કુલપતિની નફટ્ટાઇ, કહ્યું-વિદ્યાર્થિનીઓએ માસિક ધર્મ હોવાની કબૂલાત નહોતી કરી

PC: khabarchhe.com

આજકાલ ચારે બાજુ ભૂજ સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટની ચર્ચા ચાલી રહી છે, જ્યાં ઇન્સ્ટિટ્યૂટ દ્વારા છોકરીઓના માસિક ધર્મની તપાસ કરવા માટે કપડા કઢાવવામાં આવ્યા હતા. આ ઘટના બાદ બધી બાજુથી સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢવામાં આવી હતી. પરંતુ સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટની નફ્ફટાઇ હજુ પૂરી થઇ નથી. આજે શરમજનક નિવેદન આપતા યુનિવર્સિટીના ઇન્ચાર્જ મહિલા કુલપતિએ કોલેજના બચાવમાં કહ્યું હતું કે, તપાસ કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થિનીઓનો વાંક સામે આવ્યો છે, તેમણે માસિક ધર્મ હોવાની કબૂલાત કરી નહોતી, આ હોસ્ટેલના નિયમોનો મામલો છે.

The Sahjanand Girls' Institute

છોકરીઓના પીરિયડ્સ ચેક કરનારી ભૂજની સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટ સામે NCWએ તપાસ સમિતિ રચી

ગુજરાતની સહજાનંદ  ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં છોકરીઓના માસિક ધર્મની તપાસ કરવાને લઇને આખા દેશમાં હોબાળો મચ્યો છે. ત્યારે નેશનલ કમિશન ઓફ વુમન(NCW)એ આ મામતે સંજ્ઞાન લીધું છે. NCWએ આને પરેશાન કરનારી ઘટના કહી હતી અને આની તપાસ માટે એક તપાસ સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી, જે કોલેજ હોસ્ટેલની મુલાકાત લેશે. સાથે જ છોકરીઓને આવી ઘટનાઓ પર આગળ આવીને બોલવા માટે પ્રોત્સાહિત કરી હતી.

ભૂજની સહજાનંદ ઈન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓના કપડા ઉતારી કરાઈ માસિક ધર્મની તપાસ

કચ્છના ભૂજ શહેરમાં આવેલી સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓના કપડાં ઉતારીને તેમના માસિક ધર્મ અંગે તપાસ કરવામાં આવતા ચકચાક મચી ગઈ હતી. આ મામલે વિદ્યાર્થીનીઓએ વિરોધ નોંધાવતા તેમને કોલેજ સંચાલકો દ્વારા કોલેજ છોડીને જતા રહેવાની તેમજ જે થાય તે કરી લેવાની ધમકી પણ આપવામાં આવી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ મામલે વિદ્યાર્થીનીઓએ વિરોધ નોંધાવી સંચાલકો સામે કડક કાર્યવાહીની માગ કરી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, કચ્છના ભૂજમાં સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટ્યૂટ આવેલી છે, આ કોલેજમાં હજારો વિદ્યાર્થીનીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે. આ કોલેજમાં તેમજ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓ પાસે માસિક ધર્મને લઈને કડક નિયમોનું પાલન કરાવવામાં આવે છે. દરમિયાન બુધવારે, વિદ્યાર્થીનીઓએ ચાલુ ક્લાસમાંથી બહાર લોબીમાં બેસાડવામાં આવી હતી અને તેમને માસિક ધર્મ ચાલુ છે કે નહીં તે અંગે તપાસ કરવા માટે તેમને બાથરૂમમાં લઈ જઈ તેમના કપડાં ઉતારીને તપાસ કરવામાં આવી હતી.

આ અંગે વિદ્યાર્થીનીઓએ વિરોધ કરતા સંચાલકોએ વિદ્યાર્થીનીઓ સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને તેમને કહ્યું હતું કે, જો તમારે વિરોધ જ કરવો હોય તો તમે કોલેજ અને હોસ્ટેલ છોડીને જઈ શકો છો. સંચાલકોએ વધુમાં કહ્યું હતું કે, ભવિષ્યમાં પણ આવી તપાસ થશે. જેમને ભણવું હોય એ રહે અને બાકીના ઘરે જઈ શકે છે. આ ઉપરાંત, સંચાલકોએ વિદ્યાર્થીનીઓને જે થાય તે કરી લેવાની વાત પણ કહી હતી.

જોકે, વિદ્યાર્થીનીઓએ સંચાલકોની આવી વાતથી ન ડરતા વિરોધ કર્યો હતો. આથી વાત વણસતી જોઈ સંચાલકોએ કેટલીક વિદ્યાર્થીનીઓને ઓફિસમાં બોલાવી તેમને ઈમોશનલી બ્લેકમેલ કરી હતી અને તેમની પાસેથી વિરોધ ન કરવા અંગે લખાણ પણ લઈ લેવામાં આવ્યું હતું. સાથે જ વિદ્યાર્થીનીઓને એવું પણ કહેવામાં આવ્યું હતું કે, જો તમને અમારા પ્રત્યે લાગણી હોય તો આવું ન કરો અને પગલાં લેવાની વાત ના કરો.

આ અંગે વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, ઈન્સ્ટિટ્યૂટમાં ભણતી અને હોસ્ટેલમાં રહેતી તમામ વિદ્યાર્થીઓ સંસ્થાના તમામ નિયમોનું પાલન કરે છે અને જો તેઓ નિયમ તોડે તો તેમને સજા આપવામાં આવે છે. સાથે જ વિદ્યાર્થીનીઓ સંચાલકો દ્વારા બનાવવામાં આવેલા માસિક ધર્મના નિયમનું પણ પાલન કરે છે. તેમ છતા તેમને આ બાબતે માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. આથી, વિદ્યાર્થીનીઓ સંચાલકો વિરુદ્ધ કડક પગલાંની માગણી કરી રહી છે. સાથે જ વિદ્યાર્થીનઓએ કહ્યું હતું કે, અમે સંચાલકો સામે વિરોધ પ્રદર્શન કર્યું છે અને થોડાં જ દિવસમાં અમારું રિઝલ્ટ આવવાનું છે, તો અમને આ વાતની અમારા રિઝલ્ટ અને કરિયર પર અસર થવાની બીક સતાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp