200 વીઘા જગ્યામાં જર્મન પંડાલમાં શ્રી શિવ મહાપુરાણ કથા સુરતમાં

PC: Khabarchhe.com

સુરત. સુરત શહેરના આંગણે અનેરા પ્રસંગનું આયોજન થવા જઈ રહ્યું છે. શ્રી સાંઈ લીલા ગ્રુપ દ્વારા ડિંડોલીના ખરવાસા ખાતે આગામી 16 જાન્યુઆરીથી આંતરરાષ્ટ્રીય કથા વ્યાસ પંડિત પ્રદીપ મિશ્રા (સિહોર વાલે)ના સાનિધ્યમાં શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને હજારોની સંખ્યામાં ભાવિક ભકતો સ્વયંભૂ સેવા માટે આવી રહ્યા છે, જેને પગલે હમણાંથી જ સુરતનું વાતાવરણ શિવમય જોવા મળ્યું રહ્યું છે. આ આયોજનમાં પ્રતિદિન લાખોની સંખ્યામાં ભાવિક ભકતો કથા શ્રવણ માટે ઉમટી પડશે તેને ધ્યાનમાં રાખી આયોજક સમ્રાટ પાટીલ અને સુનીલ પાટીલ દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ડિંડોલી - પલસાણા રોડ પર ખરવાસા ખાતે આવેલ વેદાંત સીટી ખાતે કથાનું આયોજન થવા જઈ રહ્યું છે જ્યાં 200 વીઘા જેટલી વિશાળ જગ્યામાં તમામ સુવિધાઓથી સજ્જ જર્મન પંડાલ હશે. સાથે જ ભકતો માટે 160 વીઘામાં વિશાળ પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવી છે.

સુરતના ખરવાસા ખાતે આંતરરાષ્ટ્રીય કથા વ્યાસ પંડિત પ્રદીપ મિશ્રાના પાવન સાનિધ્યમાં યોજાનારા ભવ્ય શ્રી શિવ મહાપુરાણ કથાના આયોજક સુનિલ પાટીલ અને સમ્રાટ પાટિલે જણાવ્યું હતું કે આ તેઓનું અને ખાસ કરીને સુરત અને ગુજરાતના શિવ ભક્તોનું સૌભાગ્ય છે કે તેઓ શ્રી શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરવાના છે. ડિંડોલી - પલસાણા રોડ પર ખરવાસા ખાતે સ્થિત વેદાંત સીટી ખાતે તારીખ 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, એક સાથે 15 લાખ લોકો બેસીને શ્રી શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરી શકે એવું 200 વીઘા જગ્યામાં વિશાળ જર્મન પંડાલ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. હજારો ભક્તો સ્થળ પર જ રોકાણ કરતા હોય ત્યારે તેમને કોઈ પણ પ્રકારની અગવડતા નહીં પડે તે રીતે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. લાખો લોકોની ઉપસ્થિતિને ધ્યાનમાં રાખી વિશાળ રસોડું સાતો દિવસ 24 કલાક ચાલુ રહશે એટલે કે ભકતો ગમે ત્યારે મહાપ્રસાદીનું આચમન કરી શકશે. આ માટે અત્યારથી જ કથા સ્થળ ખાતે આયોજનની શરૂઆત કરી દેવામાં આવી છે. વિવિધ પ્રકારની સેવાઓ ભકતો માટે ઉપલબ્ધ થઈ શકે તે માટે ભકતો સ્વયંભૂ સેવામાં જોડાઈ રહ્યા છે. રોજ મોટી સંખ્યામાં ભક્તો સેવા માટે ઉમટી રહ્યા છે. એટલું જ નહીં પણ 16 થી 22 જાન્યુઆરી દરમિયાન સેવા આપવા માટે અત્યાર સુધી 20 હજારથી વધુ ભક્તો પોતાના નામની નોંધણી કરાવી ચૂક્યા છે અને હજી પણ રોજ મોટી સંખ્યામાં લોકો નામ નોંધાવા આવી રહ્યા છે.   સાંઈ લીલા ગ્રુપ દ્વારા શિવ મહાપુરાણ કથાના આયોજન પહેલા 5મી જાન્યુઆરીના રોજ કથા સ્થળ પર રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ 12મી જાન્યુઆરીના રોજ ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે દસ વાગે મિલેનિયમ પાર્ક સ્થિત પંચદેવાલય મંદિર ખાતેથી કળશ યાત્રાની શરૂઆત થશે અને ખરવાસા વેદાંત સીટી સ્થિત કથા સ્થળ પર પૂર્ણાહુતિ થશે.

પહેલા દિવસથી રસોડું કાર્યરત: શ્રી શિવ મહાપુરાણ કથાના આયોજનની તૈયારીના પહેલા દિવસથી જ અહીં ભકતો માટે રસોડું કાર્યરત કરવામાં આવ્યું છે. રોજ મોટી સંખ્યામાં ભક્તો સેવા માટે સ્વયંભૂ આવી રહ્યા છે ત્યારે સેવાદારો માટે સવાર સાંજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહી પણ કથા આયોજનમાં દિવસો દરમિયાન સ્થળ પર 24 કલાક મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

આયોજનની બંને દિશાએ બે કિમીના અંતરે પાર્કિગની વ્યવસ્થા: શ્રી શિવ મહાપુરાણ કથામાં રોજ દસથી પંદર લાખ ભક્તો ઉમટી પડશે ત્યારે આયોજકો દ્વારા કથા સ્થળથી બંને દિશામાં બે કિમીના અંતરે વિશાળ પાર્કિગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ભકતો પોતાના વાહન વ્યવસ્થિત રીતે વાહન પાર્ક કરી શકે તે માટે 160 વીઘામાં પાર્કિંગ ઝોન બનવામાં આવ્યું છે. પાર્કિંગ સ્થળ પર વ્યવસ્થા સાંભળવા માટે પણ મોટી સંખ્યામાં સ્વયમ્ સેવકો ઉપસ્થિત રહશે.

ધાર્મિક આયોજન સાથે માનવ સેવા: ભવ્ય અને દિવ્ય એવા શિવ મહાપુરાણ કથાના આયોજન સાથે જ સાંઈ લીલા ગ્રુપ દ્વારા 29મી ડિસેમ્બરથી માનવ સેવાનું કાર્ય પણ કથા સ્થળે થઈ રહ્યું છે. અહીં રક્તદાન શિબિરના આયોજન માં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp