ઠગાઈના કેસમાં કનૈયાલાલ કોન્ટ્રાકટરના આગોતરા જામીન નામંજૂર
સુરત: કૌટુંબિક ભાગીદારી પેઢીની મિલકતના બોગસ પાવર ઓફ એટર્ની બનાવી તેના આધારે મિલકત ઉપર બજાજ ફાયનાન્સ કંપનીમાંથી રૂપિયા 2.92 કરોડની મોર્ગેજ લોન મેળવી પોતાના અંગત કામોમાં વાપરી નાંખી છેતરપિંડી કરવાના ગુનામાં પોલીસની ધરપકડથી બચવા માટે લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમના કાર્યકારી પ્રમુખ કનૈયાલાલ કોન્ટ્રાકટરે વયવૃદ્ધના કારણે બીમાર હોવાના કારણોસર કોર્ટમાં આગોતરા અરજી કરી હતી. જે આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે.
આ કેસની વિગત એવી છે કે સુરતના જાણીતા લાલભાઈ કોન્ટ્રાકટર ફેમિલીના જાણીતા કનૈયાલાલ કોન્ટ્રાકટર દ્વારા તેમની ભાગીદારી પેઢીની મિલકતનો ખોટો, બનાવટી અને બોગસ પાવર ઓફ એટર્ની બનાવી તેના આધારે સન 2009માં પેઢીની ઈન્દોર સ્ટેડીયમ પાસે આવેલી મુખ્ય ઓફિસ આરડીએસ હાઉસની મિલકતને બજાજ ફાયનાન્સ કંપનીમાં મોર્ગેજમાં મુકી રૂપિયા 2.92 કરોડની લોન લીધી હતી.
આ લોનની રકમ પોતાના અંગત કામોમાં વાપરી નાંખ્યા હતા.આ અંગે ભાગીદારી પેઢીના અન્ય ભાગીદાર નયનાબેન હેમંતભાઈ કોન્ટ્રાકટર દ્વારા કનૈયાલાલ કોન્ટ્રાકટર સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ગુનો દાખલ થતા કનૈયાલાલ કોન્ટ્રાકટરે પોલીસની ધરપકડથી બચવા માટે સુરત સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જેની સામે મુખ્ય જીલ્લા સરકારી વકીલ નયનભાઈ સુખડવાલાએ જામીન નામંજૂર કરવા દલીલો કરી હતી. તેમજ મૂળ ફરિયાદી તરફે એડવોકેટ આનંદ પટેલ અને મનવી પટેલ મુળ ફરિયાદીનું સોંગદનામું રજુ કરી જામીન અરજીનો વિરોધ કર્યો હતો. સેશન્સ કોર્ટે બંને પક્ષોની વકીલોની દલીલો સાંભળ્યા બાદ આરોપી કનૈયાલાલ કોન્ટ્રાકટરની આગોતરા જામીન નામંજુર કરતો હુકમ કર્યો હતો, જેમાં કોર્ટે નોંધ્યુ હતું કે મૂળ ફરિયાદી અને તેમના પતિ જે સમયે ભારત દેશની બહાર દુબઈ, લંડન મુકામે હતા ત્યારે કનૈયાલાલ કોન્ટ્રાકટર દ્વારા કારસો રચીને ખોટો પાવર ઓફ એટર્ની બનાવીને ભાગીદારી પેઢીની મિલકત ઉપર લોન મેળવી લઈ તે લોનના રૂપિયા અંગત વપરાશમાં લઈ લીધેલા હોવાથી છેતરપિંડી અને બોગસ દસ્તાવેજો બનાવવાનો ગુનો કયો છે. જેથી અરજદાર તરફે જે રજુઆતો કરવામાં આવી છે તે ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી અને કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશનની જરૂરીયાત જણાઈ આવે છે જેથી જામીન અરજી નામંજૂર કરવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp