પક્ષ પલટું કનુ ગેડીયાનો દાવો, એક સપ્તાહમાં આટલા AAP કોર્પોરેટર BJPમાં આવશે

PC: hindustantimes.com

આમ આદમી પાર્ટી થોડીને ભાજપમાં સામેલ થયેલા કનુ ગેડીયાએ દાવો કર્યો હતો કે, એક જ સપ્તાહમાં બીજા 4 AAP કોર્પોરેટર ભાજપમાં સામેલ થશે. ચારેય કોર્પોરેટર મારા સંપર્કમાં છે. ગેડીયાએ દાવો કરતા કહ્યું હતુ કે, ભાજપના ઓપરેશન ડિમોલિશન હેઠળ પાલિકામાં વિરોધ પક્ષ ખતમ કરી નાંખીશું.

અત્યાર સુધી આમ આદમી પાર્ટી તરફથી ભાજપનો વિરોધ કરી રહેલા કોર્પોરેટર પક્ષ પલટાં પછી શુક્રવારની સામાન્ય સભામાં ભાજપ તરફી બેઠા હતા અને હવે તેમણે AAPનો વિરોધ કરવા માંડ્યો છે.

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં AAPનો 27 કોર્પોરેટર ચૂંટાયા હતા. થોડા સમય પહેલાં 10 કોર્પોરેટર AAP સાથે છેડો ફાડીને ભાજપમાં આવ્યા ત્યારે આમ આદમી પાર્ટીના કનુ ગેડીયા પર આરોપ લાગ્યો હતો કે તેઓ AAPના કોર્પોરેટરને તોડવાનું કામ કરી રહ્યા છે. ગુજરાત AAPના અધિકારીઓએ કનુ ગેડીયાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. એ જ દિવસે ગેડીયા ભાજપમાં જોડાઇ ગયા હતા.

શુક્રવારે પાલિકાની સામાન્ય સભા પછી મીડિયા સાથેની વાતચતીમાં કનુ ગેડીયાએ દાવો કરતા કહ્યું હતું કે, માત્ર એક જસપ્તાહની વાર છે, બીજા 4 કોર્પોરેટર ભાજપમાં આવી રહ્યા છે.

અત્યાર સુધીના પક્ષ પલટાંનું ગણિત જોઇએ તો AAPના 27માંથી 12 કોર્પોરેટર ભાજપમાં આવી ગયા છે. એક કોર્પોરેટરને પાર્ટીએ સસ્પેન્ડ કરેલો છે. મતલબ કે AAPમાં અત્યારે 14 કોર્પોરેટર છે.

કનુ ગેડીયાએ કહ્યું કે ઓપરેશન ડિમોલિશન હેઠળ અમે પાલિકામાં વિરોધ પક્ષ ખતમ કરી નાંખીશું. પાલિકાના નિયમ મુજબ 10 ટકા સીટ હોય તો વિરોધ પક્ષ બની શકે. પાલિકામાં કુલ 120 કોર્પોરેટર છે. 10 ટકા મુજબ 12 સીટ હોય તો વિરોધ પક્ષ રહે. હવે જો બીજા 4 કોર્પોરેટરને અમે તોડી પાડીશું તો AAP પાસે માત્ર 10 જ કોર્પોરેટર રહેશે. અમારી ગણતરી છે કે એક સપ્તાહની અંદર જ વિરોધ પક્ષ ખતમ થઇ જશે.

લગભગ સવા બે વર્ષ પહેલાં સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં પહેલાવીર આમ આદમી પાર્ટીએ 27 સીટ જીતીને ઇતિહાસ બનાવી દીધો હતો. પહેલીવારમાં જ આટલી જવલંત સફળતાને અનેક લોકોએ વધાવી હતી. લોકોને પણ એવી અપેક્ષા હતી કે આ યુવાનોની પાર્ટી છે એટલે લોકોના કામ થશે, પરંતુ થોડા જ સમયમાં લોકોની આશા ઠગારી નિવડી અને 12 કોર્પોરેટર ભાજપમાં સામેલ થઇ ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp