26th January selfie contest

સચીન GIDC વિવર્સ એસોસિએશન નામનું કોઈ રજિસ્ટર્ડ એસોસિએશન નથી

PC: google.co.in

સચીન GIDC વિવર્સ એસોસિએશનની સરકારી કચેરીમાં નોંધણી નથી: અંગત પ્લોટ નંબરનું સરનામું ટાંકી અંગત સ્વાર્થ ખાતર ઉદ્યોગોને બાનમાં લેવાનું કારસ્તાન: સચીન GIDC વિવર્સ એસોસિએશન બોગસ અને અને ગેરકાયદેસર: સચીન ઈન્ડસ્ટ્રીયલ કો-ઓ સોસાયટીની ચોંકાવનારી જાહેરાત

સચીન GIDCમાં પાણી પુરવઠાની યોજનાને લઈ વિરોધનો ઝંડો લઈને કેટલાક લોકો નીકળી પડતા ઉદ્યોગકારોમાં ભભૂકતો રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સચીન GIDC વિવર્સ એસોસિએશનના નામે પાણી પુરવઠા યોજનાનો વિરોધ કરવામાં આવતાં તેના ભારે પ્રત્યાઘાતો પડ્યા છે. સચીન ઈન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટીવ સોસાયટીએ સચીન GIDC વિવર્સ એસોસિએશનની વિશ્વસનીયતા અને રજિસ્ટ્રેશન અંગે સવાલો ઉભા કરી આ એસોસિએશન બોગસ હોવાનું જાહેર કરતાં વિરોધ કરનારા લોકો બેબાકળા બની ગયા છે.

સચીન ઈન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટીવ સોસાયટીએ ગાંધીનગર ખાતેની GIDCની વડી કચેરીને પત્ર લખી જણાવ્યું છે કે સચીન વસાહતમાં છેલ્લા ઘણા સમયથી સિંચાઈ વિભાગ તરફથી અપુરતો પાણી પુરવઠાનો સપ્લાય કરવામાં આવે છે. સચીનમાં મેજર વોયર યુઝર્સ એકમોને રોજનું 60 એમએલડી પાણીની જરૂરીયાત છે. આ વિગતો નોટીફાઈડ એરિયાના રેકર્ડ પર નોંધાયેલી છે. સચીન તળાવ સુધી પાણી લાવવા માટે બે વિકલ્પ છે.

સચીન ઈન્ડસ્ટ્રીયલ કો-ઓ સોસાયટીએ જણાવ્યું કે પાણી પુરવઠા માટે ખુલ્લી નહેરથી અને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ચલથાણથી સચીન સુધી 12 કિ.મી લાંબી 900 એમએમની એનપી પાઈપ લાઈન છે. ખુલ્લી નહેરમાંથી પાણી પુરવઠો પુરો પાડવા માટે છેલ્લા ઘણા સમયથી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. કારણ કે સિંચાઈ વિભાગને પણ રાજ્ય સરકારે આપેલી સુચના મુજબ ખુલ્લી નહેરમાંથી સૌ પ્રથમ પીવાના હેતુસર પાણી સપ્લાય કરવાનું કહેવાયું છે અને ત્યાર બાદ ખેડુતોને ખેતી માટે અને છેલ્લે ઉદ્યોગોને ઔદ્યોગિક વપરાશ માટે પાણી પાણી પુરું પાડવાની તાકીદ કરવામાં આવી છે.

સોસાયટીએ જણાવ્યું કે આ વિષમ સંગોજોને લઈને GIDCની ગાંધીનગર ખાતેની વડી કચેરીએ એસપીવીને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે 900 એમએમની પાઈપ લાઈન નાંખવા જણાવ્યું હતું. પરંતુ પાઈપ લાઈનનો પ્રોજેક્ટ સદંતર નિષ્ફળ ગયો હતો. પાઈપ લાઈનમાંથી રોજનું આશરે 50 ટકા પાણી લિકેજ થાય છે અને વેડફાય છે. આમ ખુલ્લી નહેરમાંથી વસાહત સુધી પાણી પહોંચે ત્યારે ખેડુતો દ્વાર હેડીંગ થાય છે. આના કારણે વસાહત સુધી પાણી સમયસર પહોંચતું નથી. પાણીની ગંભીર સમસ્યા ઉભી થઈ જાય છે.

સોસાયટીએ જણાવ્યું કે વસાહતમાં પાણી પુરવઠો પુરી પાડવાની જવાબદારી GIDCના વહીવટી તંત્રની રહેલી છે. સમસ્યાના નિરાકરણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરવામાં આવી હતી. મેજર વોટર યુઝર્સ એકમોના એસોસિએશન અને સોસાયટી તરફે રજૂઆત કરાતા પાણી પુરવઠો મેળવી શકાય તેવા સ્ત્રોતો શોધવામાં આવ્યા હતા. GIDCના તમામ નિયમોની પૂર્તતા બાદ પારદર્શક રીતે 35 એમલએલડી પાણી પુરવઠો પ્રતિદિન વસાહતમાં પુરો પાડવા અંગેની જાહેર નિવિદા બહાર પાડવામાં આવી અને તેની નોટીસ પણ પ્રસિદ્વ કરવામાં આવી છે.

સોસાયટીએ વધુમાં લખ્યું કે અખબારોમાં આવેલી જાહેર નિવિદા અંગે સચીન GIDC વિવર્સ એસોસિએશન દ્વારા ગાંધીનગર ખાતેની વડી કચેરીને 16મી મેએ કોઈ મહેન્દ્ર નામની વ્યક્તિની સહીથી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સચીન GIDC વિવર્સ એસોસિએશન નામનું કોઈ એસોસિએશન સરકારી કચેરીમાં રજિસ્ડર્ડ થયેલું નથી. વિરોધ કરવા માટે જે સરનામુ આપવામાં આવ્યું છે તે અંગત પ્લોટનું સરનામું આપવામાં આવ્યું છે. આ પ્રથન દ્રષ્ટિએ ખોટું, બોગસ, ગેરકાયદેસર કૃત્ય જણાય છે.અંગત સ્વાર્થ ખાતર ઉદ્યોગોને બાનમાં લેવાના પ્રયાસો છે. તેમજ પાયાવિહોણા મનોમન ટૂચકા ઉપજાવી કાઢેલા છે.

સચીન ઈન્ડસ્ટ્રીયલ કો-ઓ સોસાયટીએ જણાવ્યું કે વિરોધના પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે સચીન ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશન ટેન્ડરને માન્યતા આપતું નથી તેવું જણાવાયું છે. આ અંગે મેજર વોટર યુઝર્સને વિશ્વાસમાં ન લઈ અને આપખુદશાહીથી નિર્ણય લખીને રજૂ કર્યું છે, જે સદંતર ગેરકાયદે કૃત્ય છે.આ ઉપરાંત પત્રની અન્ય વિગતો જોતાં તેમને ઉદ્યોગોના પાણી પ્રશ્ને કોઈ લેવા દેવા નથી અને સહીઓમાં પણ વિસંગતતા જણાઈ આવી રહી છે.

આ પત્રની હકીકત જોતાં વિરોધ કરી રહેલા લોકોનો વિરોધ એળે ગયો હોવાનું વિદિત થઈ રહ્યું છે. મેજર વોટર યુઝર્સ અને ઉદ્યોગકારોના હિતમાં સાકાર થવા જઈ રહેલી પાણી પુરવઠા યોજનાની પારદર્શી પ્રક્રિયાને આવકાર મળી રહ્યો છે અને સચીન GIDCના ઉદ્યોગકારોને પાણીની સમસ્યામાંથી મૂક્તિ મળશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. 

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp