26th January selfie contest

ગુજરાતના સાગરકિનારે ઓઇલ સ્પીલ મિટીગેશન સ્થપાશે

PC: khabarchhe.com

ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ સોમનાથમાં ઈન્ટીગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ (ICZMP) હેઠળ સૂચિત ઓશનેરિયમના બાંધકામની સમય મર્યાદા 31 ડિસેમ્બર, 2018ના રોજ પૂર્ણ થઈ રહી છે ત્યારે તેની મુદત વિસ્તારવા માંગણી કરી છે. રાજ્ય સરકારે કોસ્ટલ ઝોન્સની સુરક્ષા માટે ઓઈલ સ્પીલ મિટીગેશન એક્શન પ્લાન (દરિયામાં જહાજમાંથી ઓઈલ ઢોળાતાં ઉભી થતી પરિસ્થિતિના નિવારણ માટેનું આયોજન) ઘડી કાઢ્યો છે.

ગુજરાત ઈકોલોજી કમિશન (જીઈસી) દ્વારા આયોજીત બે દિવસની નેશનલ વર્કશોપમાં આજે 'પોલિસીસ ટુ એક્શન' સેશનમાં બોલતાં ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગરવાલે (આઈએએસ) જણાવ્યું હતું કે રસ ધરાવતી પાર્ટીઓ પાસેથી બીજી વખત ટેકનિકલ જાણકારી માંગતા ગ્લોબલ ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. ટેન્ડર સુપરત કરવાની છેલ્લી તારીખ 12 ફેબ્રુઆરી છે.

અગરવાલે જણાવ્યું કે "અમે સોમનાથ ટ્રસ્ટ પાસેથી જમીન મેળવી છે. પેપર વર્કની કામગીરી પૂર્ણ થઈ છે. જ્યારે આ પ્રોજેક્ટ પૂરો થશે ત્યારે તે અનોખો પ્રોજેકટ બની રહેશે. જ્યારે પહેલીવાર ગ્લોબલ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા ત્યારે કોઈ પાર્ટી આગળ આવી ન હતી, કારણકે વિશ્વમાં ખૂબ ઓછા, માત્ર 9 ઓશનેરિયમ છે.

દુનિયામાં ખૂબ થોડા લોકો પાસે ટેકનિકલ જાણકારી છે. આપણે પબ્લિક-પ્રાઈવેટ-પાર્ટનરશીપ નો માર્ગ પસંદ કર્યો છે. આપણે ટેકનિકલ જરૂરિયાત અને નફાકારકતાનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ. ભારત સરકાર આ પ્રોજેક્ટ આપણે 31 ડિસેમ્બર, 2018 સુધીમાં પૂરો કરીએ તેવું ઈચ્છે છે. આપણે આ તારીખ લંબાવવા માટે માંગણી કરી છે."

આ પ્રસંગે ભારત સરકારના પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન વિભાગના અધિક સચિવ અને સીકોમના નેશનલ પ્રોજેક્ટ ડિરેક્ટર એ.કે. મહેતા (આઈએએસ) જણાવે છે કે "કેન્દ્ર સરકાર સાગરકાંઠાના વિસ્તારોના કાર્યક્ષમ સંચાલન માટે કોસ્ટલ ઝોનના નિયમોના કેટલાંક કિસ્સાઓમાં ફેરફાર કરવાની બાબત વિચારી શકે છે."

મહેતાએ કહ્યું કે "સમુદ્રમાં નિકાલ કરતી વખતે આપણે થોડાક અંતરે અંદર જવું જોઈએ. આ બાબતે કોઈ નોંધપાત્ર સુધારો જણાતો નથી. એવું સમજાયું છે કે નાણાંના મૂડી રોકાણની આ બાબત નથી, પરંતુ તેને અગ્રતા અપાતી નથી."

કેન્દ્ર સરકાર દ્વારા શિવરાજપુર અને અહેમદનગરમાં બ્લૂ ફ્લેગ બીચનો અભિગમ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં પર્યાવરણના આંતરરાષ્ટ્રિય ધોરણોના પાલનની તથા આદર્શ પ્રવાસ મથક તરીકે સ્વચ્છતાને પ્રોત્સાહિત કરવાની વાત છે.

છેલ્લા 25 વર્ષમાં ગુજરાત ઈકોલોજી કમિશન (જીઈસી) પર્યાવરણ અને ઈકોલોજીના વિવિધ પાસાઓ ઉપર કામ કરી રહ્યું છે. કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ, જીઈસી માટે વિશેષ ઝોક ધરાવતું ક્ષેત્ર છે અને ગુજરાત એ વિશ્વ બેંકના ભંડોળ આધારિત ઈન્ટીગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ (ICZMP) નો અમલ કરનાર પાયલોટ સ્ટેટમાં સમાવેશ પામે છે.

ICZMP ના સ્ટેટ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ તરીકે જીઈસી બિસાગ, જીપીસીબી, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, મરીન નેશનલ પાર્ક અને સેન્કચ્યુરી, કચ્છ ફોરેસ્ટ સર્કલ અને ગીર ફાઉન્ડેશન જેવી વિવિધ સરકારી સંસ્થાઓ સાથે મળીને કામ કરી રહી છે.

અગ્રવાલે એવું પણ જણાવ્યું હતું કે ICZMP નો બીજો તબક્કો શરૂ થતાં મ્યુનિસિપલ કચરાના દૂષણને અસરકારક રીતે નાથવા માટે સ્યુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો સમાવેશ કરાશે અને આ બાબત ગુજરાત સરકારની ઉચ્ચ અગ્રતા ધરાવે છે, કારણકે તે સાગરકાંઠે વસતા લોકોની આજીવિકા સુધારવા સાથે સીધો સંબંધ ધરાવે છે.

ભારત સરકારના અર્થ સાયન્સિસ મંત્રાલયના પૂર્વ સચિવ અને પ્રસિધ્ધ વૈજ્ઞાનિક ડો. શૈલેષ નાયકે જણાવ્યું કે "શાસનના મુદ્દાઓ, ઈરોઝન મેનેજમેન્ટ, સાધનોનો ઉપયોગ વગેરે બાબતોને આવરી લેતી ઘનિષ્ટ કોસ્ટલ નીતિ ઘડવાનો સમય પાકી ગયો છે. સાગરકાંઠે વાસ્તવિક ધોરણે અવલોકન થતું રહેવું જોઈએ અને સુનામી એલર્ટસ કોસ્ટલ મેનેજમેન્ટનો મુખ્ય હિસ્સો બની રહેવો જોઈએ, કારણ કે જલવાયુ પરિવર્તનની અસર વ્યાપક રહેતી હોય છે."

જીઈસીના સભ્ય સચિવ અને ICZMP ના પ્રોજેક્ટ ડિરેક્ટર, ગુજરાત- ડો. અશોક કુમાર સક્સેના, આઈએફએસ જણાવે છે કે "ગુજરાત અંદાજે 1650 કી.મી.નો સૌથી લાંબો સાગરકાંઠો ધરાવે છે. આ રાજ્ય દેશના ઓઈલના ઉત્પાદનમાં 40 ટકા હિસ્સા સાથે ગ્રોથ એન્જીનની કામગીરી બજાવે છે. અર્થતંત્ર અને ઈકોલોજી સાથે સૂક્ષ્મ સમતુલા અને સાગરકાંઠે વસતા લોકોની આજીવિકાને અગ્રતા મળે તે પ્રકારની પધ્ધતિઓ અનુસરવાની જરૂર છે."

આ વર્કશોપમાં સરકારી અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, વૈજ્ઞાનિક સંસ્થાઓ, રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય એજન્સીઓ વગેરેના 200થી વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.