સુરતના ઉધના રેલવે સ્ટેશન પાસે બિલ્ડિંગનો સ્લેબ તૂટ્યો, ઘટનામાં બે લોકોને ઈજા

PC: Khabarchhe.com

સુરતના ઉધના વિસ્તારમાં સ્લેબ તૂટવાની ઘટના સામે આવી છે. અચાનક બિલ્ડિંગના બીજા માળનો સ્લેબ તૂટવાના કારણે બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ઉધના રેલવે સ્ટેશનની સામે આવેલી શાહ માર્કેટના બીજા માળનો સ્લેબ એકાએક ધરાશાયી થયો હતો. આ બિલ્ડિંગની હાલત જર્જરિત હોવાના કારણે સ્લેબ પડવાની ઘટના બની હતી. બીજા માળેથી સ્લેબ તૂટવાના કારણે ગ્રાઉન્ડ ફ્લોટ પર આવેલી દુકાનોને પણ નુકશાન થયું હતું. સ્લેબ દુકાનની સીલિંગ પર પડવાના કારણે દુકાનોની સીલિંગ પણ તૂટી ગઈ હતી જેના કારણે સ્લેબનો કાટમાળ દુકાનમાં પડ્યો હતો. આ ઘટનામાં બે દુકાનદારને ઈજા થઈ હોવાના કારણે 108 મારફતે દુકાનદારને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.

ફાયર અધિકારીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સ્લેબ પડ્યા પછી ફાયરને આ બાબતે જાણ કરવામાં આવી હતી. જ્યારે ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે 4થી 5 દુકાન ઉપર સ્લેબ પડ્યો હતો. બિલ્ડિંગ જર્જરિત હોવાના કારણે તમામ દુકાનદારો અને રહેવાસીઓને મકાન ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે બિલ્ડિંગની હાલત જર્જરિત હોવાના કારણે સુરત મહાનગર પાલિકા દ્વારા સ્થાનિક લોકો અને દુકાનદારોને બિલ્ડિંગનું ડિમોલેશન કરવાની નોટિસ આપવામાં આવી હતી પરંતુ નોટિસ આપ્યાને લાંબો સમય વીત્યા હોવા છતાં મહાનગર પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારનું ડિમોલેશન કરવામાં આવ્યું નહિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp