26th January selfie contest

યુટ્યૂબથી સિગ્નલ બ્રેક કરવાનું શીખી કચ્છ એક્સપ્રેસમાં 2 કરોડની લૂંટ કરનારા ઝબ્બે

PC: Khabarchhe.com

 હથિયાર સાથે લૂંટ કરવા માટે કુખ્યાત ગેંગને પકડી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા સાંપડી છે. વલસાડના ડુંગરી રેલવે સ્ટેશન પાસે કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં આંગડિયા પેઢીના કર્મચારી પર હુમલો કરી પોણા બે કરોડની સનસનાટી ભરી લૂંટ ચલાવનારી ગેંગના સૂત્રધાર સહિત સાતને ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ડિંડોલીના કરાડવા વિસ્તારમાંથી ઝડપી પાડયા છે. જેની પાસેથી રોકડા રૂ. 15.36 લાખ અને દાગીના મળી કુલ રૂ. 86.85 લાખનો મુદ્દામાલ તેમજ એક રિવોલ્વર, બે તમંચા, 14 કારતુસ,બાર મોબાઈલ અને બે કાર કબજે કર્યા છે. 

ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ શૈલેષ રાધેબિહારીને એવી બાતમી મળી હતી કે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અગાઉ હથિયારો સાથે લૂંટ કરવા જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા રાજુ બિહારી તેના અન્ય સાગરીતો સાથે વલસાડ જિલ્લાના ડુંગરી ફાટક પાસે કચ્છ એક્સપ્રેસમાં આંગડિયા પેઢીના કર્મચારી પર હુમલો કરી થયેલી લૂંટમાં સંડાવીયેલો છે અને ડિંડોલી કરાડવા પાસે આવેલ અવાવરુ જગ્યાએ ભેગા છે. જે બાતમીના વર્ક આઉટ કરી ટીમના માણસો સાથે વોચ ગોઠવી રાજુ બિહારી સહિત સાત આરોપીને ઝડપી પાડ્યા હતા. જેમાં રાજીવ ઉર્ફે રાજુ વિશ્વનાશ બિહારી (રહે, બઝાર મસ્જિદ, ખેરગામ, નવસારી, મૂળ બિહાર), રોનક ભીમજી મોરડિયા (રહે,બાલાજી પાર્ક, નવસારી, મૂળ બોટાદ), બિરેન્દ્રકુમાર ઉર્ફે મીટુ રવિન્દ્ર સીંગ રાજપુત (રહે,જનતા રોડ, ખેરગામ, વલાસડ, મૂળ ભોજપુર), હિતેશ વેણીલાલ પટેલ (રહે, ખેરગામ, નવસારી), ગુલશન દેવેન્દ્રસિંગ પટેલ (રહે, બિહાર),નિરવકુમાર ઉર્ફે શંભુ દલપત લાડ (રહે,ખેરગામ, નવસારી), નિરજકુમાર ઉર્ફે સુપર છોટેસીંગ પટેલ (રહે,કોરિયાવાવ, પટના બિહાર)નો સમાવેશ થાય છે.

પકડાયેલા તમામ પાસેથી સોનાનાં બિસ્કિટ કુલ ૧૦ (૧૦૦ ગ્રામ વજન) કિંમત ૩,૯૬,૮૫૦૦, સોનાના દાગીના ૭૬૯ ગ્રામ કિંમત રૂ. ૩,૦૫,૧૩૦૦, ૪૨૦૩ ગ્રામ ( ૪ કિલો ૨૦૩ ગ્રામ) ચાંદી કિંતમ રૂ.૯૪,૫૦૦, હીરાનાં પડીકાં કિમત રૂ. ૩૫૦૦૦, રોકડા રૂપિયા ૧૫,૩૬,૦૦૦, બે કાર, બે તમંચા, એક રિવોલ્વર, એક પિસ્તોલ, ૧૪ કારતૂસ અને ૧૨ મોબાઈલ કબજે કર્યા હતા.

ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં આરોપીએ કરેલી કબૂલાતને પગલે પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ટ્રેનમાં લૂંટ કરવા માટે સિગ્નલ બ્રેક કર્યા હતા જે સિગ્નલ બ્રેક કરવાની ટ્રીક રાજીવ ઉર્ફે રાજુ બિહારીએ યુ- ટયુબ પરથી જાઈને અજમાવી હતી.

ગેંગનો સૂત્રધાર રાજીવ ઉફે રાજુ બિહારી અગાઉ ટ્રેનમાં દારૂની હેરાફેરી કરતો હતો અને દારૂના ગુનામાં પકડાઈ પણ ચૂક્યો છે. રાજુ બિહારી જયારે ટ્રેનમાં દારૂની હેરાફેરી કરતો હતો ત્યારે તેને કચ્છ એક્સપ્રેસમાં મોટી માત્રામાં આંગડિયા પેઢી કર્મચારીઓ અવર જવર કરતા હોવાની ખબર હતી જેથી આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટી લેવાનો બે વર્ષથી પ્લાન બનાવતો હતો અને ઘટનાને અંજામ આપવા માટે બે દિવસ સુધી રેકી કરી હતી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp