26th January selfie contest

અંધશ્રદ્ધાએ મોત દીધું, વળગાડ ઉતારવા 3 સંતાનોની માતાની સાંકળ-ધોકા મારી હત્યા કરી

PC: webdunia.com

સમાજમાં ભલે ડિજિટલ યુગની શરૂઆત થઈ હોય પણ અંધશ્રદ્ધાનો અંત થયો નથી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામઢી ગામે મેલી વિદ્યાના વહેમમાં વહેલી સવારે એક મહિલાનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું છે. સાંકળ અને ધોકા વડે બેફામ માર મારીને, ગરમ લાકડાંના ડામ દઈને ક્રુર હત્યા કરવામાં આવી છે. જેના કારણે સમગ્ર ઓખામાં ચકચાર મચી ગઈ છે. આવું કરવામાં મૃતકના પરિવારજનો સહિત પાંચ વ્યક્તિની સંડોવણી હોવાનું સામે આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે.

આ ઉપરાંત એક ભુવા સહિત અન્ય આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી દીધી છે. દેવભૂમિ દ્વારકાના ઓખામઢી ગામે એક માતાજીના મંદિર પાસે વહેલી સવારે રમીલાબેન વાલાભાઈ સોલંકી (ઉં.વ. 25) નામની પરિણીતાને કોઈ વળગણ છે એવું પરિવારજનો માનતા હતા. જે દૂર કરવા માટે 'મેલું કાઢવા' માટે તેનાં પરિવારજન અને ભૂવાઓ સહિતના લોકો સાંકળ અને ધોકા સાથે આવી ચડ્યા હતા. મહિલાને માર મારી શરીરે ગરમ લાકડાંના ડામ દેતાં ગંભીર ઇજાઓ થઈ હતી. જેના કારણે રમીલાબેનનું મૃત્યું થયું હતું. જેથી આ બનાવ હત્યામાં પલટાયો હતો. આ કેસની જાણ થતા પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો હતો. પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, આ હત્યા કરવામાં એમના જ પરિવારજનોની સંડોવણી છે. પોલીસે પાંચ વ્યક્તિ સામે ગુનો નોંધીને તપાસ ચાલું કરી છે. બીજી બાજું ખોટી અંધશ્રદ્ધાને કારણે ત્રણ બાળકોની માતાએ જીવ ગુમાવ્યો છે. ગ્રામ્ય પંથકમાં ઈન્ટરનેટ અને સ્માર્ટફોન જેવા આધુનિક ઉપકરણ આવ્યા પણ અંધશ્રદ્ધાનો સૂર્યાસ્ત થયો નથી.

અંધશ્રદ્ધાને કારણે પરિવારે એક વ્યક્તિ કાયમી ધોરણે ગુમાવી છે. જ્યારે પોલીસ ટીમ આ ભુવા અને પરિવારના કેટલાક લોકોને શોધી રહી છે. ઘટના સ્થળેથી બળી ગયેલા લાકડા અને સાંકળ તથા ધોકો મળી આવ્યો હતો. આ કેસમાં મહિલાને ગરમ સળીયાથી ડામ દેવામાં આવ્યા હોવાની વિગત પણ મળી રહી છે. પોલીસે કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવાનું પણ શરૂ કરી દીધું છે. ખાસ કરીને ગ્રામ્ય પંથકમાં જ્યારે કોઈને કોઈ સમસ્યા કે મુશ્કેલી ઊભી થાય છે ત્યારે કોઈ વૈજ્ઞાનિક અભિગમ સ્વીકારવાને બદલે અભણ અને અબુધ પ્રજા ભુવા પાસે દોડે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp