મોરબીમાં કોરોના ટેસ્ટ વધારવા અને રિપોર્ટ 24 કલાકમાં આપવા BJPના બે નેતાની રજૂઆત

PC: punekarnews.in

રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ બાદ સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને સુરત બાદ હવે સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, જુનાગઢ અને અમરેલી સહિતના વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે રાજ્યના આરોગ્ય વિભાગ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યો છે. તો બીજી તરફ ભાજપના નેતાઓ દ્વારા જિલ્લા કલેકટરને પત્ર લખી તેમના વિસ્તારમાં કોરોનાની મહામારીના કારણે વધુ સક્રિય કામગીરી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં કોરોનાની મહામારી વચ્ચે કોરોનાના ટેસ્ટ વધારવામાં આવે તેવી માંગ ભાજપના જ બે નેતાઓ દ્વારા જિલ્લા કલેકટરને પત્ર લખીને કરવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજી ગડારા અને પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જિલ્લા કલેકટરને પત્ર લખ્યો છે અને તેમને પત્રમાં માંગ કરી છે કે, કોરોનાના દર્દીઓની સારવાર અને તપાસ માટે હેલ્પલાઇનની સુવિધા ઉપલબ્ધ કરાવવી, મોરબીમાં કોરોના ટેસ્ટિંગમાં વધારો કરવો, આ ઉપરાંત કોરોના પોઝિટિવ દર્દીનો રિપોર્ટ 48 કલાકની જગ્યા પર 24 કલાકમાં આપવામાં આવે તેવી રજૂઆત ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવી છે.

આ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં વધુ સુવિધા ઉભી કરવી, એન્ટિજન રેપિડ કીટ વધારે ઉપલબ્ધ કરાવવી અને સરકારી હોસ્પિટલોમાં ફિઝિશિયન એનએથેસિસ્ટની જગ્યા ત્વરિક ભરવાની માગ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, અનલોક 1અને 2 બાદ રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના કેસ વધતા મોરબી અને જૂનાગઢમાં લોકડાઉન કરવા અંગે ધારાસભ્ય દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી. તો બીજી તરફ સૌરાષ્ટ્રના કેટલાક ગામડાના લોકો સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય લઈને કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે તંત્રને મદદ રૂપ પણ થઈ રહ્યા છે.

મોરબી જિલ્લામાં હાલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 341 પર પહોંચી ગઇ છે. તો બીજી તરફ કોરોના પોઝિટિવ દર્દીઓના નામ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતા નથી. જેના કારણે કોરોના પોઝિટિવ દર્દીઓના નામ જાહેર કરવામાં આવે અને વધારે ટેસ્ટિંગ કરવામાં આવે તે બાબતે શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજી મહેતા દ્વારા પણ આ બાબતે તંત્રને રજૂઆત કરવામાં આવી હતી.

લાલજી મહેતાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 341 થઈ ગઈ છે. ત્યારે કોરોનાને કાબુમાં લેવા પ્રથમ તો પોઝિટિવ દર્દીઓના કેસ આવે છે, તેમના નામ જાહેર કરવામાં આવે. જેથી જેટલા પણ વ્યક્તિઓ કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હોય તેઓ પોતાનું ટેસ્ટિંગ કરાવે અને જો આમ નહીં કરવામાં આવે તો કોરોના કેસમાં વધારો થશે તે નિશ્ચિત છે. આ લોકડાઉન ખુલતા પ્રજા પર નિયંત્રણ ઊઠી ગયું છે અને લોકો ગાઈડલાઈનનું પાલન કરતા નથી. તેવા સમયે કોરોનાને કાબુમાં લેવા માટે ઠોસ પગલા લેવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp