હળવદમાં સાવકી માતાએ બાળકને કેનાલમાં ધક્કો માર્યો, નવમા દિવસે મૃતદેહ મળ્યો

PC: news18.com

મોરબીના હળવદમાં એક સાવકી માતાએ માનવતાને નેવે મૂકી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સાવકી માતાએ પુત્રને કેનાલમાં ધક્કો મારી દીધો હતો અને નવ દિવસ બાદ કેનાલમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળક ગુમ થવા મામલે બાળકના પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી પરંતુ મોરબી પોલીસે સમગ્ર મામલે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, બાળકને કેનાલમાં ધક્કો મારી સાવકી માતાએ તેની હત્યા કરી હતી. પોલીસની પૂછપરછમાં બાળકની સાવકી માતાએ બાળકને ધક્કો માર્યો હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે બાળકની સાવકી માતા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર હળવદ મોરબી ચોકડી નજીક આવેલા ક્રિષ્ના પેકેજીંગની એક ઓરડીમાં રહેતા જયેશ ખોડીયા ડ્રાઇવિંગ કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. જયેશ ખોડીયા તેમના બે પુત્રો ધ્રુવ, શિવમ અને પત્ની ભાવિશા સાથે રહે છે. જયેશ ખોડીયાએ ભવિશા સાથે બીજા લગ્ન કર્યા છે અને ધ્રુવ તેમની પહેલી પત્નીનો પુત્ર છે અને ભાવિશા ધ્રુવની સાવકી માતા છે. 6 ઓક્ટોબરના રોજ જ્યારે સવારે સાડા અગિયાર વાગ્યે ધ્રુવ પોતાના ભાઈ શિવમ સાથે રમતો હતો ત્યારે એકાએક તે ગુમ થઈ ગયો હતો. પિતાએ પુત્રની શોધખોળ કરી પરંતુ તે મળ્યો ન હતો. જેના કારણે જયેશ ખોડીયાએ સમગ્ર મામલે ધ્રુવનું અપહરણ થયુ હોવા બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

જેથી પોલીસે જયેશ ખોડીયાની ફરિયાદ લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસને તપાસ દરમિયાન ધ્રુવની સાવકી માતા ભાવિશા પર શંકા જણાઈ હતી. જેના કારણે પોલીસ ભાવિશા પર પોલીસ નજર રાખી રહી હતી. સમગ્ર મામલે ઘટનાના થોડા દિવસ પછી પોલીસે જ્યારે ભાવિશાની પૂછપરછ કરી ત્યારે તેને ધ્રુવના અપહરણની વાત ઉપજાવી હોવાની કબુલાત કરી હતી. તેને જણાવ્યું હતું કે, તે જ્યારે પેકેજીંગના કારખાના નજીક ધ્રુવની સાથે પસાર થઈ રહી હતી. ત્યારે તેને ધ્રુવને કેનાલમાં ધક્કો મારી દીધો હતો.

સાવકી માતાએ ધ્રુવને કેનાલમાં ધક્કો માર્યો હોવાની જાણ પોલીસને થતા તેમણે ફાયર બ્રિગેડ અને તરવૈયાઓની મદદથી કેનાલમાંથી બાળકની શોધખોળ શરૂ કરી હતી. પોલીસની શોધખોળ દરમિયાન ફક્ત બાળકના કપડા મળ્યા હતા અને નવમા દિવસે ધ્રુવનો મૃતદેહ ધાંગધ્રાની બ્રાન્ચ કેનાલમાંથી મળી આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે ધ્રુવને મોતને ઘાટ ઉતારી દેનારા તેની સાવકી માતા ભાવિશાની ધરપકડ કરી. તેના વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp