દારૂના વેચાણ થવા બાબતે SPને ફરિયાદ કરતા મહિલા બુટલેગરે સરપંચને ફટકાર્યો

PC: youtube.com

એક તરફ સરકાર દ્વારા રાજ્યમાં દારૂબંધીની વાત કરવામાં આવે છે, પણ શું રાજ્યમાં ખરેખર દારૂબંધીનું પાલન થાય છે ખરું? કારણ કે, અવાર નવાર બુટલેગરોની દાદાગીરીના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. કેટલીક વાર બુટલેગર પોલીસ પર કાર ચડાવી દેવાના પ્રયાસ કરે છે. તો કેટલીક વાર તેના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરનારા ફરિયાદીને માર મારે છે, ત્યારે આ પ્રકારનો એક કિસ્સો ઉનામાં સામે આવ્યો છે. એક મહિલા બુટલેગરે ગામના સરપંચને માર માર્યો હતો. સરપંચનો વાંક માત્ર એટલો જ હતો કે, તેમને મહિલા દારૂનું વેચાણ કરતી હોવાની અરજી પોલીસમાં આપી હતી.

એક રિપોર્ટ અનુસાર ઉના તાલુકામાં આવેલા ભીંગરણ ગામમાં રહેતા સરપંચ જેન્તી સોલંકી દ્વારા તેમના વિસ્તારમાં દારુનું વેચાણ થતું હોવાનું એક અરજી SPને આપવામાં આવી હતી. આ બાબતે મૂળ ભીંગરણ ગામની અને કોબ ગામમાં રહેતી લાલુ નામની મહિલા બુટલેગરને જાણ થતા તેને પોતાના કેટલાક સાગરીતો સાથે મળીને સરપંચ જેન્તી સોલંકી સાથે બોલાચાલી કરીને જેન્તી સોલંકીને માર માર્યો હતો. જેન્તી સોલંકી સવારના સમયે પંચાયત ઓફીસમાં બેઠા હતા, તે સમયે મહિલા બુટલેગર લાલુ અને કેટલીક મહિલાઓ પંચાયત ઓફીસની બહાર આવીને ગમે તેવા શબ્દો અને ગાળો બોલવા લાગી હતી.

સરપંચ જેન્તી સોલંકીએ ગાળો ન બોલવાનું કહેતા મહિલા બુટલેગર અને તેની સાથે આવેલી મહિલાઓએ સરપંચ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં સરપંચને માથાના ભાગે પથ્થર વાગતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. તેથી તેમને ગામના લોકો દ્વારા નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ આ મહિલા બુટલેગરના ભાઈને સરપંચ જેન્તી સોલંકી સાથે ગામના રસ્તા બાબતે માથાકૂટ થઇ હતી અને આ માથાકૂટ થયા પછી જ સરપંચ દ્વારા દારૂના વેચાણની અરજી કરવામાં આવી હતી. આ બંને વાતની અદાવત રાખીને મહિલા બુટલેગરે સરપંચને માર માર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp