પર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પણ બની ગયો છે. ઊંચા ભાવે તે વેચાઈ રહ્યો છે. રામોદ ગામના સુરેશ ગોવિંદ રાઠોડ નામના વ્યક્તિએ લડત શરૂ કરી છે અને જેમાં ભાજપના નેતાઓ, ટોચના અધિકારીઓ અને ગાંધીનગરથી ગામડાં સુધીના કર્મચારીઓ અને રાજકીય કાર્યકરો આ મોટા કૌભાંડમાં સંડોવાયેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp