સુરતમાં રેમડેસિવીરની કાળાબજારી, હોસ્પિટલ સ્ટાફ સહિત 3 ઝડપાયા

PC: news18.com

ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ સુરત અને અમદાવાદમાં તો પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. આ શહેરોની હોસ્પિટલમાં દર્દીને બેડ મળવા પણ મુશ્કેલ થઈ ગયા છે. હોસ્પિટલની બહાર પણ દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. તો બીજી તરફ રાજ્યમાં હવે રેમડેસિવીર ઇન્જેક્શન અને ઓક્સિજનની બોટલોની પણ અછત હોવાનું સામે આવ્યું છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે કેટલાક લોકો લોકોની મજબૂરીનો લાભ ઉઠાવીને તેમને વસ્તુઓ બેથી ત્રણ ગણા ભાવે વેચાણ કરતા હોય તેવા કિસ્સાઓ પણ સામે આવે છે. ત્યારે એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. જેમાં સુરત પોલીસે ડમી ગ્રાહક ઊભો કરીને રેમડેસિવીર ઇન્જેક્શનની કાળાબજારી કરતા ત્રણ ઈસમોની ધરપકડ કરી છે.

રિપોર્ટ અનુસાર, સુરતમાં રેમડેસિવીર ઇન્જેક્શનની કાળાબજારી રોકવા માટે સુરત પોલીસ હવે એક્શનમાં આવી છે. સુરત પોલીસને બાતમી મળી હતી કે, સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલનો એડમિનિસ્ટ્રેટિવ રેમડેસિવીર ઇન્જેક્શનની કાળાબજારી કરી રહ્યો છે. તેથી પોલીસે આ ઈસમને પકડવા અને કૌભાંડ બહાર કાઢવા માટે એક ડમી ગ્રાહક ઊભો કર્યો હતો. ડમી ગ્રાહકે આરોપીની પાસે જઈને રેમડેસિવીર ઇન્જેક્શન મંગાવ્યા હતા.

સૌથી પહેલા આ ડમી ગ્રાહક પાસેથી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં સુભાષ યાદવ પાસે ગયો હતો અને તેની પાસે રહેલી રેમડેસિવીરની માગણી કરી હતી, ત્યારે સુભાષે આ ઇન્જેક્શન 18 હજાર રૂપિયાનું આવશે તેવું જણાવ્યું હતું અને ત્યારબાદ ઇન્જેક્શન લેવા માટે સુભાષે ગ્રાહકને લઈને સુરતના અણુવ્રત દ્વાર પાસે આવેલી એવરગ્રીન માર્બલ સામે બોલાવ્યો હતો. જ્યાં ડમી ગ્રાહકને 36 હજાર રૂપિયાના બે ઇન્જેકશન આપ્યા હતા.

ગ્રાહકે ઈન્જેક્શન લીધા બાદ સુભાષને કહ્યું હતું કે, વધારે ઇન્જેક્શન જોઈતા હોય તો મળી રહેશે ત્યારે સુભાષે તેના મિત્ર વિશાલને ફોન કરીને ઇન્જેક્શન બાબતે પૂછતાં તેણે જણાવ્યું હતું કે, હજુ 6 ઇન્જેક્શન છે. જેથી ગ્રાહકે વિશાલને પણ ત્યાં બોલાવવા માટે જણાવ્યું હતું અને વિશાલ જ્યારે અણુવ્રત દ્વાર પાસે ઇન્જેક્શન લઇને આવ્યો ત્યારે પોલીસે વિશાલ સહિત તમામ લોકોની ધરપકડ કરી હતી અને વિશાલ પાસેથી પોલીસે 6 રેમડેસિવીર ઝડપી પાડ્યા હતા.

પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, વિશાલ આ ઇન્જેક્શન સાંઈદિપ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર સૈયદ પાસેથી મેળવતો હતો અને પોલીસે આરોપીઓ પાસેથી 8 રેમડેસિવીર સહિત કુલ 35,368 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ઇન્જેકશનની કાળાબજારી કરવા મામલે સુભાષ યાદવ, વિશાલ અને સૈયદને હાલ જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો છે. કોરોનાની મહામારી વચ્ચે અવાર નવાર આ પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા છે. બીજી તરફ સુરતના ઓલપાડમાંથી ત્રણ દિવસ પહેલા નકલી ઇન્જેક્શન બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી અને તેના ત્રીજા દિવસે રેમડેસિવીરની કાળાબજારીનો કિસ્સો સામે આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp