સુરતમાં શ્રી શિવ મહાપુરાણ કથા માટે તડામાર તૈયારી

PC: Khabarchhe.com

સુરત. શહેરના આંગણે અનેરા પ્રસંગનું આયોજન થવા જઈ રહ્યું છે. ડિંડોલીના ખરવાસા ખાતે આગામી 16 જાન્યુઆરીથી સુપ્રસિદ્ધ કથા વ્યાસ પંડિત પ્રદીપ મિશ્રાજી (સિહોર વાલે)ના સાનિધ્યમાં શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન વેદાંત સીટી, ખરવાસા મંદિર પાસે, ડીંડોલી રોડ સુરત ખાતે કરવામાં આવ્યું છે. જે માટેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હજારોની સંખ્યામાં ભાવિક ભકતો સ્વયંભૂ સેવા માટે આવી રહ્યા છે, જેને પગલે હમણાંથી જ સુરતનું વાતાવરણ શિવમય જોવા મળ્યું રહ્યું છે. આ આયોજનમાં પ્રતિદિન લાખોની સંખ્યામાં ભાવિક ભકતો કથા શ્રવણ માટે ઉમટી પડશે તેને ધ્યાનમાં રાખી આયોજક સમ્રાટ પાટીલ અને સુનીલ પાટીલ દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

સુરતના ખરવાસા ખાતે સાંઈ લીલા ગ્રુપ દ્વારા શ્રી પંડિત પ્રદીપ મિશ્રાજીના પાવન સાનિધ્યમાં યોજાનારા ભવ્ય શ્રી શિવ મહાપુરાણ કથાના આયોજક સમ્રાટભાઇ પાટીલ અને સુનીલભાઇ પાટિલે જણાવ્યું હતું કે આ તેઓનું અને ખાસ કરીને સુરત અને ગુજરાતના શિવ ભક્તોનું સૌભાગ્ય છે કે તેઓ શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવાના છે. ડિંડોલી ખરવાસા ખાતે તારીખ 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. એક સાથે આશરે 15 લાખ લોકો બેસીને શ્રી શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરી શકે એ એવું 200 વીઘા જગ્યામાં વિશાળ પંડાલ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ માટે અત્યારથી જ કથા સ્થળ ખાતે આયોજનની શરૂઆત કરી દેવામાં આવી છે. જગ્યાની સાફ સફાઈથી માંડીને વિવિધ પ્રકારની સેવાનું ભકતો માટે ઉપલબ્ધ થઈ શકે તે માટે ભકતો સ્વયંભૂ સેવામાં જોડાઈ રહ્યા છે. રોજ મોટી સંખ્યામાં ભક્તો સેવા માટે ઉમટી રહ્યા છે. એટલું જ નહીં પણ 16થી 22 જાન્યુઆરી દરમિયાન સેવા આપવા માટે અત્યાર સુધી 20 હજારથી વધુ ભક્તોએ સેવા આપવા માટે પોતાના નામની નોંધણી કરાવી ચૂક્યા છે અને હજી પણ રોજ મોટી સંખ્યામાં લોકો નામ નોંધાવા આવી રહ્યા છે.  શ્રી શિવ મહાપુરાણ કથા દરમિયાન કથા શ્રવણ માટે આવનાર ભકતો માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સાથે જ અહી રોજ મહાપ્રસાદીનું પણ આયોજન હશે. વિશાળ જગ્યામાં એક રસોડું બનવામાં આવી રહ્યું છે જેથી ભાવિક ભક્તિ અહી પ્રસાદી લઈ શકશે.

અત્યારથી જ રોજ રસોડું કાર્યરત: શ્રી શિવ મહાપુરાણ કથાના આયોજનને હજી એક મહિનાનો સમય છે પણ કથા સ્થળ પર અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને રોજ મોટી સંખ્યામાં ભક્તો સેવા માટે સ્વયંભૂ આવી રહ્યા છે ત્યારે સેવા દારોની સેવા માટે અત્યારથી જ અહીં રસોડું કાર્યરત કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પણ દાતાઓ અત્યારથી દાનની સરવાણી વહાવી રહ્યા છે.

આયોજનની બંને દિશાએ બે કિમીના અંતરે પાર્કિગની વ્યવસ્થા: શ્રી શિવ મહાપુરાણ કથામાં રોજ 10થી 15 લાખ ભક્તો ઉમટી પડશે ત્યારે આયોજકો દ્વારા કથા સ્થળથી બંને દિશામાં બે કિમીના અંતરે વિશાળ પાર્કિગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જ્યાં ભકતો પોતાના વાહન પાર્ક કરી શકશે. પાર્કિંગ સ્થળ પર વ્યવસ્થા સાંભળવા માટે પણ મોટી સંખ્યામાં સ્વયમ્ સેવકો ઉપસ્થિત રહશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp