ગુજરાતના આ ડેમના 9 દરવાજા ખોલાતા નીચાણ વિસ્તારોમાં એલર્ટ, લોકો આખી રાત જાગ્યા

PC: Dainikbhaskar.com

ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે વલસાડના મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. એટલા માટે જ મધુબન ડેમના 9 દરવાજા ખોલવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો અને મધુબન ડેમના 9 દરવાજાને 4 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. જો કે ડેમના દરવાજા ખોલતા જ ડેમમાંથી દર 1 કલાકે 1 લાખ ક્યુસેક કરતા વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. મધુબન ડેમના દરવાજા ખુલતાની સાથે દમણ ગંગા નદીમાં પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હાલ દમણ ગંગા નદી બે કાંઠે વહી રહી છે અને બીજી તરફ નદીના પાણીનો પ્રવાહ વધુ હોવાથી નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. આજે 12 વાગ્યા બાદ મધુબન ડેમના 7 દરવાજાને 2 મીટર સુધી ખોલાયા છે. જેના કારણે દમણગંગા નદીમાં 51 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

મધુબન ડેમના દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા હતા. જેના કારણે દમણના લોકોને ભયના માહોલ વચ્ચે આખી રાત જાગવાનો વારો આવ્યો હતો. તો બીજી તરફ તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા NDRFની ટીમોને પણ તહેનાત કરવામાં આવી હતી. ઉપરવાસમાંથી પાણીની આવક થતા રાત્રે ત્રણ વાગ્યે મધુબન ડેમની સપાટી 73.70 મીટર સુધી પહોંચી હતી અને આ જ કારણે તેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા હતા. તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં લોકોને મુશ્કેલી ન પડે એટલા માટે પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

તંત્ર દ્વારા પાલિકા અને ગામડાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ પરિસ્થિતિનો સતત મોનિટરીંગ કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર પણ ખડેપગે રહીને કામગીરી કરી રહ્યું હતું. નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થાય તો તે સ્થિતિને પહોંચી વળવા માટે પ્રાથમિક શાળાઓમાં સેલટર હોમ બનાવવામાં આવ્યા હતા. તો બીજી તરફ વલસાડમાં NDRFની ટિમ તૈનાત કરવામાં આવી હતી અને સેલવાસમાં ડિઝાસ્ટરની ટીમને તહેનાત કરવામાં આવી હતી. મધુબન ડેમમાંથી પાણી છોડાતા જ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એ સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં વહીવટીતંત્ર સાથે 22 કલાક સુધી સંકલન કરીને કામ કર્યું હતું.

મહત્ત્વની વાત છે કે 21 જુલાઇના બપોરના 2 વાગ્યાથી લઈને 22 જુલાઈ સવારના 8 વાગ્યા સુધી મધુબન ડેમના 9 દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ બપોરે 12 વાગ્યા સુધી મધુબન ડેમના 7 દરવાજા 2 મીટર સુધી ખોલવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp