26th January selfie contest
BazarBit

વીડિયોઃ વાયુ વાવાઝોડાની અસર, ઓલપાડ અને સોમનાથમાં ઉડી ધૂળની ડમરીઓ

PC: youtube.com

સુરતના ઓલપાડમાં વાયુ વાવાઝોડાની અસર દેખાઈ રહી છે. ઓલપાડના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ભારે પવનની સાથે ધૂળની ડમરીઓ ઊડી હતી. ઘટનાને પગેલે NDRFની ટીમ ઓલપાડમાં તહેનાત કરી દેવામાં આવી હતી. ઓલપાડ ઉપરાંત સુરતના વરાછા, કતારગામ, વેસુ, અડાજણ જેવા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વાયુની વાવાઝોડાની અસર રાજ્યમાં અલગ અલગ જગ્યા પર જોવા મળી રહી છે. કેટલીક જગ્યા પર વરસાદ પડી રહ્યો છે. તો કેટલીક જગ્યા પર ભારે પવન ફુંકાઈ રહ્યો છે. તો કેટલીક જગ્યાઓ પર ભારે પવનની સાથે વરસાદ પડી રહ્યો છે.

વાયુ વાવાઝોડાના કારણે સુરતના તંત્ર દ્વારા 21 ગામોમાં એલર્ટ આપીને સ્થાનિક લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા તમામ તલાટીઓની રજા કેન્સલ કરીને તેમને ફરજ પર હાજર રહેવાના હુકમ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓલપાડ પ્રાંત અને ટી.ડી.ઓને પણ રાત્રે હાજર રહેવા જણાવાયું છે. તંત્ર દ્વારા લોકોની જાગૃતિ માટે દરિયા કાંઠે ન જવા માટેના પોસ્ટરો લગાડવામાં આવ્યા છે.

ઓલપાડ તાલુકાના દરિયા કિનારાના વિસ્તારોમાં NDRF અને SRPની ટીમને તહેનાત કરવામાં આવી છે. આ વિસ્તારના 1,672 લોકોને સ્થળાંતર કરવાની કામગીરીના ભાગરૂપે 12 સરકારી શાળાઓના શિક્ષકોને હેડ ક્વાટર્સ ન છોડવા માટેનું સુચન કરવામાં આવ્યું છે. આ વાવાઝોડાની વધારે અસર ઓલપાડ તાલુકાના ટુંડા, ડભારી, છીણી, મોરભગવા, દાંડીમાં જોવા મળશે.આ ઉપરાંત, સુરતમાં આવેલા ડુમસના દરિયા કિનારા પર આવેલા ગણેશ અને ગોલ્ડન બીચની સાથોસાથે ઉભરાટ બીચને સહેલાણીઓ માટે 15 તારીખ સુધી બંધ કરવામાં આવ્યા છે. ‘વાયુ’ના પગલે સુરક્ષા અને ઈમરજન્સીની દૃષ્ટિએ સુરતની સિવિલ હોસ્પિટલમાં 30 બેડનો એક વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. ઓલપાડની સાથે સાથે ગીર સોમનાથના ભારે પવનની સાથે ધૂળની ડમરી જોવા મળી હતી. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દરિયા કિનારા પર વાવાઝોડાની અસરના કારણે તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. સ્થળાંતર કરાયેલા લોકોને ભોજન, રહેવાની અને પીવાના પાણીની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ સાથે કેટલીક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા પણ ફૂડ પેકેટની અને સ્થળાંતર કરાયેલા લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp