સુરતમાં કસ્ટોડિયલ ડેથ મામલે 8 આરોપીઓ પૈકી 2 આરોપીઓ હાજર થયા

PC: youtube.com

સુરતમાં આરોપીના કસ્ટોડિયલ ડેથ મામલે PSI સી. પી. ચૌધરી અને કોન્સ્ટેબલ હરેશ સુરત ક્રાઈમબ્રાંચમાં હાજર થયા છે. 15 દિવસ પછી કસ્ટોડિયલ ડેથમાં સંડોવાયેલા આઠ આરોપીઓમાંથી બે આરોપીઓ હાજર થયા હતા. PI સહિતના અન્ય જે 6 આરોપીઓ છે, તે હજુ પણ ભાગી રહ્યા છે. કસ્ટોડિયલ ડેથ મામલે બે આરોપીઓની ધરપકડ થતા સુરત પોલીસ કમિશનર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ બોલવવામાં આવી હતી.

પોલીસ કમિશનર સતીષ શર્માએ જણાવ્યું હતું કે, અમે મજબૂત ટીમ બનાવી છે. સિલેક્ટેડ અધિકારીઓ ટીમમાં રાખવામાં આવ્યા છે. ટીમમાં 1 PI, 2 PSI અને 20થી 25 અન્ય ઓફિસર ટીમમાં છે. બધું કામ ચાલુ છે અને અમે બને તેટલું જલ્દી બાકી લોકોની પણ ધરપકડ કરીશું. એક સાક્ષી એવો છે કે, જે પોતે ફરિયાદી છે. જે અત્યારે જેલમાં છે અને બાકીના જે સાક્ષીઓ છે, તેને જરૂરી રક્ષણ આપવામાં આવશે. આ કેસમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેટલા લોકો આ ગુનામાં સંડોવાયેલા છે અને ભાગેલા છે. તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ટોટલ આઠ આરોપીઓમાંથી 2 આરોપીઓ પકડાઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે, ખટોદરા પોલીસે ચોરીના ગુનામાં ઓમ પ્રકાશ નામના આરોપીની ધરપકડ કરી હતી. ધરપકડ કર્યા પછી આરોપીને 48 કલાક સુધી લોકઅપમાં ગોંધી રાખવામાં આવ્યો હતો. ઓમ પ્રકાશ પાંડેને PI, ડી-સ્ટાફના PSI સહિત આઠ જેટલા પોલીસકર્મીઓએ ડી-સ્ટાફની ઓફિસમાં માર માર્યો હતો. જેના કારણે ઓમ પ્રકાશની તબિયત લથડવાથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાંથી ઓમ પ્રકાશને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

સમગ્ર મામલે પોલીસ ઉચ્ચ અધિકારીઓને જાણ થતા PI, PSI સહિત આઠ પોલીસકર્મી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઇ સુરત પોલીસ કમિશનર સતીષ શર્મા ખટોદરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સમગ્ર મામલે તપાસ કરી હતી. આ તમામ પોલીસકર્મીઓ પર ગુનો દાખલ થતા તમામ પોલીસકર્મી સિવિલ ડ્રેસમાં પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયા હતા. પોલીસ આરોપી જે સમયે ભાગી રહ્યા હતા, ત્યારે તેમને પકડવા માટે ત્રણ પોલીસકર્મીએ પ્રયાસ કર્યો હતો. પણ આરોપી પોલીસકર્મી ઝપાઝપી કરીને ભાગવામાં સફળ રહ્યા હતા અને આ ઝપાઝપીમાં ઘાયલ થયેલા પોલીસકર્મીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ સમગ્ર મામલે ખટોદરા પોલીસ સ્ટેશનના PI એમ. બી. ખીલેરી, PSI સી. પી. ચૌધરી, હરીશ, કનક, પરેશ, આશિષ, કલ્પેશ અને જીલુ નામના પોલીસકર્મીઓ પર IPCની કલમ 330, 324, 342, 348, 34 અને GP એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp