સરકારે ટેકાના ભાવ સહકારી મંડળી કરતા પણ ઓછા જાહેર કર્યા, ખેડૂતો નારાજ

PC: satyaday.com

ગુજરાત સરકારે ડાંગર-ચોખાના ટેકાના ભાવ સહકારી મંડળી કરતા પણ ઓછા જાહેર કરતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. ટેકાના ભાવ ઓછા જાહેર કરાતા સુરત જિલ્લાના નારાજ ખેડૂતોએ સરકારને પોતાનો પાક નહીં વેચવાનો નિર્ણય કર્યો છે. ખેડૂતો સહકારી મંડળીઓને પોતાનો પાક વેચતા સહકારી મંડળીના ગોડાઉન છલકાઈ ગયા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર સરકારે નારાજ ખેડૂતોને મનાવવા માટે ડાંગર-ચોખાના ટેકાના ભાવ જાહેર કર્યા છે. સરકારે ડાંગર-ચોખાના ભાવ એક મણના 350 રૂપિયા જાહેર કર્યા છે. જયારે સહકારી મંડળીઓ ખેડૂતો પાસેથી સરકાર કરતા ઉંચા ભાવે એટલે કે રૂ. 441ના ભાવે ડાંગર-ચોખાની ખરીદી કરી રહી છે. 2014માં સ્વામીનાથન કમિટીએ પાક ઉત્પાદનનો ખર્ચ, ખેતરનો ખર્ચ સહિતની તમામ વસ્તુઓ ધ્યાનમાં રાખીને ખેડુતોને ભાવ આપવાની ભલામણ કરી હતી. પરંતુ સરકારે જાહેર કરેલા ભાવ ખેડુતોની પડતર કિંમત કરતા પણ ઓછા હોવાથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ખેડૂતોએ અનેક વખત રજૂઆત કરવા છતા સરકારે કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વિના જ ટેકાના ભાવ જાહેર કર્યા હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યાં છે.

સરકારે ટેકાના ભાવ ઓછા જાહેર કરતા નારાજ ખેડૂતોએ પોતાનો પાક સહકારી મંડળીઓને વેચવાનો નિર્ણય કર્યો છે. તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો પાક સહકારી મંડળીને વેચી રહ્યાં છે. જેના કારણે જિનિંગ મીલ સહિત સહકારી મંડળીઓને ડાંગર-ચોખાની અઢળક આવક થઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસા ઓછો વરસાદ થતા દુષ્કાળની પરિસ્થિતિ વચ્ચે ખેડૂતો સિંચાઈના પાણી માટે તંત્ર સમક્ષ રજૂઆત કરી રહ્યાં છે. આ ઉપરાંત પાક વીમા સહિતના લાભ નહીં મળતા ખેડૂતોમાં સરકાર સામે રોષ ફેલાયેલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp