પ્રદૂષિત નદીઓમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે, જાણો કયા ક્રમે છે ગુજરાત

PC: sandrp.files.wordpress.com

પ્રદૂષિત નદીઓને લઈને ગુજરાત પાંચમાં ક્રમાંકે આવે છે. એક રિપોર્ટ અનુસાર ગુજરાતમાં 20 જેટલી નદી અને ઝરણા છે જે પ્રદૂષિત છે. પ્રદૂષિત નદીઓમાં સાબરમતી, નર્મદા અને મહી જેવી મોટી નદીઓનો પણ સમાવેશ થાય છે. જો કે પ્રદૂષિત નદીઓમાં પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર આવે છે. જ્યાં 39 જેટલી નદીઓ પ્રદૂષિત છે.

ગુજરાત સહિત દેશભરમાં કેમિકલ ઉદ્યોગના કારણે નદીઓમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે લાખો લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. ગુજરાતમાં સાબરમતી, નર્મદા, અને મહી જેવી નદીઓમાં દિવસેને દિવસેને પ્રદૂષણની માત્રામાં વધારો થઈ રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર સાબરમતી અને મીંઢોળા નદીનું પ્રદૂષણ દૂર કરવા માટે કેન્દ્ર સરકારે 200 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. ઉલ્લેખનીય છે કે ગંગા નદી પછી કેન્દ્ર સરકારે મીંઢોળા નદી માટે સૌથી વધુ બજેટ ફાળવ્યું છે. ગંગા નદી માટે ઉત્તરપ્રદેશમાં 917.24 કરોડ, પશ્ચિમ બંગાળમાં 411.26 કરોડ અને બિહારમાં 216.46 કરોડનો ખર્ચ કર્યો છે. પર્યાવરણ નિષ્ણાતોનું માનવું છે કે ઇન્ડસ્ટ્રીમાંથી નીકળતા કેમિકલયુક્ત પાણીને કારણે નદીના પાણીમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે.

નદીઓને લઈને કરેલા એક સંસોધનમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ થયા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દક્ષિણ ભારતની 4 અને આસામની એક નદી છોડીને તમામ નદીઓ પ્રદૂષણના માપદંડમાં નાપાસ થઈ છે. દેશની 40 મોટી નદીઓમાં મોટા પ્રમાણમાં પ્રદૂષણ જોવા મળ્યું છે. આ નદીઓ 28 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી પસાર થાય છે. કેન્દ્ર સરકારે રજૂ કરેલા એક રિપોર્ટ પ્રમાણે સાબરમતી નદી ગુજરાતની સૌથી વધારે પ્રદૂષિત નદી હોવાનો ઉલ્લેખ કરાયો છે. સાબરમતી નદી પર રિવરફ્રન્ટ બનાવવા માટે સરકાર દ્વારા મોટા મોટા ખર્ચાઓ કરવામાં આવ્યા છે. છતા સાબરમતીને ચોખ્ખી રાખવામાં સરકાર અસમર્થ છે.

આ ઉપરાંત સુરત વાપી અને ભરૂચ જિલ્લામાં મોટા પ્રમાણમાં ઔદ્યોગિક વસાહતો આવેલી છે. ઉદ્યોગના કેમિકલવાળા પાણીના નિકાલની કોઈ પણ વ્યવસ્થા ન કરવાના કારણે તમામ ઉદ્યોગોનું કેમિકલયુક્ત પાણી નદીઓમાં છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે દક્ષિણ ગુજરાતની તાપી નદી અને નર્મદા નદીના પાણીમાં પ્રદૂષણનું પ્રમાણ વધારે જોવા માટે છે. જેના કારણે આસપાસના ગામડાઓના લોકો પર કેમિકલયુક્ત પાણીની વધારે અસર જોવા મળે છે. ગામના કૂવા, બોર અને હેન્ડપંપમાંથી માત્ર કેમિકલવાળું પાણી આવી રહ્યું છે. ગામના લોકોનું કહેવું છે કે, ગામના કૂવા, બોર અને હેન્ડપંપમાંથી લાલ કલરનું પાણી જ નીકળે છે. જે પાણી પીવા લાયક નથી. જો કે ગામ લોકો પાસે કેમિકલ યુક્ત પાણીનો ઉપયોગ કરવા સિવાય બીજો કોઈ રસ્તો ન હોવાના કારણે ગામના લોકો કેમિકલવાળા પાણીનો ઉપયોગ કરે છે જેના કારણે લોકોને ચામડીના રોગો થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp