ખંડણી માંગવામાં ભાજપ કોંગ્રેસ એક થયા, કોંગ્રેસની તપાસ શરૂ, ભાજપ મૌન

PC: facebook.com/firoz.malek.14

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી ફિરોઝ મલેક અને સુરતના વોર્ડ નં.20ના ભાજપના યુવા મોરચાના પ્રમુખ ચેતન માછીએ 80 વર્ષના એક વૃદ્ધ પાસેથી રૂ.10 લાખની ખંડણી માંગી હોવાથી તે અંગે કોંગ્રેસ પક્ષે તપાસ હાથ ધરી હતી, જેમાં ખંડણી નહીં પણ અંગત બાબતે નાણાં માગવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. જોકે ભાજપ દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી થઈ નથી. ચેતન માછીની રાજીવ શાહ ખૂન કેસમાં ધરપકડ થઈ હતી. આમ હવે ગુજરાતમાં ક્રાઈમની દુનિયામાં રાજકીય પક્ષો પોતાની દુશ્મની ભૂલી જઈને પૈસા પડાવવા માટે એક બની જતાં હોવાનો આ કિસ્સો બહાર આવ્યો છે.

સુરતના સલાબતપરામાં રહેતા 80 વર્ષના ઇસ્માઇલભાઇ વાડીવાલાએ ફિરોઝ મલેક, ઝહુર કુરેશી અને ચેતન માછી સામે ફરિયાદ નોંધાવી છે. ફિરોઝ મલેક કોંગ્રેસના યુવા કાર્યકર છે અને તેના પિતા રિટાયર DySP છે. જ્યારે ઝહુર કુરેશી ભાજપ લઘુમતિ મોરચાનો માજી મંત્રી છે. ફિરોઝ મલેક અને તેના સહયોગી ઝહુર તથા ચેતન માછીએ જાનથી મારી નાંખવાની ધમકી આપીને રૂ.2 લાખ પડાવી લીધા હતા. તે પછી ઇસ્માઇલભાઇના બેન સલમાબેનના ઘરે તોડફોડ કરીને રૂ.10 લાખની ખંડણી માગી હતી.

જોકે દુકાન ખરીદી અંગે વાંધો પડતાં સમગ્ર મામલો ઊભો થયો હોવાનું અમદાવાદ પ્રદેશ કોંગ્રેસની તપાસમાં બહાર આવ્યું છે. જેની દલાલી પણ એક કારણ છે. વ્યક્તિગત લેવડ-દેવડના કામમાં પૈસા ન ચૂકવાતા બબાલ થઈ હોવાનું માનવામાં આવે છે. પણ ખંડણીની કોઈ વાત ન હોવાનું બહાર આવ્યું છે. જોકે ભાજપે તેના યુવા મોરચાના પ્રમુખ સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કે પૂછપરછ કરી નથી.

કોણ છે ફિરોઝ મલેક?

ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણી સમયે ટિકિટ ન મળતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી ફીરોઝ મલેકે રાજીનામું આપ્યું હતું. જો કે ભાજપ સાથે રાજકીય ગોઠવણ ન થઈ હોવાનું પણ પક્ષના કેટલાક લોકો માની રહ્યાં છે. તેમનું રાજીનામું તે સમયે સ્વીકારાયું નહોતું. કોંગ્રેસ હાઈકમાન્ડે સુરત પૂર્વ સહિતના મુસ્લિમોની વસ્તી વધારે હોય ત્યાં મુસ્લિમને ટિકિટ આપવાની ભલામણ કરી હતી. 92 હજાર મત હોવાથી સુરત પૂર્વ વિધાનસભાની ટિકિટ માટે મુસ્લિમને આપવા માટે કોંગ્રેસ મોવડી મંડળને રજૂઆત કરી હતી.

દાવેદારોમાં કદીર પીરઝાદા ઉપરાંત યુવા નેતા અને પ્રદેશ કોંગ્રસનાં મંત્રી ફિરોઝ મલેક હતા. તેમની પછી એંગ્લો ઉર્દુ હાઈસ્કુલનાં ભૂતપૂર્વ પ્રમુખ અને એડવોકેટ નસીમ કાદરી અને નઈમ રિફાઈ પણ હતા. કદીર પીરઝાદાએ ચૂંટણી લડવાના ઇનકાર કરતાં ફિરોઝની દાવેદારી પ્રબળ બની હતી.

કોંગ્રેસ કેટલાક નેતાઓ સુરત પૂર્વમાં મુ્સ્લિમને ટિકિટ આપવાનો વિરોધ કર્યો હતો. ફિરોઝ મલેક અને નસીમ કાદરી જેવા ફ્રેશ કેન્ડીડેટ સામે ચોક્કસ ગ્રુપ્સ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. બંને નામોને દિલ્હી સ્ક્રીનીંગ કમિટી સુધી પેનાલિસ્ટ કરવામાં આવ્યા હતા. તેમ છતાં તેની ટિકિટ કાપવામાં આવી હતી અને કોંગ્રેસ સુરતમાં હારી હતી. 31 જુલાઈ 2015માં સોનિયા ગાંધીએ ગુજરાતમાં 33 લોકોને કોંગ્રેસના સચિવના હોદ્દા આપ્યા હતા જેમાં એક ફિરોઝ મલેક હતો.

સુરત અને અમદાવાદ ગુનાખોરીમાં દેશમાં પ્રથમ 10 શહેરો પૈકીના છે. તેમાં હવે રાજકીય ગુનાખોરી અને રાજકીય ભાયબંધી બહાર આવી રહી છે.

ગુજરાતમાં પોલિટિકલ ક્રાઈમ વધી રહ્યું છે...

ગુજરાતમાં હવે રાજકીય લોકો ગુના આચરતાં હોય એવા બનાવો સતત વધી રહ્યાં છે. જેમાં સૌથી વધુ તો ધારાસભ્યો અને પક્ષના ચૂંટાયેલા સભ્યોનો રોલ જોવા મળી રહ્યો છે.

ફોજદારી કેસો સાથેના ધારાસભ્યો કેટલા

182 ધારાસભ્યોમાંથી, 47 (26%) ધારાસભ્યો સામે ફોજદારી ગુના છે. વર્ષ 2012મા ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન 182 ધારાસભ્યોનું વિશ્લેષણ થયું હતું, 57 (31 ટકા) ધારાસભ્યોએ પોતાને સામે ફોજદારી કેસ જાહેર કર્યા હતા.

ગંભીર ફોજદારી કેસો ધરાવતા ધારાસભ્યો...

33 (18%) ધારાસભ્યોએ હત્યા, હત્યાના પ્રયાસ, લૂંટફાટ, લૂંટ વગેરે જેવા ગંભીર ફોજદારી કેસ જાહેર કર્યા છે. 2012 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન 182 ધારાસભ્યોનું વિશ્લેષણ થયું હતું, 24 (13%) ધારાસભ્યોએ પોતાને સામે ગંભીર ફોજદારી કેસો જાહેર કર્યા હતા.

હત્યાને લગતા જાહેર કેસો સાથે ધારાસભ્યો: 2 ધારાસભ્યો, મહેશભાઈ ચૌત્ભાઈ વાસાવા (ભારતીય આદિજાતિ પાર્ટી) અને કતરા ભવેશભાઈ બાબુભાઈ (ઇન્કો) દ્વારા હત્યા (આઇપીસી કલમ 302) સાથેના કેસો જાહેર કર્યા છે.

હત્યાના પ્રયાસથી જાહેર કરાયેલા કેસો સાથે વિધાનસભ્યો...

6 ધારાસભ્યોએ હત્યાના પ્રયાસ (આઇપીસીની કલમ 307) સાથેના કેસો જાહેર કર્યા છે.

બળાત્કાર સાથેના જાહેર થયેલા કેસમાં ધારાસભ્ય...

શહેરા મતવિસ્તારમાંથી 1 વિધાનસભ્ય આહિર (ભરૂવદ) જેઠાભાઈ ગલલાભાઈ (ભાજપ) એ પોતાની સામે બળાત્કાર (IPC કલમ 376) સાથેનો કેસ જાહેર કર્યો છે.

ફોજદારી કેસો ધરાવતા પક્ષના ધારાસભ્યો…

ભાજપના 99 ધારાસભ્યો પૈકી 18 (18%), કોંગ્રેસના 77 વિધાનસભ્યોમાંથી 25 (32%), ભારતીય આદિજાતિ પાર્ટીના 2 ધારાસભ્યોમાંથી 1 (50%), 1 (100%) ) એનસીપીના ધારાસભ્ય અને 3 સ્વતંત્ર ધારાસભ્યોમાંથી 2 (67% )એ પોતાના એફિડેવિટમાં પોતાને સામે ફોજદારી કેસો જાહેર કર્યા છે.

ગંભીર ફોજદારી કેસો ધરાવતા પક્ષના ધારાસભ્યો

ભાજપના 99 ધારાસભ્યોમાંથી 12 (12%), કોંગ્રેસના 77 વિધાનસભ્યોમાંથી 17 (22%), ભારતીય આદિજાતિ પાર્ટીના 2 ધારાસભ્યોમાંથી 1 (50%), 1 (100) 3) એનસીપીના ધારાસભ્ય અને 3 સ્વતંત્ર ધારાસભ્યોમાંથી 2 (67% )એ તેમના એફિડેવિટમાં ગંભીર ફોજદારી કેસો જાહેર કર્યા છે.

દેશમાં કેવી હાલત?

ભારતમાં 4120 ધારાસભ્યો, 543 લોકસભાના સભ્યો અને 233 રાજ્યસભાના સભ્યો છે. આ તમામ ચૂંટાયેલાં 4852 પ્રતિનિધીઓના કેસની તપાસ કરવામાં આવી તો તેમાં 1581 સાંસદો – ધારાસભ્યો એટલે કે 33% ગુનાખોરીમાં જોવા મળ્યા હતા, જેમાં દેશભરના 4078 ધારાસભ્યોની ગુનાખોરી અંગે તપાસ કરવામાં આવી તો 1353 ધારાસભ્યો સામે ગુના જાહેર થયા છે. 34% એટલે કે 184 લોકસભાના સભ્ય સામે ગુના નોંધાયેલાં છે. 231માંથી 44 એટલે કે 19% રાજ્યસભાના સભ્યો ગુનાખોરીનો આરોપ છે. એવો અહેવાલ ચૂંટણી સાથે જોડાયેલી એક સંસ્થાએ તૈયાર કર્યો છે. અમદાવાના પ્રાધ્યાપકો પણ જોડાયેલાં છે. જે લોકશાહી તંત્રને હચમાવી નાંખે તેવો છે.

20% ધારાસભ્યો અને સાંસદો સામે ગંભીર પ્રકારના ગુના નોંધાયેલાં છે, જેમાં જો ગુનો સાબિત થાય તો જેલની સજા થઈ શહે છે. આવા 993 સભ્યોમાંથી લોકસભાના 117 સભ્યો એટલે કે 22 ટકા ગુનાઓમાં સંડોવણી જાહેર થઈ છે. રાજ્યસભાના 16 સભ્યો એટલે કે 7% સભ્યો ગુનામાં હોવાનું જાહેર થયું છે. દેશના 860 ધારાસભ્યો એટલેકે 21% ધારાસભ્યોના ગુના જાહેર થયા છે.

(દિલીપ પટેલ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp