...જ્યારે અમરેલીમાં કાછડીયાને ઊભી પૂંછડીયે ભાગવું પડ્યું

PC: Khabarchhe.com

અમરેલીનાં સાંસદ નારણભાઈ કાછડીયાએ ચૂંટણી આવતા પોતાના મત વિસ્‍તારનો પ્રવાસ શરૂ કર્યો છે. તેઓએ જનતા અને ભાજપના કાર્યકરોની વેદના સાંભળવાનું શરૂ કર્યું છે, પણ તેઓએ ભાજપમાં સાચો અવાજ રજૂ કરનાર ભાજપના કાર્યકરોને સાથે રાખતાં હોવાથી તેમની સામે વિરોધ શરૂ થયો છે. ભાજપના નેતાઓએ આવા કાર્યકરોનો અવાજ સાંભળવાના બદલે તેમને બળવાખોર જાહેર કરી દીધા છે, તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. ત્યારે લોકો પૂછે છે કે, પ્રજાનો અવાજ જાણવા આવો છો ત્યારે પહેલાં ભાજપના સાચા કાર્યકરોનો અવાજ તો જાણો. કાછડીયાએ જાફરાબાદનાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં જઈને લોકોની ખબર પૂછી હતી. બધા એક જ અવાજે કહેતાં હતા કે તેમનો કૃષિ પાક નિષ્ફળ ગયો છે તેથી તેનો વીમો ઉતરાવેલો હોવા છતાં વીમા કંપની વીમો મંજૂર કરતી નથી.

સાંસદે આભાર માન્યો અને બધી બેઠકો ગઈ

11 ડિસેમ્બર 2017ના દિવસે વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂરું થયું અને અમરેલીના સાંસદ કાછડીયાએ અમરેલી સંસદીય મત વિસ્‍તારની સાતેય વિધાનસભાની બેઠકો ઉપર મતદારોનો આભાર માન્યો હતો. તેમણે જાહેર કર્યું હતું કે, અમરેલી સંસદીય મત વિસ્‍તારની અમરેલી કુંકાવાવ, ધારી બગસરા ખાંભા, સાવરકુંડલા લીલીયા, લાઠી બાબરા, રાજુલા જાફરાબાદ, મહુવા અને ગારીયાધાર જેસર એમ સાતેય વિધાનસભા સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભવ્‍ય વિજય થશે. પણ ભાજપ અમરેલીની તમામ બેઠક હારી ગયું હતું ત્યારે લોકો કહેતાં હતા તે અમરેલી ભાજપ મુક્ત થઈ ગયું છે.

રોષ જોઈ તુરંત વીમો આપવા કહ્યું

અમરેલી જિલ્‍લામાં ઓછા વરસાદને પાકો નિષ્‍ફળ ગયા છે. તેથી અમરેલી જિલ્‍લાને અસરગ્રસ્‍ત જાહેર કરવાની માંગણી નારણ કાછડીયાએ મુખ્‍યમંત્રી વિજય રૂપાણી, કેન્‍દ્રીય કૃષિ મંત્રી પરશોતમ રૂપાલાને કરી હતી. તેમ છતાં હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. તેથી લોકો એવું કહી રહ્યા છે કે, સાંસદનું જો કંઈ ઉપજતું ન હોય તો પછી ખેડૂતો શું વિસાતમાં.

મગફળી અને કપાસના વાવેલા મોંઘા ભાવના બીયારણ મોટા ભાગના વિસ્તારમાં બે વખત ઉગીને બળી ગયા હતા. છેલ્લા એક વરસાદની ખેંચથી લીલો પાક સાફ થઈ ગયો. ખેડૂતોએ જોયેલું સ્‍વપ્‍ન ધુળધાણી થઈ ગયું. સુકાતા પાક માટે પાણી નથી. કપાસ અને મગફળીનો પાક 90 % નિષ્‍ફળ ગયો હતો. 10 ટકા ખેડૂતોને પાક થયો તેના ભાવ નથી અને 50 ટકા ઉત્પાદન થયું છે. ઘાસ નથી. દુષ્કાળ જાહેર કરવા ખેડૂતો સાંસદ પર દબાણ વધારી રહ્યાં છે.

ઓડિયો સાંભળે છે

ખેડૂતના દેવા માફી અને અલ્પેશ કથીરિયાની મુક્તિ, અનામત મુદ્દે અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયા અને નરેશ વિરાણી (ખેડૂત સમાજ)ની વાતચીતનો ઓડિયો સમગ્ર અમરેલીમાં વાયરલ થયો હતો. જ્યારે સાંસદ ગામમાં આવવાના હોય ત્યારે લોકો તે ઓડિયો સાંભળે છે. જેમાં નારણ કાછડીયાએ જવાબ આપ્યો હતો કે, હાર્દિક પટેલ અને અનામત માટે તમે મહેનત કરો એમાં અમારે કઈ કરવાનું નથી. ખેડૂતોના દેવા માફી, અનામતના મુદ્દે અને અલ્પેશ કથિરીયાની મુક્તિ માટે તમે શું કરવા માંગો છો. આટલું બોલતા જ નારણભાઇ બોલી ઉઠ્યા હતા કે, તમે મહેનત કરો અમારે કંઇ નથી કરવાનું.

દેશ દ્રોહી પ્રવૃત્તિ, પછી મૌન બની ગયા

અમરેલીના પીપાવાવ બંદર અને કસ્ટમ અને જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા મીલીભગતથી આંતરરાષ્ટ્રીય દેશદ્રોહી પ્રવૃત્તિ થાય છે, પારાવાર ગેરરીતિ થાય છે, એવો આરોપ સાંસદે મુક્યો હતો. ભાજપની કેન્દ્ર સરકારના DRI દ્વારા દરોડો પાડ્યા બાદ તેમાં બહુ મોટી લેવડદેવડ થઈ હોવાનો તેમણે આરોપ મૂક્યો હતો. પીપાવાવ બંદરમાં કરોડો નહીં અબજો રૂપિયાના માલસામાનની આંતરરાષ્ટ્રીય હેરાફેરી થાય છે. કસ્ટમ વિભાગમાં બીજા કોઈને એન્ટ્રી નથી. પ્રેસ મીડીયાને પણ નહીં આને કારણે દેશની સુરક્ષા માટે મોટો ગંભીર ખતરો ઉભો થયો છે. થોડા સમય પહેલા ત્રણ ચાઈનીઝ માણસો પકડાયેલ હતા. દેશના ખતરાની ઘંટી વાગી હતી પણ આ માલખાઉ ઓફિસર દલાલો ભારત દેશને વેચી નાખશે. જો તેની ઉપર કાર્યવાહી નહીં કરવામાં આવે તો અને આ ચાઈનાની 4 વ્યક્તિ કોણ હતી અને તે કોના દ્વારા પીપાવાવ બંદર સુધી આવી હતી તેનો જવાબ માંગ્યો હતો. પણ આજ સુધી સાંસદે તા જાહેર કર્યો નથી. પીપાવાવ બંદર ગૌચરની જમીનમાં દબાણ કરી ભાડાની મોટી રકમ પણ વસૂલ કરે છે એવો આક્ષેપ પણ કર્યો હતો.

ઊભી પૂંછડીયે કાછડીયા ભાગ્યા

અમરેલીના ધારી તાલુકાના દેવળા ગામે ઉજ્જવલા યોજનાની ગેસકિટના વિતરણ કાર્યક્રમને સાંસદ કાછડીયાએ પોતાની વાહવાહ ભાષણમાં શરૂ કરતાં ગરીબ મહિલાઓએ ઉગ્ર વિરોધ ચાલુ કર્યો હતો. મહિલાઓએ ખેતીના પોષણક્ષમ ભાવ ન મળતાં હોવાનું કહી હોબાળો મચાવતા સાંસદ તથા ભાજપના આગેવાનોએ કાર્યક્રમ અધવચ્ચે જ છોડી ઊભી પૂંછડીએ જતા રહેવું પડ્યું હતું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે આજે ગામના લોકો જૂએ છે અને મોજમસ્તી કરે છે. પોલીસે શાંત પાડવાની કોશિશ કરી પણ લોકો શાંત થયા ન હતા. કાછડીયાએ એવું જુઠાણું ફેલાવ્યું હતું કે આવો કોઈ બનાવ બન્યો નથી. પણ વીડિયો તો તેમના જુઠનો પર્દાફાશ કરે છે. 

રેલવે લાઈન લાવ્યા

અમરેલી જિલ્લામાં બ્રોડગેજ રેલવે લાઈન માટે રૂ.1980 કરોડ મંજૂર કરાવી લાવ્યા છે. જેનાથી પાંચ રેલવે લાઈન બ્રોડગેજમાં પરિવર્તીત થશે. પણ તે કામ આજ સુધી શરૂ થયું નથી અને જો ચૂંટણી પહેલાં શરૂ નહીં થાય તો સાંસદ બહાર નીકળી નહીં શકે એવો માહોલ છે. વચન આપો છો તો તે પૂરું કરો એવો લોકો સ્પષ્ટ પણે કહી રહ્યાં છે. તેઓ ફ્રી રોગ નિદાન કેમ્પમાં નિયમિત હાજર રહે છે. પણ અમરેલીને સારી હોસ્પિટલ મળે તે માટે કોઈ પ્રયાસ કરતાં નથી. અમરેલી એક ગામડું બની ગયું છે. હીરા ઉદ્યોગની મંદી પરેશાન કરે છે. GSTની આંટીઘૂંટીના કારણે વેપારીઓ હેરાન થઈ રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp